Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

લગ્નોમાં બદલાયો ટ્રેન્ડઃ ડીજે નહિ ગુજરાતનાં ગાયકોઃ વધી ડીમાન્ડઃ લાઇવ મ્યુઝિકનો જમાનો

સુફી સોંગ્સથી લઇને બોલીવુડ અને ગરબા સુધીની આઇટમો

અમદાવાદ, તા.૧૮: લગ્નમાં પહેલા પાર્ટી કે ઓરકેસ્ટ્રા બોલાવવામાં આવતા હતા પરંતુ હવે લોકોની પસંદ રિજનલ સિંગર્સ પર વધારે છે, તેથી તેમની ડિમાન્ડ પણ વધી ગઈ છે. હવે લોકો લગ્નમાં લોકલ મ્યૂઝિશિયન્સને કેમ વધારે પસંદ કરી રહ્યા છે.આ વર્ષે બીજા શહેરના આર્ટિસ્ટ અને DJ કે જેઓ પ્રી-મિકસ સોન્ગ પ્લે કરે છે તેના કરતાં લોકો લોકલ પરંતુ ગુજરાતી પર્ફોર્મરને પસંદ કરી રહ્યા છે. એક ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીના ફાઉન્ડર જયદીપ મહેતાએ કહ્યું કે, 'પહેલા લોકો લગ્ન હોસ્ટ કરવા માટે આરજેને બોલાવતા હતા કારણ કે તેઓ વધારે પોપ્યુલર હોય છે. પરંતુ હવે જયારથી ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ અહીંયાના દર્શકો પર અનોખી છાપ છોડવાનું શરૂ કર્યું છે ત્યારથી લોકો લોકલ પર્ફોર્મર જેમકે મલ્હાર ઠાકર અને ગાયક અરવિંદ વેગડા સહિતના આર્ટિસ્ટને જોવા માગે છે'. દર્શન રાવલ જેવા ગુજરાતી આર્ટિસ્ટના ચાહકો આખા દેશમાં છે અને તેમના સોન્ગ પણ એટલા જ ફેમસ છે. તેથી આર્ટિસ્ટની તેમના હોમટાઉનમાં વધારે ડિમાન્ડ હોય તેમાં કોઈ નવાઈની વાત નથી. 'લાઈવ મ્યૂઝિકનો પોતાનો એક અલગ ચાર્મ હોય છે. તેથી વધુમાં વધુ લોકો ઈચ્છે છે કે તેમને ત્યાં લગ્નમાં લોકલ સિંગર જ પર્ફોર્મ કરે', તેમ મહેતાએ ઉમેર્યું.

ગાયક જિગરદાન ગઢવીએ કહ્યું કે, 'ગુજરાતીઓને દરેક ફોર્મમાં મ્યૂઝિક ગમે છે. કેટલાક લોકો માત્ર શાંતિથી બેસીને તેની મજા લે છે તો કેટલાક ડાન્સ કરીને. અમે આ બંને પ્રકારના લોકોને આનંદ મળે તે માટે તૈયારી કરીએ છીએ. મહેમાનોને મનોરંજન મળે તે જ અમારો હેતું છે'.

બોલિવુડ એકટ્રેસ, ભકિત કુબાવત જે વેડિંગ ફંકશન પણ હોસ્ટ કરે છે તેણે કહ્યું કે, લોકલ ટેલેન્ટને લોકો હવે ઓળખી રહ્યા છે અને તે પણ ગુજરાતની બહારના આર્ટિસ્ટ કરતાં તેમને વધારે પસંદ કરે છે. તેણે કહ્યું કે, 'લોકો લોકલ ટેલેન્ટને નોટિસ કરે છે અને તેમની પ્રશંસા કરે છે તે એક સારી બાબત છે. અહીંયા લોકોને ખબર છે કે તેમને શું જોઈએ છે'.

ગુજરાતી લગ્ન ગરબા વગર અધૂરા છે. લગ્નમાં આવેલા મહેમાનોને પણ લોકલ આર્ટિસ્ટ દ્વારા ગાયેલા ગરબા પર ડાન્સ કરવાનું વધારે ગમે છે. લગ્નમાં સુફી ગીતો, પંજાબી હિટ્સથી લઈને બોલિવુડ ચાર્ટબસ્ટર્સ પણ ચાલે છે.

એકટર અને સિંગર પાર્થ ઓઝાએ કહ્યું કે, ગુજરાતી લગ્નમાં મહેમાનોને ટ્રેડિશનલ ગુજરાતી સોન્ગ અને બોલિવુડનું કોમ્બિનેશન ગમે છે, જો કે અંતે અમને ગરબા સોન્ગની જ રિકવેસ્ટ આવે છે. જયારે બોલિવુડ મ્યૂઝિકની વાત આવે ત્યારે મહેમાનોને સોફટ રેટ્રો મેલોડી અને અપબીટ મોર્ડન ટ્યૂન ગમે છે.

એકટર-સિંગર ડિમ્પલ બિસ્કિટવાલાએ કહ્યું કે, લગ્નમાં પણ દ્યણી બધી સેરેમની હોય છે. પ્રી-વેડિંગ ઈવેન્ટથી લઈને પોસ્ટ-વેડિંગ રિસેપ્શન સુધી, મહેમાનોને એન્ટરટેન્મેન્ટ જોઈએ છે. એવામાં તેમને માત્ર ગુજરાતી મ્યૂઝિકથી સંતોષ થતો નથી. તેમને સુફી મ્યૂઝિક અને મસાલેદાર બોલિવુડ મ્યૂઝિક પણ જોઈએ છે. આર્ટિસ્ટ તરીકે અમે ટ્રેન્ડ લાઈનને ફોલો કરીએ તે વાતનું હંમેશા ધ્યાન રાખીએ છીએ.

(3:45 pm IST)