Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

અમ્યુકોનું કોઇપણ નવા વધારાના કરવેરા વિનાનું ફુલગુલાબી બજેટ

મ્યુનિસિપલ કમિશનર દ્વારા ૬૫૦૦ કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ : અમદાવાદમાં પ્રથમવાર થ્રી લેયરના બે ફલાયઓવર સહિત ૨૬ નવા બ્રીજ બનાવાશે : રેલ્વેલાઇન નીચે ૧૬ અંડરપાસ બનશે : બજેટમાં ઘણી જોગવાઇ

અમદાવાદ,તા. ૧૯ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર મુકેશ કુમાર દ્વારા આજે વર્ષ ૨૦૧૮-૧૯ માટેનું રેવન્યુ ખર્ચ રૂ.૩૨૦૦ કરોડ અને કેપીટલ ખર્ચ રૂ.૩૩૦૦ કરોડ સાથેનું કુલ રૂ.૬૫૦૦ કરોડનું ડ્રાફટ બજેટ આજે રજૂ કરવામાં આવ્યું હતું. મ્યુનિસિપલ કમિશનર દ્વારા સામાન્ય વેરામાં, વોટર અને કન્ઝર્વન્સી ટેક્સ કે વાહનવેરામાં કોઇપણ પ્રકારના વધારા વિનાનું ફુલગુલાબી બજેટ રજૂ કર્યું હતું. આ બજેટ મારફતે મ્યુનિસિપલ કમિશનરે શહેરની વિકરાળ બનેલી ટ્રાફિક, પાર્કિંગ અને રોડ-રસ્તા, બ્રીજની સમસ્યાઓના નિવારણ માટે મહત્તમ જોગવાઇ અને બજેટની ફાળવણી કરી છે. અમ્યુકોના બજેટમાં ગુજરાતના ઇતિહાસમાં સૌપ્રથમવાર અમદાવાદ શહેરમાં બે જેટલા થ્રી લેયર ફલાય ઓવર બ્રીજ બનાવવાનું આયોજન કરાયું છે. અમદાવાદ-બોટાદ સહિતની રેલ્વે લાઇન નીચે ૧૬ જેટલા અંડરપાસ સહિત શહેરમાં ૨૬ જેટલા નવા બ્રીજ બનાવવાનું આયોજન બજેટમાં કરાયું છે. કોઇપણ વધારાના કરવેરા વિનાનું અમ્યુકોનું વર્ષ ૨૦૧૮-૧૯નું બજેટ સ્વચ્છ અમદાવાદ, સુરક્ષિત અમદાવાદ અને સુવિધાયુકત અમદાવાદની મુખ્ય થીમ પર તૈયાર કરવામાં આવ્યું છે. તો, સૌપ્રથમવાર સુએજ ગેસમાંથી ૨.૫ મેગા વોટ વીજળીનું ઉત્પાદન કરવાનું આયોજન પણ અમ્યુકોના બજેટમાં કરવામાં આવ્યું છે.      અમ્યુકોનું ડ્રાફ્ટ બજેટ આજે મેયર ગૌતમભાઇ શાહ, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન પ્રવીણભાઇ પટેલની હાજરીમાં મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમારે વર્ષ ૨૦૧૮-૧૯નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરતાં જણાવ્યું હતું કે, આગામી વર્ષમાં અમદાવાદમાં પાલડી જંકશન અને નહેરૂનગર જંકશન પર એમ કુલ બે થ્રી લેયર બ્રીજ બનાવવાની દરખાસ્ત સાથે શહેરમાં કુલ ૨૬ નવા બ્રીજ બનાવવાનું આયોજન છે. એટલું જ નહી, શહેરમાં એસ.જી.હાઇવે સહિતની ૨૫ જુદી જુદી જગ્યાએ પાર્કિંગની સુવિધા ઉભી કરવામાં આવશે. શહેરની ટ્રાફિક સમસ્યાને હળવી કરવા માટે અમ્યુકો દ્વારા આ બજેટમાં રૂ.૬૨૫ કરોડની જોગવાઇ કરાઇ છે. શહેરના રસ્તાઓ વરસાદમાં ધોવાઇ ના થાય અને વધુ લાંબા સમય સુધી ટકાઉ રહે તે માટે રોડ રીસરફેસના કામોના તજજ્ઞ જાણકારો અને અનુભવી એન્જિનીયરોનો સમાવેશ કરી ખાસ પ્રકારે રોડ ડિઝાઇન સેલની રચના કરવામાં આવશે અને તેના મારફતે અમદાવાદમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના રોડ બનાવવાનું આયોજન છે. આગામી વર્ષમાં અમદાવાદ શહેરમાં એકંદરે ૨૦૦ કિલોમીટર રસ્તાઓ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નવા આરસીસી રોડ, નવા બેઝ વર્ક સાથેના રોડ, રોડ રીસરફેસનો પણ સમાવેશ થાય છે. રોડ-રસ્તાના કામો માટે નેનો ટેકનોલોજી દ્વારા રોડ તથા જેટ પેચર ટેકનોલોજી દ્વારા રોડ પેચ વર્ક કરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યાના નિવારણના હેતુથી આ બજેટમાં શહેરમાં ૨૬ જેટલા નવા બ્રીજ બનાવવાનું આયોજન હાથ ધરાશે., જેમાં સૌપ્રથમવાર અમદાવાદ શહેરમાં પાલડી ચાર રસ્તા અને નહેરૂનગર સર્કલવાળા જંકશન ખાતે થ્રી લેયર બે નવા બ્રીજ રૂ.૧૮૦ કરોડના ખર્ચે બનાવવામાં આવશે. જેમાં ફર્સ્ટ લેયર એકબાજુ સીધા ટ્રાફિક માટે, સેકન્ડ લેયર ચાર આર્મનું રાઉન્ડ ડેવલપમેન્ટ તથા થર્ડ લેયર બીજીબાજુના સીધા ટ્રાફિક માટે ફલાયઓવર બ્રીજ બનાવાશે. આ સિવાય રેલ્વે ઓવરબ્રીજ ચાર, જુદી જુદી રેલ્વે લાઇન નીચે ૧૬ અંડરપાસ અને ૬ ફલાયઓવર બ્રીજ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. તો રૂ.૧૦૦ કરોડના ખર્ચે એલીવેટેડ એકસપ્રેસ કોરીડોર કાલુપુર રેલ્વે સ્ટેશન સુધી બનાવવામાં આવશે. આ જ પ્રકારે ઘોડાસર સ્પ્લીટ ફલાયઓવર બ્રીજ માટે રૂ.૭૦ કરોડ અને પલ્લવ ચાર રસ્તા પર ફલાયઓવર બ્રીજ માટે રૂ.૯૦ કરોડની ફાળવણી કરાઇ છે. શહેરમાં પસાર થતી રેલ્વે લાઇનમાં રેલ્વે ક્રોસીંગ મુકત કરવા માટે પણ આ વખતના બજેટમાં ખાસ જોગવાઇ કરાઇ છે, જેમાં રેલ્વે દ્વારા ૧૪, મેટ્રો દ્વારા એક અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક અંડરપાસ બનાવવામાં આવશે, આમ, શહેરમાં કુલ ૧૬ અંડરપાસ બનાવવામાં આવશે. મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમારે ઉમેર્યું હતું કે, ટ્રાફિકની સમસ્યા હલ કરવાના બીજા અસરકારક ઉપાય તરીકે શહેરના ૨૫થી વધુ સ્થળોએ પાર્કિંગની વ્યવસ્થા બનાવાશે. આ માટે ઓન સ્ટ્રીટ પાર્કિંગ પોલિસી બનાવવામાં આવશે, જેમાં પાર્ક થયેલા વાહનોનો ચાર્જ વસૂલવામાં આવશે. ખાસ કરીને એસ.જી.હાઇવે પર રૂ.૯.૪૩ કરોડના ખર્ચે પે એન્ડ પાર્ક બનાવવામાં આવશે. આ પાર્કિંગ વ્યવસ્થા કર્ણાવતી કલબથી હેબતપુર ચાર રસર્તા સુધીનો પૂર્વ તરફનો સર્વિસ રોડ પર મેઇન રોડને સમાંતર બનાવવામાં આવશે. એસ.જી. હાઇવે પર મલ્ટી સ્ટોરીડ પાર્કિંગ બિલ્ડીંગ ઉભી કરવા સાથે શહેરમાં ૨૫ જગ્યાઓ પર પાર્કિંગની વિશેષ સુવિધા ઉભી કરવામા આવશે. શહેરમાં ટ્રાન્સપોર્ટેશનની સુવિધા વધુ સરળ અને સુગમ બનાવવા માટે શહેરમાં વધુ એક હજાર બસો દોડાવવાનું આયોજન કરાયું છે. સાથે સાથે ૪૦ ઇલેકટ્રીક બસ, ૨૦ મેક્સી અને ૨૦ રીક્ષા ખરીદવાની બજેટમાં જોગવાઇ કરાઇ છે. એફોર્ડેબલ હાઉસીંગ વિસ્તારમાં વેસ્ટર્ન રીંગરોડ પર વોટર ટ્રન્ક લાઇન નાંખવાનું આયોજન છે. વાડજથી વાસણા સુધી રૂ.૧૧૦ કરોડના ખર્ચે સુએજ ટ્રન્ક લાઇન નાંખવામાં આવશે. શહેરના સરખેજ, શીલજ, છારોડી તથા સોલાના તળાવોને ડેવલપ કરવાનું પણ આયોજન કરાયુ છે.

સાથે સાથે રૂ.૩૫૦ કરોડના ખર્ચે ખારીકટ કેનાલને પણ ડેવલપમેન્ટ કરવાનું આયોજન કરાયું છે. તો, હાઉસીંગ ફોર ઓલ-૨૦૨૨ અંતર્ગત અમ્યુકો દ્વારા આગામી વર્ષ દરમ્યાન કુલ ૩૫૦૦૦ નવા આવાસો બાંધવાનું આયોજન કરાયું છે. જેમાં એલઆઇજી અને ઇડબલ્યુ એસના ૧૫ હજાર મકાનો, આઇએસએસઆર હેઠળ ૫૦ સ્લમ વિસ્તારમાં દસ હજાર મકાનો અને પ્રાઇવેટ ડેવલપર દ્વારા એફોર્ડેબલ હાઉસીંગમાં દસ હજાર આવાસો બાંધવાનું આયોજન છે.

(7:18 pm IST)