Gujarati News

Gujarati News

News of Sunday, 19th January 2020

કાંકરેજના થરા- રાણકપુર વચ્ચે બે ટ્રેઇલરો વચ્ચે અકસ્માત: એકનું મોત ; એક ગંભીર

અજમેરથી ગ્રેનાઈટ ભરી મુન્દ્રા તરફ જઈ રહેલા ટ્રેઇલરે રોન્ગ સાઈડમાં ઘુસાડી ટ્રેલરને ટક્કર મારી

કાંકરેજ તાલુકાના થરા-રાધનપુર નેશનલ હાઇવે પર રાણકપુર ગામ નજીક બે ટ્રેઇલરો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો અજમેરથી ગ્રેનાઈટ ભરી મુન્દ્રા તરફ જઈ રહેલા ટ્રેઇલરના ચાલકે નેશનલ હાઇવેની રોંગ સાઈડ ટ્રેઇલર ઘૂસાડી સામે આવતા ટ્રેઇલરને ટક્કર મારતા અકસ્માત સર્જાયો ટ્રેઇલરના ચાલકને ગંભીર ઇજાઓ થઈ જ્યારે કંડકટરનું મોત થયું હતું.

           જાણવા મળતી વિગતો મુજબ ગત રાત્રીના સુમારે નેશનલ હાઇવે પર અજમેર તરફથી ગ્રેનાઈટના ભરી મુન્દ્રા જતી જી.જે.૧૨.બી.ડબ્લ્યુ.૧૭૫૧ના ચાલક સકતારામ નાયક (રહે.ધાણાવું, બાડમેર)એ ગફલતભર્યું વાહન હંકાવી રાણકપુર નજીક નેશનલ હાઇવે ના ક્રોસિંગ પર રોંગ સાઈડ તરફ ઘુસી સામે થી મોરબી થી કોલસા ભરીને આવી રહેલ ટ્રેઇલર આર.જે.૩૭.જી.એ.૬૮૧૦ વાળાને ટક્કર મારી હતી જી.જે.૧૨.બી.ડબ્લ્યુ.૧૭૫૧ના ચાલક સકતારામને ગંભીર ઇજાઓ થઈ હતી. જેને ૧૦૮ મારફતે થરા રેફરલ ખાતે સારવાર માટે લવાવ્યો હતો જ્યારે ખલાસીનો ટ્રેઇલરના કેબીનમાં મોત થયું હતું.

           પોલીસ તેમજ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ ઘટના સ્થળે પહોચી ટ્રેઇલરના કેબીનને તોડી મૃતક કલારામ ભીલ(રહે.બીસાનિયા ,બાડમેર)વાળાની લાશને બહાર કાઢી થરા રેફરલ ખાતે પી.એમ.માટે લાવવામાં આવી હતી બન્ને ટ્રેઇલરો હાઇવેની વચ્ચે પડ્‌યા હોવાથી તેને રોડની સાઈડ માં ખસેડવાની કામગીરી હાથ ધરાઈ હતી ઘટના સ્થળે થરા પી.એસ.આઈ. એચ.એન.પટેલ પોલીસ સ્ટાફ સાથે દોડી આવી ટ્રાફીક વ્યવસ્થા સંભાળી આગળની તપાસ હાથ ધરી હતી.

(11:48 pm IST)