Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજનું કેન્યામાં જાજરમાન સ્વાગત

કોંગોના વાઈસ પ્રાઈમ મિનિસ્ટર પામ્યા અભયદાન, વિશ્વ પ્રસિદ્ધ શ્રી મુક્તજીવન સ્વામી બાપા સ્કોટીશ પાઈપ બેન્ડ, નાઈરોબીએ સૂરાવલિઓ રેલાવી

વિરમગામ : સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન અને શ્રીજી સ્વયંમૂર્તિ જીવનપ્રાણ શ્રી અબજીબાપાશ્રીના સાચા વારસદાર શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર યુગદ્રષ્ટા જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામીબાપાના પુનિત પદરજથી અનેકવાર પૂર્વ આફ્રિકાની ધરા પાવન થઈ છે.

  સ્વામિનારાયણ સંપ્રદાયમાં સૌ પ્રથમ વિદેશની ભૂમિ પર સત્સંગ પ્રચારાર્થે કેડી કંડારનાર આર્ષદ્રષ્ટા શ્રી મુક્તજીવન સ્વામીબાપા હતા. ઈ.સ. ૧૯૪૮ માં જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામીબાપા ઈસ્ટ આફ્રિકા સર્વ પ્રથમ પધાર્યા હતા. અનાર્ય દેશને આર્ય બનાવ્યો. તે પછી સ્વામિનારાયણ સંપ્રદાયનું સૌથી પ્રથમ શ્રી સ્વામિનારાયણ મંદિર બનાવ્યું. શ્રી મુક્તજીવન સ્વામીબાપાના એ અનુપમેય માર્ગે આગળ વધી અનેકાનેક મુમુક્ષુઓને સ્વામિનારાયણબાપા સ્વામીબાપાની ભક્તિમાં રસબસ કરનાર શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજ પણ વારંવાર પૂર્વ આફ્રિકાના દેશોમાં પધારી ભક્તોને ભગવાનમાં સંલગ્ન કરી રહ્યા છે.

   શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજ પૂર્વ આફ્રિકાના કેન્યા, યુગાન્ડા અને ટાન્ઝાનિયા આદિ દેશોમાં સત્સંગ પ્રચારાર્થે પધાર્યા છે. સવા બે માસના વિચરણ દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે.

   નાઈરોબી - કેન્યામાં શુભાગમન દરમિયાન કોંગો રાષ્ટ્રના વાઈસ પ્રાઈમ મિનિસ્ટર Hon.Elysee Munenbwe Tamukumwe અને ‌Michal B. Mubare - Ambassador વગેરે અભય દાન - આશીર્વાદ, પ્રસાદ પામી ધન્યાતીત બન્યા હતા.

    એરપોર્ટથી શ્રી સ્વામિનારાયણ મંદિર, નાઈરોબી સ્પેશ્યિલ પોલિસ એસ્કોર્ટ સેવામાં હાજર રહી હતી. મંદિર પધારતા સત્સંગી બંધુઓ જયકારો કરી વધાવી લીધા હતા. મનોરમ્ય રથમાં શ્રી હરિકૃષ્ણ મહારાજ સહ વિરાજમાન થયા હતા. પૂજન અને આરતી ઉતાર્યા બાદ વિશ્વ પ્રસિદ્ધ શ્રી મુક્તજીવન સ્વામીબાપા પાઇપ બેન્ડે કીર્તનોની સંગીત સૂરાવલીઓ રેલાવી હતી. નાના ભૂલકાંઓએ રથને ખેંચી અને મંદિર સુધી લાવ્યા હતા. ત્યારબાદ  પુષ્પોથી મંદિરના મુખ્ય દ્વારથી મંદિરના ગર્ભગૃહ સુધી શણગારેલા પર ચાલતા ચાલતા સહુને સમીપ દર્શનદાન આપી સ્વામિનારાયણબાપા સ્વામીબાપાનાં દર્શન કર્યા હતા. અને આરતી ઉતારી હતી. ત્યારબાદ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત તમામ હરિભક્તોને દર્શનદાન આપ્યા હતા

(6:46 pm IST)