Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

કરજણ પોલીસ કસ્ટડીમાંથી રેતી ભરેલ ત્રણ ટ્રક ચોરાઈ જતા તંત્ર દોડતું થયું

વડોદરા:ખાણ ખનીજ ખાતાએ કબજે કરીને કરજણ પોલીસને સોંપેલી રેતી ભરેલી ત્રણ ટ્રકોની પોલીસ સ્ટેશનની કસ્ટડીમાંથી ચોરી થઇ જતા પોલીસતંત્ર દોડતુ થઇ ગયુ હતું.

પોલીસ સ્ટેશન બહાર મુકેલી ત્રણે ટ્રકો રાતોરાત ગાયબ થઇ ગઇ હતી અને ફરીથી રેતી ભરવા માટે લીઝો પર જવા લાગી હતી જો કે ખાણ ખનીજ ખાતાની નજરમાં આ ટ્રકો આવી જતા  બે ટ્રકને કરજણ નજીક તેમજ ત્રીજી ટ્રકને છોટાઉદેપુર ખાણ ખનીજખાતાએ કબજે કરી હતી.

કરજણ  નજીકથી ખાણખનીજખાતાના માઇન્સ સુપરવાઇઝર પી.આર. વિરડીએ ઓવરલોડ રેતી ભરેલી ત્રણ ટ્રકો તા.૯ ડિસેમ્બરના રોજ સીઝ કરી મોડી રાત્રે કરજણ પોલીસ સ્ટેશનમાં જમા કરાવ્યા હતાં.  દરમિયાન જિલ્લા પોલીસવડાને રેતી ભરેલી ત્રણે ટ્રકો કરજણ પોલીસ સ્ટેશનમાંથી ચોરી થઇ છે તેની જાણ થતા તે અંગેનો પત્ર કરજણ પોલીસ સ્ટેશનને લખવામાં આવ્યો હતો અને બાદમાં ત્રણ ટ્રકો પૈકી એક ટ્રક માઇન્સ સુપરવાઇઝર વિરડી ફરીથી સીઝ કરીને કરજણ પોલીસ સ્ટેશનમાં લાવ્યા હતાં.

જ્યારે અગાઉ સીઝ કરેલી બીજી ટ્રકના ચાલકનો મોબાઇલફોનથી સંપર્ક કરી ટ્રક પોલીસ સ્ટેશનમાં લાવીને મુકવાનું કહેતા ચાલક કરજણ ટોલનાકા પર ટ્રક મુકીને જતો રહ્યો હતો આ ઉપરાંત ત્રીજી ટ્રકની તપાસ કરતા આ ટ્રક છોટાઉદેપુર ખાણખનીજખાતાએ પકડી હોવાનુ જાણવા મળ્યુ હતું.

આમ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાંથી એક મહિના ઉપરાંતથી રેતી ભરેલ ત્રણ ટ્રકોની ચોરી થઇ  છતા તેની કોઇને જાણ સુધ્ધા થઇ ન હતી અને આખરે તેનો ભાંડો ફુટતા પોલીસ તંત્રમાં પોતાની ભુલ સુધારવા દોડધામ મચી ગઇ હતી. જો કે આ અંગે કરજણ પોલીસના જમાદાર મુકેશ રોહીતે  ત્રણ ટ્રકોની ચોરી અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

(6:10 pm IST)