Gujarati News

Gujarati News

News of Sunday, 18th November 2018

પરિવારના છ સભ્યની સાથે જ અર્થી ઉઠતાં લોકો હિબકે ચઢ્યા

સાંગાણી પાસે અક્સ્માતમાં છના મોત : શનિવારના દિવસે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો

અમદાવાદ, તા.૧૮ :     સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના સાંગાણી પાસે થયેલા કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવારના ૬ લોકોના કમકમાટી ભર્યા મોત થયા હતા. આજે વઢવાણના આ પરિવારના ૬ લોકોની એક સાથે અર્થી ઉઠતા આખું ગામ હિબકે ચઢ્યું હતું. એકસાથે પરિવાર છ સભ્યોની અર્થીને લઇ સમગ્ર પંથકમાં શોકની કાલિમા ફરી વળી હતી અને સ્થાનિક ગ્રામજનો ઘેરા શોકના આઘાતમાં જાણે ગરકાવ બન્યા હતા. એક જ પરિવારના છ સભ્યોની અર્થીના દ્રશ્યો જોઇ ભલભલાના કાળજા કંપી ગયા હતા. આ અકસ્માતમાં અકાળે મોતને ભેટનારા વઢવાણના નીરજભાઈ રસિકભાઈ ગોહીલ (૪૦ વર્ષ), તેમના પત્ની દીનાબેન નીરજભાઈ ગોહીલ (૪૦ વર્ષ), ધીરજબેન રસિકભાઈ ગોહીલ (૬૫ વર્ષ) તેમજ નીરજ ભાઇ અને દીના બેનની લાડલીઓ એવી નીધિ નીરજભાઈ ગોહીલ (૧૩ વર્ષ), આયુષી નીરજભાઈ ગોહીલ (૭ વર્ષ) તથા પુત્ર શિવાંગ નીરજભાઈ ગોહીલ (૬ વર્ષ)ના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ચોટીલાના સાગાણી નજીક હાઈવે ઉપર એક ટ્રક પૂરપાટ ઝડપે પસાર થઈ રહી હતી ત્યારે તેની બાજુમાંથી જ એક કાર પસાર થઈ રહી હતી. ટ્રક ડ્રાઈવરની કોઈ ભૂલના કારણે ટ્રક પલટી મારી ગઇ હતી અને પલટી મારેલી ટ્રક બાજુમાંથી પસાર થઈ રહેલી કાર ઉપર પડ્ી હતી. ટ્રક સફેદ વજનદાર બોરીઓથી ભરલી હોઇ કારનો કુચ્ચો બોલી ગયો હતો અને કારમાં બેસેલા તમામ લોકો કચડાઈ ગયા હતા. આ કારમાં એક જ પરિવાર મુસાફરી કરતો હતો અને કારમાં સવાર તમામ લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતા. આ અકસ્માત એટલો ખતરનાક હતો કે હાજર લોકોના શરીરમાં કંપારી છૂટી ગઈ હતી. ટ્રક નીચે દબાયેલી કાર બહાર કાઢવા માટે ક્રેન બોલાવીને ટ્રક ઉભી કરવી પડી હતી અને તેમાંથી મૃતદેહો બહાર કાઢવા ભારે જહેમત ઉઠાવવી પડી હતી. દરમ્યાન અકસ્માતની આ કરૂણાંતિકા બાદ આજે ગોહીલ પરિવારના છ સભ્યોની એકસાથેઅંતિમયાત્રા કાઢવામાં આવતાં સમગ્ર પંથકમાં ઘેરા શોક અને અરેરાટીની લાગણી પ્રસરી ગઇ હતી. ભલભલાની આંખમાં આંસુ આવી ગયા હતા અને શોકમય માહોલ વચ્ચે મૃતકોની અંતિમવિધિ સંપન્ન કરવામાં આવી હતી.

(9:27 pm IST)