Gujarati News

Gujarati News

News of Sunday, 19th January 2020

મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત ભાજપના ઘણા આગેવાન કાલે દિલ્હીમાં હશે

વિધાનસભા ચૂંટણી પ્રચાર તથા અન્ય કાર્યક્રમ : દિલ્હીમાં ૨૦મીએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની નિમણૂક પ્રક્રિયામાં ભાગ લેશે : દિલ્હી ચૂંટણીને લઈને કાલે મિંટિગ

અમદાવાદ,તા.૧૮ : ભારતીય જનતા પાર્ટીના નવા પ્રમુખની વરણી પ્રક્રિયાને લઈને ભારે ઉત્સુક્તા પ્રવતી રહી છે. આના ભાગરૂપે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ભાગ લેવા દિલ્હી પહોંચી રહ્યા છે. આ ઉપરાંત દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે પ્રચારની પ્રક્રિયામાં પણ તમામ નેતાઓ ભાગ લેનાર છે. આ સંદર્ભમાં આજે માહિતી આપવામાં આવી હતી.ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, આગામી દિલ્હી વિધાનસભાની ચૂંટણીના સંદર્ભમાં દર વખતની જેમ આ વખતે પણ ગુજરાત ભાજપાના આગેવાનો તથા કાર્યકરો દિલ્હી ખાતે ચૂંટણી પ્રચાર તથા ચૂંટણી વ્યવસ્થાઓના કાર્ય માટે દિલ્હી જવાના છે.

          આવતીકાલે સાંજે તા. ૧૯ના રોજ દિલ્હી ખાતે વિધાનસભા ચૂંટણી સંદર્ભે ભાજપાની એક બેઠક મળવાની છે, જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી, કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા, પ્રદેશ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ, પ્રદેશ ઉપપ્રમુખ જશવંતસિંહ ભાભોર, પૂર્વ મંત્રી શંકર ચૌધરી તથા સાંસદ સી. આર. પાટીલ અને પૂનમબેન માડમ આવતીકાલે દિલ્હી ખાતે યોજાનાર ભાજપાની વિધાનસભા ચૂંટણી પ્રચાર કાર્ય તથા વ્યવસ્થા અંગેની બેઠકમાં ઉપસ્થિત રહેશે.

          તારીખ ૨૦ જાન્યુઆરી સવારે ૧૦ કલાકે દિલ્હી ખાતે યોજાનાર ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષની વરણી પ્રક્રિયામાં ભાગ લેવા માટે ગુજરાત ભાજપા કોર ગ્રુપની ટીમ દિલ્હી ખાતે ઉપસ્થિત રહેશે. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી, કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા, પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયા, કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, આરસી ફળદુ, પ્રદેશ ભાજપા અગ્રણી સુરેન્દ્ર કાકા, પ્રદેશ ઉપાધ્યક્ષ ભાર્ગવ ભટ્ટ તથા પૂર્વ મંત્રી શંકર ચૌધરી ઉપસ્થિત રહેશે.

(9:23 pm IST)