Gujarati News

Gujarati News

News of Sunday, 19th January 2020

માનવ સેવાથી જીવ બચાવવાનું કામ મુશ્કેલ છે : નાયબ મુખ્ય મંત્રી નિતિન પટેલ

અગાઉ દવાખાનાની કલ્પના કરવી એક સપનું હતું : ગુજરાતભરમાં ૧૧૦થી વધારે હોસ્પિટલ ગ્રાન્ટેબલ, જેને વર્ષે માતબર રકમનું અનુદાન મળે છે : નાયબ મુખ્યપ્રધાન

અમદાવાદ,તા.૧૮ :  માનવ સેવા દ્વારા જીવ બચાવવાનું કામ સૌથી અઘરું છે, એવું નાયબમુખ્ય મંત્રી નિતીન પટેલે આજે વેડા-ગોવિંદપુરા- હિંમતપુરા સાર્વજનિક દવાખાના ટ્રસ્ટ સંચાલિત એમ.બી.બી.સાર્વજનિક હોસ્પિટલના નવનિર્મિત મકાનનું લોકાર્પણ કરતા જણાવ્યું હતું. નાયબમુખ્ય મંત્રી નિતીન પટેલે વઘુમાં જણાવ્યું હતું કે, ૧૯૬૫-૭૦ માં દવાખાનાની કલ્પના કરવી એક સ્વપ્ન હતું ત્યારે વેડા ગામના વતની અને શ્રેષ્ઠી દાતાઓના સહયોગથી વેડા-ગોવિંદપુરા સાર્વજનિક દવાખાનું સાકાર થયું હતું. જેનું ઉદૂઘાટન મુંબઇની વિખ્યાત હોસ્પિટલના શ્રેષ્ઠી રતિલાલ મણીલાલ નાણાવટીના હસ્તે કરવામાં આવ્યું હતું. સમય જતાં આ દવાખાનાનું મકાન ક્ષીણ અને જીર્ણ થતા તેનું નવ નિર્માણ કરવા વેડા ગામના વડીલોએ રમણલાલ વોરાની આગેવાની હેઠળ શ્રેષ્ઠીઓ સમક્ષ રજૂઆત કરતાં માતૃભૂમિનું ઋણ અદા કરવા મુંબઇ નિવાસીઓએ માનવ સેવાના આ મહાયજ્ઞમાં દાન આપીને કર્તવ્ય પ્રરાયણતા દાખવી છે.

           જેથી સૌ શ્રેષ્ઠી દાતાઓને અભિનંદન પાઠવું છું. નાયબ મુખ્યમંત્રીએ વઘુમાં જણાવ્યું કે, રાજયમાં ૧૧૦ જેટલી હોસ્પિટલ ગ્રાન્ટબલ છે. જેને વર્ષે સરકાર દ્વારા માતબર રકમનું અનુદાન આપવામાં આવે છે. સરકારના આ નાણાંનો સદૂઉપયોગ થાય પ્રજા માટે વપરાય તે ઉદ્દેશ હોવો જોઇએ. આ ભૂમિ ખેડૂતોની કર્મ ભૂમિ છે. દાતાઓ-શૂરવીરોની ભૂમિ છે. દાતાઓના સહયોગથી આ વ્યવસ્થા ઉભી થઇ છે. જેનો લાભ આસપાસના ગામના દર્દીઓ મેળવશે, તેવી આશા રાખું છું. પચાસ વર્ષ અગાઉ આ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું હતું, તેવું કહી પૂર્વ વિઘાનસભાના અઘ્યક્ષ રમણલાલ વોરાએ હોસ્પિટલ નિર્માણ થવાની રસપ્રદ વાત કરતા કહ્યું હતું કે, ગામમાં સાઘન સંપન્ન અને એમ્બેસેડર ગાડી ઘરાવતા પ્રાણલાલભાઇના ઘરમાં એક દિવસ અચાનક એક સભ્ય બીમાર પડયા હતા.

                ત્યારે તેમને દવાખાનામાં લઇ જવામાં ભારે મુશ્કેલી પડી હતી, તેમણે વિચાર્યું કે, હું આટલો સાઘન સંપન્ન છું, તેમ છતાં મને આટલી તકલીફ પડી તો આ ગરીબ માણસોનું શું થતું હશે, તે પછી તેમણે ગામમાં દવાખાનાનું  બનાવવાનો ર્દઢ નિર્ણય કર્યો. દવાખાનું ન બને  ત્યાં સુઘી  ચંપલ નહિ પહેરું,તેવી પ્રતિજ્ઞા લીઘી હતી. વર્ષ- ૧૯૬૯-૭૦ માં આ દવાખાનાના નિર્માણ કરવામાં આવ્યું હતું.  ફલશ્રૃતિ રૂપે આજે સાર્વજનિક હોસ્પિટલ નવનિર્મિત મકાનનું લોકાર્પણ થઇ રહ્યું છે. કાર્યક્રમના પ્રારંભે નરેન્દ્ર ચાવડાએ સ્વાગત પ્રવચન કર્યું હતું.

(9:26 pm IST)