Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

ગોતા : પાણીની ટાંકી ઉતારતી વેળા ધરાશાયી, જાનહાની ટળી

સદનસીબે જાનહાનિ ટળતા તંત્રને મોટી રાહત થઇ : અમદાવાદમાં પાણીની ટાંકી ધરાશાયી થવાની ત્રીજી ઘટના બની : સલામતી વગર જ ટાંકી ઉતારાયાનો સીધો આક્ષેપ

અમદાવાદ, તા.૧૮ : અમદાવાદ શહેરના ગોતાના વસંતનગર ટાઉનશીપમાં આવેલી પાણીની ટાંકી ઉતારતી વખતે આજે ધરાશાયી થઈ જતાં સ્થાનિક લોકોમાં ભારે ચકચાર મચી ગઇ હતી. જો કે, આ ઘટનામાં કોઇ જાનહાનિ કે ઇજા નોંધાઇ ન હતી પરંતુ ઘટનાને પગલે ફાયરબ્રિગેડની સાત ગાડી અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. દુર્ઘટનાને પગલે આસપાસના લોકોમાં દોડધામ મચી ગઇ હતી. પૂરતી સુરક્ષા અને યોગ્ય પ્લાનીંગ વિના આ ટાંકી ઉતારવાનો તંત્રના માણસોએ પ્રયાસ કર્યો હોવાનો સ્થાનિક નાગરિકોએ ગંભીર આક્ષેપ કર્યો હતો. જે બહેનના ઘર પર ટાંકીના સ્લેબ અને માથુ પડયુ તેમણે ઉગ્ર આક્રોશ ઠાલવતાં જણાવ્યું કે, આ લોકોને સવારથી કહેતી હતી કે, ટાંકી ના પાડો, ના પાડો બધુ વ્યવસ્થિત કરીને ટાંકી પાડો પણ તેઓ બહુ ડાહ્યા થયા અને આખરે ટાંકી મારા ઘર પર પડી. તેની નુકસાની માટે જવાબદાર કોણ. મારા ઘરમાં ડિલીવરીવાળી વહુ છે, તેને સીઝેરિયન છે હવે જવાબદારી કોની.આ અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણે, ગોતાના વસંતનગર ટાઉનશીપમાં પાણીની ટાંકી ઉતારતી વખતે નજીકના મકાન પર ટાંકીના સ્લેબનો ભાગ પડ્યો હતો. 

                      ગોતા વોર્ડના મ્યુનિસિપલ કાઉન્સિલર દિનેશ દેસાઈઅ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગોતાના વસંતનગર હાઉસિંગ બોર્ડ ટાઉનશીપમાં વર્ષો જૂની જર્જરિત પાણીની ટાંકી હતી. આ ટાંકીમાં કેટલાય સમયથી પાણી ભરવાનું બંધ હતું અને સપ્લાય ડાયરેક્ટ અપાય છે. હાઉસિંગ બોર્ડ દ્વારા આ ટાંકીને ઉતારવાની કામગીરી આજરોજ ચાલી રહી હતી ત્યારે ટાંકી નીચે પડી ત્યારે તેની ધરી સહેજ ખસી જતાં નજીકના મકાનના કેટલાક ભાગ પર ટાંકીના સ્લેબનો ભાગ પડ્યો હતો. જો કે, આ કામગીરી દરમિયાન આખા વિસ્તારને કોર્ડન કરી લીધેલો હોવાથી કોઈ જાનહાનિ કે વધુ નુકસાન થયું નથી. અમદાવાદ મ્યુનિ.માં વિપક્ષના નેતા દિનેશ શર્માએ આ સમગ્ર દુર્ઘટના માટે મ્યુનિ. તંત્રની બેદરકારીને જવાબદાર ઠેરવતા જણાવ્યું કે, આ ટાંકીને ઘણા સમય પહેલાં જ ઉતારી લેવાની જરૂર હતી. પરંતુ મ્યુનિ. તંત્રએ તેમાં ઘણું મોડું કર્યું. મોડું તો કર્યું પરંતુ આ ટાંકીને ઉતારતી વેળાએ તદ્દન નિષ્કાળજી દાખવવામાં આવી હતી અને તેના કારણે જ ટાંકીનો સ્લેબ ખસીને નજીકના મકાન પર પડ્યો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહીં પરંતુ આ દુર્ઘટના માટે સંપૂર્ણપણે મ્યુનિ.ની ઘોર બેદરકારી જ જવાબદાર છે.

મોટી ઘટના ટળી ગઈ...

*   ગોતામાં પાણીની ટાંકી ઉતારતી વેળા મોટી દુર્ઘટના

*   અમદાવાદમાં પાણીની ટાંકી ધરાશાયી થવાની ઘટનાઓનો સિલસિલો યથાવત જારી

*   સલામતી વગર જ ટાંકી ઉતારાયાનો સીધો આક્ષેપ

*   સહેજમાં જ જાનહાનિ ટળી જતાં તંત્રને રાહત થઇ

*   વર્ષો જુની પાણીની ટાંકી ઉતારવાની કામગીરી વેળા બનાવ

*   આખા વિસ્તારને સીલ કરીને ઉંડી તપાસ હાથ ધરવામાં આવી

*   મ્યુનિસિપલ તંત્રની બેદરકારી ફરી એકવાર સપાટી પર આવી

(8:27 pm IST)