Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

ફિરોઝ ચોર ગેંગની કરતૂતનો પર્દાફાશ : ડ્રગ્સ જથ્થો કબજે

લાખોનું એમડી ડ્રગ્સ ઝડપાતા ઉંડી તપાસ શરૂ થઇ : કુખ્યાત ફિરોઝ ચોર સામે પોલીસ ચોપડે શ્રેણીબદ્ધ ગંભીર ગુના છે : એમડી ડ્રગ્સનું મોટું નેટવર્ક : નવી વિગત ખુલશે

અમદાવાદ, તા.૧૭ : અમદાવાદ શહેર ક્રાઈમબ્રાંચે આજે એક મહત્વપૂર્ણ ઓપરેશનમાંશહેરના રિલીફ રોડ આસપાસના વિસ્તારમાંથી કુખ્યાત ફિરોઝ ચોર ગેંગના સાગરીતને લાખો રૂપિયાના એમડી ડ્રગ્સ સાથે ઝડપી લઈ જુદા જુદા સ્થળે દરોડા પાડવાની શરૂઆત કરી હતી. સલાબતપુરામાં ફિરોઝ ચોરના ઘરે પોલીસની ટીમે દરોડા પાડી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. કુખ્યાત ફિરોઝ ચોર સામે પોલીસ ચોપડે અનેક ગુના નોંધાયેલા છે. આરોપી છેલ્લા કેટલાક સમયથી એમડી ડ્રગ્સનું મોટાપાયે નેટવર્ક ચલાવતો હોવાની વિગતો ખુલવા પામતાં ક્રાઇમબ્રાંચે સપાટો બોલાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, શહેર ક્રાઈમબ્રાંચે થોડા સમય પહેલા એસજી હાઈવે પાસેથી પત્રકાર અને પોલીસ મિત્રના સ્વાંગમાં એમડી ડ્રગ્સનું નેટવર્ક ચલાવતાં શહેઝાદ, તેના પિતા સહીત ચાર આરોપીઓને રૂ.૭૦ લાખના જથ્થા ઝડપી લેવામાં આવ્યા હતા. આ મામલે ક્રાઈમબ્રાંચે આરોપીઓના ત્યાંથી રોક્ડ રકમ કબજે લઈ સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો.આ દરમિયાન ફિરોઝ ચોર ગેંગ પણ આ રેકેટમાં સંડોવાયેલી હોવાની બાતમી પોલીસને મળી હતી.

                   જેના પગલે પોલીસ ટીમે ફીરોઝ ગેંગ પાસેથી શનિવારે મોટા પાયે લાખો રૂપિયાનો એમડી ડ્રગ્સનો જથ્થો કબજે કરી એક શખ્સની ધરપકડ કરી હતી. પોલીસની ટીમે શનિવારે સલાબતપુરા ખાતે કારંજમાં આવેલા ફિરોઝ ચોરના ઘરે રેડ કરવા માટે પહોંચી હતી. જો કે, ફિરોઝની પત્નીને પ્રેગન્નટ હોવાથી એક કલાક સુધી સર્ચ કર્યા બાદ પોલીસે પંચનામાની કાર્યવાહી કરી હતી. આ મામલે શહેરમાં જુદા જુદા સ્થળે એમડી ડ્રગ્સનો જથ્થો અને આરોપીઓને ઝડપી લેવા માટે સર્ચ ઓપરેશન ચાલી રહ્યા છે. ક્રાઇમબ્રાંચની તપાસને પગલે ડ્રગ્સ અને માદક દ્રવ્યોની હેરાફેરી કરતાં તત્વો હાલ તો ફફડાટથી ભૂગર્ભમાં ઉતરી ગયા છે.

(10:00 pm IST)