Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

અમદાવાદની મેટ્રો મહાત્મા મંદિર સુધી લંબાવવા યોજના

નવા પ્રોજેકટની કામગીરી જૂન-૨૦૨૦થી શરૂ : અમદાવાદ શહેરથી મહાત્મા મંદિર ગાંધીનગર સુધી ૨૮ કિલોમીટરની લંબાઇ ધરાવતા પ્રોજેકટ ટેન્ડર ટૂંક સમયમાં

અમદાવાદ, તા. ૧૭ : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તાજેતરમાં મેટ્રો રેલ પ્રોજેકટના કામોની હાથ ધરેલી સર્વગ્રાહી પ્રગતિ સમીક્ષા બેઠક દરમ્યાન મેટ્રો ટ્રેનને ગાંધીનગર સુધી લંબાવવાના કામોની દરખાસ્ત અને કેન્દ્ર સરકારે આપેલી મંજૂરી સંદર્ભમાં વિશે મહત્વની ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવી હતી. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના એમ.ડી. એસ. એસ. રાઠૌરે આ પ્રોજેકટ અંગેની વિગતો બેઠકમાં મુખ્યમંત્રીને આપી હતી. તદ્દઅનુસાર, મોટેરા અમદાવાદથી મહાત્મા મંદિર ગાંધીનગર સુધીના કુલ ૨૮.૨૬ કિ.મીટર લંબાઇ ધરાવતા આ પ્રોજેકટના પ્રથમ તબક્કાના ટેન્ડર ટૂંક સમયમાં ઇનવાઇટ કરવામાં આવશે. અમદાવાદ મેટ્રો મહાત્મા મંદિર, ગાંધીનગર સુધી લંબાવવાના પ્રોજેકટની કામગીરી જૂન-૨૦૨૦થી શરૂ કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગત તા. ૪ માર્ચ-૨૦૧૯ના આ પ્રોજેકટનો શિલાન્યાસ કર્યા બાદ જરૂરી જીઓ ટેકનીકલ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ટેન્ડર તૈયાર કરવાની કામગીરી પણ કરવામાં આવી હતી. હવે, નજીકના ભવિષ્યમાં આ પ્રોજેકટના પ્રથમ તબક્કાના ટેન્ડર ઇનવાઇટ કરાશે તેમ બેઠકની ચર્ચા દરમ્યાન જણાવાયું હતું.

                   આ બેઠકમાં પ્રેઝન્ટેશન કરતાં મેટ્રો રેલના મેનેજીંગ ડિરેકટરે જણાવ્યું કે, અમદાવાદ મેટ્રો રેલને મહાત્મા મંદિર ગાંધીનગર સુધી લંબાવવાના હેતુથી ગુજરાત સરકારે રજૂ કરેલી રૂ. ૫૩૮૪.૧૭ કરોડની દરખાસ્તને ગત ફેબ્રુઆરી-૨૦૧૯માં ભારત સરકારે મંજૂરી આપી દીધી છે આ પ્રોજેકટ પાંચ વર્ષમાં પૂર્ણ કરવા પણ મંજૂરી પત્રમાં જણાવવામાં આવ્યું છે. મોટેરાથી મહાત્મા મંદિર ગાંધીનગર સુધીના આ મેટ્રો રેલ પ્રોજેકટની બાંધકામ કામગીરી જૂન-૨૦૨૦માં શરૂ થશે અને માર્ચ-ર૦ર૪માં તે પૂર્ણ કરવાનું આયોજન છે તેમ પણ બેઠકમાં જણાવવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, આ પ્રોજેકટને પરિણામે અમદાવાદ અને ગાંધીનગર માસ રેપિડ ટ્રાન્સપોર્ટ સુવિધાથી જોડાશે. આથી બંને શહેરોના નાગરિકોને સરળ યાતાયાત સગવડ મળશે એટલું જ નહિ, વાયુ પ્રદૂષણ અટકશે અને માર્ગ પરનું ભારણ તથા અકસ્માતોનું પ્રમાણ પણ ઘટશે. મુખ્યમંત્રી નિવાસ સ્થાને તાજેતરમાં યોજાયેલી આ સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે.કૈલાસનાથન, શહેરી વિકાસ અધિક મુખ્ય સચિવ મુકેશ પૂરી, મુખ્યમંત્રીના અગ્ર સચિવ એમ.કે.દાસ તેમજ મેટ્રો રેલ કોર્પોરેશનના અધિકારીઓ જોડાયા હતા.

(9:49 pm IST)