Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

નિત્યાનંદ આશ્રમ મામલામાં ખાસ તપાસ ટીમ મદદરૂપ બનવા તૈયાર

માતાને અન્ય પુરુષ સાથે સંબંધો, હું સુરક્ષિત : ગુમ યુવતીનો આક્ષેપ : યુવતીના પિતા દ્વારા હાઈકોર્ટમાં હેબિયર્સ કોર્પસ અરજી : હું થોડાક દિવસોમાં નિવેદન લખાવી જઈશ : વિવાદ બાદથી નિત્યાનંદનું પણ ટવીટ્ સપાટી ઉપર

 અમદાવાદ, તા.૧૮ : નિત્યાનંદ આશ્રમ વિવાદ મામલામાં નવી નવી વિગતો સપાટી ઉપર આવી રહી છે. સાથે સાથે પોલીસ પણ ઉંડી તપાસમાં લાગી ગઈ છે. ચકચારી મામલામાં એકબાજુ હેબિયર્સ કોર્પસ અરજી દાખલ કરવામાં આવી છે. બીજી બાજુ આ સમગ્ર મામલામાં મદદરુપ થવા મહિલા અધિકારી સહિત ખાસ તપાસ ટીમ મદદ કરનાર છે. આ તપાસ ટીમમાં ૪ ડીવાયએસપી, ૨ પીઆઈ, ૨ પીએસઆઈ અને મહિલા અધિકારી મદદરુપ બનનાર છે. બીજી બાજુ યુવતીના પિતાએ હાઈકોર્ટમાં હેબિયર્સ કોર્પસ અરજી કરી દીધી હોવાનું જાણવા મળ્યું છે. ફરિયાદ દાખલ કરાયા બાદ ફરિયાદી અને બાળકોના પરિવારે પોલીસને ધમકી મળી હોવાનું જણાવતા પોલીસ રક્ષણ આપવામાં આવ્યું છે. અમદાવાદ શહેરના હાથીજણ ખાતેના સ્વામી નિત્યાનંદના યોગિની સર્વાજ્ઞ પીઠમ આશ્રમમાં ચાર બાળકોને ગોંધી રાખવાના મામલે આશ્રમના સ્થાપક સ્વામી નિત્યાનંદ અને પ્રાણપ્રિયા તેમજ પ્રિયાતત્વા સામે ગ્રામ્ય પોલીસે ગુનો નોંધ્યો છે.

                   યુવતીના પિતાએ હાઈકોર્ટમાં હેબીયસ કોપર્સની અરજી કરી છે જેની સુનાવણી આજે છે. ફરિયાદ નોંધાયા બાદ ફરિયાદી અને બાળકોના પરિવારે પોલીસને ધમકી મળી હોવાનું જણાવતા ફરિયાદી અને બાળકોના પરિવારને પોલીસ રક્ષણ આપવામાં આવ્યું છે. તેમજ ગત રાત્રે વિદેશમાં રહેતી યુવતી અને ગુમ યુવતી સાથે પોલીસે સ્કાઈપથી વાત કરી હતી. જેમાં ગુમ યુવતી અને વિદેશમાં રહેતી યુવતીએ ભરોસો આપ્યો કે, હું થોડા દિવસમાં જ અમદાવાદ આવીને નિવેદન લખાવી જઈશ. હું સુરક્ષિત છું.જો કે, યુવતી નિત્યાનંદીતાએ કેટલાક ગંભીર આક્ષેપ કર્યા હતા કે, મારી માતાને જગદીશ નામના એક વ્યક્તિ સાથે અફેર હતું અને તે જગદીશ મારી સાથે દુર્વ્યવહાર કરતો હતો. ત્યારબાદ મેં ઘર છોડ્યું હતું. ગુમ થયેલી યુવતી નિત્યાનંદીતાએ વીડિયો રીલિઝ કરી જણાવ્યું, પાછલા કેટલાય દિવસોથી માધ્યમોમાં ખોટા સમાચારો ચાલી રહ્યા છે. હું મારા લોકો સાથે સતત પ્રવાસ કરી રહી છું. મારૃં અપહરણ થયું હોવાની વાતો ખોટી છે. દુઃખ સાથે કહેવું પડે છે કે, જનાર્દન અને મારા માતા-પિતાના દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા છે તે ખોટા છે. ૧૯ વર્ષની ઉંમરે મારામાં મીડિયાને સામે ચાલીને જવાબ આપવાની ક્ષમતા નથી. હું મારી જાતને આ તણાવ અને ત્રાસથી દૂર રાખવા માંગુ છું તેથી હું પ્રવાસે નીકળી ગઈ છું. હું મારી સ્વેચ્છાએ બહાર નીકળી છું.

                   મારૃં કોઈ અપહરણ થયું નથી. તેણીએ આગળ કહ્યું કે, મારા આશ્રમ કે મારી સંસ્થાએ મારૃં કોઈ પણ પ્રકારનું અપહરણ નથી કર્યુ, પરંતુ મને બીક છે કે મારા માતા-પિતા મારું અપહરણ કરાવી શકે છે. આ અમારા પરિવારનો પ્રશ્ન છે જેને મારા માતાપિતાએ જાહેર બનાવ્યો છે. દરમ્યાન ગ્રામ્ય એસ.પી.રાજેન્દ્ર અસારીએ જણાવ્યું કે, બાળકોના પિતા જનાર્દન શર્માની ફરિયાદના આધારે બાળકોને ગોંધી રાખવા અંગેનો ગુનો સંચાલકો સામે નોંધાયો છે. જ્યારે યુવતી લાપતા હોવાથી તેની ગુમ થયાની જાણવા જોગ ફરિયાદ પણ નોંધાઈ છે. લાપતા યુવતી આશ્રમમાં નહીં હોવાનું સ્પષ્ટ થયું છે. આગામી ત્રણ દિવસમાં તે પોલીસ સમક્ષ હાજર થશે તેવો દાવો કરાયો છે. બીજીબાજુ, યુવતીના પિતાએ ગુજરાત હાઇકોર્ટમાં હેબીયર્સ કોર્પસ અરજી દાખલ કરી છે. સમગ્ર વિવાદ બાદ હવે સ્વામી નિત્યાનંદ કે જે સોશ્યલ મીડિયા પર એકટીવ રહેતા હોય છે તેમના ટવીટ્ સામે આવ્યા છે, જેમાં તેમણે જણાવ્યું છે કે, હિન્દુત્વમાં જાગૃત લોકો અને ગુરૂ જ બાળકોને ઉછેરી શકે છે. અન્ય એક ટવીટ્માં નિત્યાનંદે એવો દાવો કર્યો કે, મારા માતા-પિતાએ મને તાલીમ અપાવી તેના કારણે આજે હું સફળ છું. નિત્યાનંદના ટવીટ્ બાદ સમગ્ર મામલો ગરમાયો હતો.

(8:31 pm IST)