Gujarati News

Gujarati News

News of Sunday, 18th November 2018

વટવા : યુવકોના મોત માટે લઠ્ઠાકાંડ જવાબદાર નથી જ

એફએસએલ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો : યુવકોના મોત મિથેનોલ કે ઇથેનોલના પરિણામે થયા નથી, ચોકક્સ કારણ વિશરા રિપોર્ટ બાદ સામે આવે તેવા સંકેતો

અમદાવાદ, તા.૧૮ : શહેરના વટવા વિસ્તારમાં દારૂ પીધા બાદ બે યુવકોના નીપજેલા શંકાસ્પદ મોતના ચકચારભર્યા પ્રકરણમાં આજે એફએસએલ રિપોર્ટમાં એવો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો હતો કે, બંને યુવકોના મોત માટે લઠ્ઠાકાંડ જવાબદાર નથી. એટલે કે, એફએસએલ રિપોર્ટમાં સ્પષ્ટ થયું કે, યુવકોના મોત મિથેનોલ કે ઇથેનોલના કારણે થયા નથી. યુવકોએ કલોરિન હાઇડ્રેટ સહિતની કોઇ નશાયુકત સીરપનું સેવન કર્યું હોવાની આશંકા સેવાઇ રહી છે. જો કે, તેમના મોત અંગે ચોકક્સ કારણ વિશેરા રિપોર્ટ બાદ સામે આવશે તેવી પોલીસે આશા વ્યકત કરી હતી. શહેરના વટવા વિસ્તારમાં આવેલા બીબી તળાવ પાસેથી ગઈકાલે રાત્રે બે યુવાનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, બન્ને મૃતકો દારૂ પીધેલી હાલતમાં હતાં. ત્યારબાદ તેમના પરિવારજનોએ લઠ્ઠાકાંડ થયો હોવાનો આક્ષેપ કર્યો હતો. મૃતક એવા ફિરોઝ મહમ્મદ હુસૈન (ઉ.વ.૨૮ ) અને ઈન્ઝામુલ ઉર્ફે રાજા (ઉ.વ.૨૧)ના મૃતદેહને પીએમ અર્થે એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બન્નેના મોત નશાની દવાના સેવનથી થયા હોવાનો ખુલાસો થયો હતો. જેને પગલે પોલીસે દવાનું વેચાણ કરતા શકમંદની અટકાયત કરી હતી. પોલીસે આ પ્રકરણમાં મન્યુષ્ય વધની કલમ- ૩૦૪ હેઠળ ગુનો નોંધ્યો હતો. વટવા વિસ્તારના ચુનારા વાસ નજીક પડેલી રિક્ષા પાસેથી આ બે યુવાનોના મૃતદેહો મળી આવ્યાં હતાં. તેઓ મળ્યા ત્યારે બંન્નેના મોઢામાંથી સફેદ રંગનું ફીણ નીકળતું હતું. સારવાર માટે લઇ જતા પહેલા જ બંન્ને યુવકોના મોત નીપજ્યા હતાં. નોંધનીય છે કે આ બંન્ને યુવાનો મિત્રો હતાં. દરમ્યાન આજે બંને યુવકોના એફએસએલ રિપોર્ટમાં એવો ખુલાસો સામે આવ્યો હતો કે, તેમના મોત માટે લઠ્ઠાકાંડ જવાબદાર નથી. તેમના શરીરમાંથી મિથેનોલ કે ઇથેનોલની હાજરીના કારણે થયા નહી હોવાનું સામે આવ્યું હતું. જેથી હવે યુવકોના મોતનું સાચુ કારણ વિશેરા રિપોર્ટ બાદ સામે આવશે.

(9:26 pm IST)