Gujarati News

Gujarati News

News of Sunday, 19th January 2020

રાજદ્રોહ કેસમાં કોંગ્રેસના નેતા હાર્દિક પટેલની ધરપકડ કરાઈ

વોરંટ ઇશ્યુ થયાના છ કલાક બાદ જ ધરપકડ થઈ : ક્રાઈમ બ્રાંચના લોકઅપમાં રાત્રે રાખવામાં આવ્યા બાદથી આજે કોર્ટમાં રજુ કરાશે : વારંવાર ગેરહાજર રહેતા વોરંટ

અમદાવાદ, તા. ૧૮ : પાટીદાર અનામત આંદોલન મામલે કોંગ્રેસી નેતા હાર્દિક પટેલની મુશ્કેલી ફરીએકવાર વધી ગઈ છે. રાજદ્રોહ કેસમાં સાયબર ક્રાઈમ બ્રાંચની ટીમે હાર્દિક પટેલની ધરપકડ કરી લીધી છે. વારંવાર કોર્ટ તરફથી સુચના આપવામાં આવી હોવા છતાં કોર્ટમાં ઉપસ્થિત ન રહેતા હાર્દિક પટેલની ધરપકડ કરી લેવામાં આવી છે. હાર્દિક પટેલ છેલ્લા ઘણા સમયથી કોર્ટ તરફથી સુચના મળી હોવા છતાં ઉદાસીન વલણ અપનાવી રહ્યો હતો. બિનજામીનપાત્ર ધરપકડ વોરંટ જારી કરાયાના છ કલાક બાદ જ હાર્દિક પટેલની ધરપકડ કરાઈ હતી. ધરપકડ બાદ હવે હાર્દિક પટેલને રાત્રે ક્રાઈમ બ્રાંચના લોકઅપમાં રાખવામાં આવશે.

             સવારે કોર્ટમાં મંજુરી લીધા બાદ રજુ કરાશે. મળેલી માહિતી મુજબ વિરમગામ નજીકની હાંસલપુર ચોકડી પાસેથી હાર્દિક પટેલની આજે ધરપકડ કરવામાં આવી હતી. આવતીકાલે રવિવારના દિવસે અથવા તો સોમવારના દિવસે હાર્દિક પટેલને રાજદ્રોહ કેસના સંદર્ભમાં રજુ કરવામાં આવે તેવી શક્યતા છે. રાજદ્રોહ કેસમાં હાર્દિક પટેલ કોર્ટમાં સતત ગેરહાજર રહેતા હતા. જેથી કોર્ટે કઠોર વલણ અપનાવ્યુ હતું અને બિનજામીનપાત્ર ધરપકડ વોરંટ જારી કર્યું હતું. સેશન્સ કોર્ટે હાર્દિક પટેલની સામે કઠોર પગલા લીધા છે. હાર્દિક પટેલે કોર્ટમાં ઉપસ્થિત રહેવામાંથી મુક્તિ આપવાની માંગ કરીને અરજી દાખલ કરી હતી. પરંતુ આ અરજીને ફગાવી દેવામાં આવી હતી. આજે કોર્ટમાં સુનાવણી ચાલી હતી. સુનાવણી દરમિયાન  ચિરાગ પટેલ અને દિનેશ બાંભણિયા હાજર રહ્યા હતા. આ સમગ્ર મામલામાં વધુ સુનાવણી ૨૪મી જાન્યુઆરીના દિવસે હવે હાથ ધરવામાં આવનાર છે. હાર્દિક પટેલની મુશ્કેલીઓ રાજદ્રોહના મામલામાં વધવાની શક્યતા છે. હાર્દિક પટેલ પાટીદાર આંદોલનને લઈ લોકોમાં ચર્ચામાં આવ્યો હતો. ત્યારબાદથી લોકપ્રિયતા વધી હતી.

(10:16 am IST)