Gujarati News

Gujarati News

News of Sunday, 18th November 2018

મગફળી ખરીદીમાં કઈ ખોટુ ન થાય તેવી વ્યવસ્થા કરાઈ

હજુ સુધી ૫૪૦૦૦થી વધુ ક્વિન્ટલની ખરીદી : ખેડૂતોને પણ કોઇ તકલીફ ન પડે તે રીતે વિડિયો શુટિંગ, ગુણવત્તા ચકાસણી જેવી બાબતોની ચોકસાઈ રખાઈ છે

અમદાવાદ,તા.૧૮ : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં ખેડૂતોની મગફળીના ટેકાના ભાવે ખરીદીમાં એક ટકો પણ ખોટું કે ગેરરીતિ ન થાય તે માટેની સંપૂર્ણ પારદર્શી વ્યવસ્થા સરકારે ગોઠવી છે તેમ સ્પષ્ટપણે જણાવ્યું છે. મુખ્યમંત્રીએ કહ્યું કે ક્યાંય કોઇ ખોટું ન થાય ખેડૂતોને પણ કોઇ તકલીફ ન પડે તે રીતે વીડિયો શૂટિંગ, ગુણવત્તા ચકાસણી વગેરેની પૂરતી ચોકસાઈ અને વ્યવસ્થા સરકારે રાખી છે. તેમણે ઉમેર્યું કે, આ વર્ષે નાગરિક પુરવઠા નિગમને મગફળી ખરીદીની જવાબદારી સોંપી છે એટલું જ નહીં એપીએમસીમાં પણ કોઇ ખેડૂતનો સમય ન બગડે અને ગુણવત્તાની તેમજ વજન તોલ માપ વગેરેની પણ ચોકસાઈ રાખવામાં આવે છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, કલેક્ટર, નાફેડ, પુરવઠા નિગમ, વેર હાઉસિંગ એમ બધા સાથે સામુહિક રીતે મગફળીની ખરીદી થાય તેવું આયોજન ગોઠવ્યું છે. વિજયએ નાફેડને અનુરોધ કર્યો કે, સાચા ખેડૂતનો સાચો સારો માલ રહી ન જાય તે માટે નાફેડ સાથ આપે. તેમણે એમ પણ જણાવ્યું કે, પાછલા ૩ દિવસમાં રાજ્યમાં ૧૨૨ કેન્દ્રો પરથી ૫૩ હજાર ક્વિન્ટલ થી વધુ મગફળી ખરીદવામાં આવી છે. સોમવારથી આ ખરીદીમાં વધુ ઝડપ આવે તે માટે પણ સૂચના આપી છે. દરમ્યાન રાજ્યના નાગરિક પુરવઠા નિગમ દ્વારા જણાવ્યા મુજબ રાજ્યમાં ૧૫ નવેમ્બરથી ટેકાના ભાવે મગફળી ખરીદીની શરૂઆતથી અત્યાર સુધીમાં ૨,૭૫૫ ખેડૂતોની ૫૪,૮૬૩ ક્વિન્ટલ મગફળી ખરીદવામાં આવી છે અને ખેડૂતોને  ૨૭.૪૩ કરોડ જેવી માતબર રકમ મળવાની છે.

(9:54 pm IST)