Gujarati News

Gujarati News

News of Sunday, 19th January 2020

ગમે તેવી બહેરાશ હોય તો પણ વ્યક્તિ સાંભળતી બની શકે છે

વિદિશા બલિયાને ડેફ દર્દીઓને પ્રોત્સાહિત કર્યા : બહેરાશ વાળા દર્દી માટે સ્પીરીટ ઓફ હીયરીંગ ઉજવણી

અમદાવાદ, તા.૧૮ : બહેરાશ ધરાવતાં દર્દીઓ માટે હવે બહુ મોટી રાહત અને આશાના કિરણની વાત જણાવતાં ભારતનાં કોકલીયર ઇમ્પ્લાન્ટ ગ્રુપનાં પ્રેસીડન્ટ અને અપોલો હોસ્પિટલ્સનાં ઇએનટી, હેડ એન્ડ નેક સર્જરી વિભાગનાં હેડ અને પ્રોફેસર ડો. રાજેશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, હવે ગમેતેવી કે કોઇપણ પ્રકારની બહેરાશ હોય તો પણ વ્યકિતને સાંભળતો કરવાનું શકય બન્યું છે. લેટેસ્ટ તબીબી વિજ્ઞાન અને અત્યાધુનિક ટેકનોલોજીની મદદથી તમામ પ્રકારની બહેરાશ માટે સોલ્યુશન લાવી શકાય છે. તબીબી ઉપકરણો જેમકે મધ્યમ બહેરાશ માટે હિઅરીંગ એડ, ગંભીર બહેરાશ માટે કોકલીયર ઇમ્પ્લાન્ટ અને કન્ડક્ટિવ બહેરાશ માટે બોન કન્ડક્શન ઇમ્પ્લાન્ટનું પાલન દર્દીઓને સામાન્ય વ્યક્તિ જેવી શ્રવણક્ષમતા પ્રદાન કરે છે, જેથી તેમને સામાન્ય જીવન જીવવામાં અને સમાજના મુખ્ય પ્રવાહમાં જોડવાનું શકય બન્યું છે.

            એપોલો હોસ્પિટલ દ્વારા બહેરાશ ધરાવતા દર્દીઓ માટે સ્પીરીટ ઓફ હીયરીંગની અનોખી ઉજવણી કરાઇ હતી, જે પ્રસંગે મિસ ડેફ વર્લ્ડ કુ.વિદિશા બલિયાને ડેફ દર્દીઓને પ્રોત્સાહિત કર્યા હતા. મિસ ડેફ વર્લ્ડ ૨૦૧૯ અને રોલ મોડલ ફોર હિઅરિંગ ઇમ્પેરમેન્ટ ૨૦૧૯ની રાષ્ટ્રીય એવોર્ડવિજેતા કુમારી વિદિશા બલિયાને જણાવ્યું હતું કે, હું સમાજના બાળકો અને તેમના માતા-પિતાને ખાસ સંદેશો આપવા માંગુ છુ કે, તમારા સંતાનમાં બહેરાશપણુ હોય તો શકય એટલુ ઝડપથી તેનું નિદાન કરી તેની સારવાર શરૂ કરી તેમને પણ સાંભળતા કરી શકાય છે. મારા જીવનની સફર પણ પડકારજનક અને અનેક અંતરાયોભરી રહી છે પરંતુ મેં હિંમત હારી નહી અને મારૂ જીવન બદલવા માટે હું સતત પ્રયાસશીલ રહી. આખરે એપોલો હોસ્પિટલના ડો.રાજેશ વિશ્વકર્મા અને તેમની ટીમની અસરકારક સારવાર અને  પરિશ્રમના કારણે મને સાંભળવામાં સફળતા મળી. હું બહેરાશ ધરાવતા દર્દીઓ અને તેમના માતા-પિતાને પણ એ જ કહેવા માંગુ છુ કે, ભલે તમારી બહેરાશને લઇ લોકો મજાક ઉડાવે કે, તમને ખરાબ કહે પરંતુ તેની પર ધ્યાન આપવાના બદલે તમે કોઇપણ સંજોગોમાં હિંમત ના હારશો.

           આ એવી વિકલાંગતા નથી કે જે સારી ના થઇ શકે. હવે તો લેટેસ્ટ ટેકનોલોજી અને તબીબી વિજ્ઞાનની મદદથી વ્યકિત સાંભળતી થઇ શકે છે. આ પ્રસંગે ડો.રાજેશ વિશ્વકર્માએ જણાવ્યું કે,  બહેરાશ એ અપંગતા નથી, પણ વિકલાંગતા છે, જેને સારવાર અને ઉપચાર દ્વારા નિવારી શકાય. અમે અપોલો હોસ્પિટલ્સમાં સ્પીચ એન્ડ હિઅરિંગ કેર ઓફર કરીએ છીએ, જેમાં શબ્દ બ્રહ્મા સ્પીચ એન્ડ હિઅરિંગ ક્લિનિકમાં બહેરાશ માટે ઓડિયોલોજિસ્ટ, સ્પીચ-લન્ગુએજ થેરપિસ્ટ અને બહેરા લોકો માટે શિક્ષકો- ડેફ એડ્યુકેટર્સની કુશળ ટીમ સાથે સમન્વય કરીને બહેરાશની સમસ્યાને દૂર કરવા માટે શક્ય શ્રેષ્ઠ સોલ્યુશન્સ પ્રદાન કરીએ છીએ. અપોલો હોસ્પિટલ્સે બહેરાશ ધરાવતા દર્દીઓ માટે એક પ્રેરક ઇન્ટરેક્ટિવ સેશનનું આયોજન કર્યું હતું. આ સેશન પછી ટેલેન્ટ શૉનું આયોજન થયું હતું, જેમાં બહેરાશ ધરાવતા અને હિઅરિંગ ઇમ્પ્લાન્ટની સારવાર મેળવેલા ૨૦ દર્દીઓ સામેલ થયા હતા. ભારતમાં બહેરાશને ગંભીર ગણવામાં આવે છે, પણ આ અતિ ઉપેક્ષિત સ્થિતિ છે. આ પ્રકારની ખામી ધરાવતા લોકો ઘણી વાર પાછળ પડી જાય છે, કારણ કે તેમની આ ખામીની કોઈ સારવાર ન હોવાનું માનવામાં આવે છે. જો કે, અતિથિવિશેષ તરીકે ખાસ હાજર રહેલી મિસ ડેફ વર્લ્ડ વિદિશા બલિયાને દર્દીઓને પ્રોત્સાહિત કરતાં જણાવ્યું હતું કે, બહેરાશ ધરાવતા લોકો પણ સફળતા મેળવી શકે છે, પોતાના સ્વપ્નો સાકાર કરી શકે છે. ઉપરાંત અત્યારે તબીબી વિજ્ઞાન અને ટેકનોલોજી તમામ પ્રકારની બહેરાશ માટે સોલ્યુશન શકય છે. જેથી તેમને સામાન્ય વ્યકિતની જેમ નોર્મલ લાઇફ જીવી શકો છો.

(9:30 pm IST)