Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

અંબાજી : સંતોની ઉપસ્થિતિમાં મહાયજ્ઞની કરાયેલી પૂર્ણાહુતિ

દસ દિવસથી ચાલતાં મહાયજ્ઞનું સમાપન થયું : હજારો શ્રદ્ધાળુ માટે મહાપ્રસાદ-ભંડારાનું આયોજન કરાયું

અમદાવાદ, તા.૧૭ : સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી મંદિર ખાતે તા.૭મી નવેમ્બરથી ભવ્ય કળશ શોભાયાત્રા સાથે ૧૦૮ કુંડી શ્રી દશ મહાવિદ્યા મહાદેવી મહાયજ્ઞનો વિધિવત્ પ્રારંભ થયો હતો. છેલ્લા દસ દિવસથી ચાલતાં અને વિશ્વ શાંતિના ઉમદા હેતુસર તા.૭મી નવેમ્બરથી તા.૧૭ નવેમ્બર,૨૦૧૯ દરમ્યાન રાજયમાં સૌપ્રથમવાર અંબાજીના ખેડબ્રહ્મા રોડ પર જૂની કોલેજ કમ્પાઉન્ડ સંસ્કૃત પાઠશાળા ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા ૧૦૮ કુંડી શ્રી દશ મહાવિદ્યા મહાદેવી મહાયજ્ઞનું આજે ભવ્યાતિભવ્ય સમાપન અને પૂર્ણાહુતિ થઇ હતી. આ પ્રસંગે દેશભરમાંથી આવેલા સાધુ-સંતો, મહંતો, મહામંડલેશ્વરો સહિતના મહાનુભાવો અને હજારો શ્રધ્ધાળુ ભકતો માટે મહાપ્રસાદ અને ભંડારાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આજે ૧૦૮ કુંડી શ્રી દશ મહાવિદ્યા મહાદેવી મહાયજ્ઞની પૂર્ણાહુતિ પ્રસંગે સાધુ-સંતો અને મહામંડલેશ્વર, મહંતો સહિતના મહાનુભાવો દ્વારા વિશેષ આશીર્વચન આપવામાં આવ્યા હતા. વિશ્વ શાંતિના ઉમદા આશયથી યોજાયેલા આ ભવ્ય અને ઐતિહાસિક  ૧૦૮ કુંડી શ્રી દશ મહાવિદ્યા મહાદેવી મહાયજ્ઞને લઇ ભીડભંજન હનુમાનજી ધાર્મિક ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી કમલેશભાઇ બ્રહ્મભટ્ટ અને પાયલોટ બાબા સેવા સમિતિના કન્વીનર જગદીશભાઇ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, શ્રી અંબાજી માતાજીની પ્રેરણાથી શ્રી ભીડભંજન હનુમાનજી ધાર્મિક ટ્રસ્ટ, સુભાષ ચોક, મેમનગર, અમદાવાદના સંકલ્પથી તેમ જ શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી, દાંતા સ્ટેટના યુવરાજ રિધ્ધિરાજસિંહજી, શ્રી અઁંબાજી મંદિરના પૂજારી શ્રી કશ્યપભાઇ ઠાકર અને શ્રી પાયલોટ બાબા સેવા સમિતિના સહકારથી હિમાલયની સિધ્ધ પરંપરાના વિશ્વ વિખ્યાત સંત મહાયોગી મહામંડલેશ્વર અને નાસિક પીઠના પીઠાધિશ્વર શ્રી પાયલોટ બાબાના સાનિધ્યમાં ઐતિહાસિક  ૧૦૮ કુંડી શ્રી દશ મહાવિદ્યા મહાદેવી મહાયજ્ઞ યોજાયો હતો. આ ઐતિહાસિક  ૧૦૮ કુંડી શ્રી દશ મહાવિદ્યા મહાદેવી મહાયજ્ઞના ભવ્ય ધાર્મિક પ્રસંગમાં ભાગ લેવા ભારતભરમાંથી હજારો સાધુ-સંતો, મહામંડલેશ્વરો, મહાત્માઓ, વિદેશી મહેમાનો અને રાજકીય મહાનુભાવો ખાસ આવ્યા હતા.

                    ભીડભંજન હનુમાનજી ધાર્મિક ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી કમલેશભાઇ બ્રહ્મભટ્ટ અને પાયલોટ બાબા સેવા સમિતિના કન્વીનર જગદીશભાઇ બ્રહ્મભટ્ટે ઉમેર્યું કે, તા.૭મી નવેમ્બરે કળશ-શોભાયાત્રા સાથે પ્રારંભ થયેલા ૧૦૮ કુંડી મહાયજ્ઞમાં તા.૮મી નવેમ્બરથી તા.૧૭મી નવેમ્બર સુધી દરરોજ અનુક્રમે મહાદેવી શ્રી મહાકાળી દેવી, શ્રી તારાદેવી, શ્રી ષોડશોદેવી, શ્રી ભુવનેશ્વરી દેવી, શ્રી ભૈરવી દેવી, શ્રી છિન્નમસ્તકા દેવી, શ્રી ઘુમાવતી દેવી, શ્રી બગલામુખી દેવી, શ્રી માતંગીદેવી અને શ્રી કમલા દેવી એમ એક-એક મહાદેવીનો યજ્ઞ યોજાયા હતા. હવે મહાયજ્ઞના આજના અંતિમ દિવસે તા.૧૭મી નવેમ્બરના રોજ બપોરે ૧૨-૦૦ વાગ્યે યજ્ઞની પૂર્ણાહુતિ થઇ હતી, ત્યારબાદ બપોરે ૨-૦૦ વાગ્યે મહાપ્રસાદ ભંડારો અને સાંજે ૪-૦૦ વાગ્યે મહાન સાધુ-સંતો, મહંતોના આશીર્વચનથી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. છેલ્લા દસ દિવસથી અંબાજીમાં આ  ૧૦૮ કુંડી શ્રી દશ મહાવિદ્યા મહાદેવી મહાયજ્ઞને લઇ અંબાજીમાં તો જાણે માંઇભકિતનો જોરદાર ભકિતમય માહોલ છવાયો હતો.

(9:54 pm IST)