Gujarati News

Gujarati News

News of Sunday, 18th November 2018

સુપ્રીમ કોર્ટના આદેશ છતાંય FIRની વિગતો પ્રાપ્ય નથી

પક્ષકારો અને વકીલોને ભારે હાલાકી : એફઆઇઆરની વેબસાઇટ પર અમુક એફઆઇઆરની પૂરી વિગતો મૂકાય છે, જયારે અમુકમાં માહિતીઓ અધૂરી

અમદાવાદ, તા.૧૮ : કોઇપણ ગુનાની એફઆઇઆર(ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ) નોંધાય એટલે ૨૪ કલાકમાં તેને રાજયની વેબસાઇટ પર ફરજિયાતપણે અપલોડ કરવા અંગે ખુદ સુપ્રીમકોર્ટનો આદેશ હોવાછતાં ગુજરાત રાજયમાં સરકારી વેબસાઇટ પર એફઆઇઆરની પૂરેપૂરી વિગતો મૂકાતી નથી. અમુક કિસ્સામાં જ પૂરી એફઆઇઆર મૂકાય છે, જયારે અમુક કિસ્સામાં એફઆઇઆરની પૂરી માહિતી મૂકાતી જ નથી, જેને લઇ ફરિયાદપક્ષ, આરોપીપક્ષ સહિતના પક્ષકારો અને વકીલોને ભારે હાલાકીનો ભોગ બનવુ પડી રહ્યું છે. વેબસાઇટ પર એફઆઇઆર સંપૂર્ણપણે ઉપલબ્ધ નહી થવાના ધાંધિયાને લઇ લોકોમાં પણ ભારોભાર નારાજગી  પ્રવર્તી રહી છે ત્યારે રાજયના ફોજદારી કાયદાના નિષ્ણાત અને હાઇકોર્ટના સિનિયર એડવોકેટ આર.જે.ગોસ્વામીએ આ અંગે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, જો સુપ્રીમકોર્ટના આદેશ છતાં તંત્ર કે સત્તાવાળાઓ દ્વારા પૂરેપૂરી વિગત કે માહિતી સાથે એફઆઇઆર ઉપલબ્ધ ના બનાવાય તો તે સુપ્રીમકોર્ટનો સીધો અનાદર છે. સુપ્રીમકોર્ટના હુકમના અનાદર અને ઉલ્લંઘન બદલ સત્તાધીશોે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ માટે સીધા જવાબદાર ઠરી શકે. જેમાં રાજયના ડીજીપી સહિતના સત્તાવાળાઓની જવાબદારી આવી શકે. કોઇપણ કોેગ્નીઝેબલ ગુનો બને તો તે અંગે ગુનો નોંધવાની જોગવાઇ સીઆરપીસીની કલમ-૧૫૪માં કરવામાં આવી છે. તે ગુનો નોંધાય તેને એફઆઇઆર(ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ) કહેવાય છે. પોલીસમાંથી આ એફઆઇઆરની નકલ મેળવવામાં લોકોને બહુ તકલીફ અને હાલાકી પડતી હોવાથી યુથ બાર એસોસીએશન ઓફ ઇન્ડિયા દ્વારા સુપ્રીમકોર્ટમાં પિટિશન ફાઇલ કરી એફઆઇઆર એ પબ્લીક ડોકયુમેન્ટ હોઇ લોકોને તે સાહજિક રીતે ઉપલબ્ધ બનાવવા દાદ મંગાઇ હતી. જેમાં સુપ્રીમકોર્ટે ગત તા.૭-૯-૧૬ના મહત્વના ચુકાદા મારફતે ૨૪ કલાકમાં એફઆઇઆરને સરકારની વેબસાઇટ પર અપલોડ કરવા દેશની તમામ રાજય સરકારોને આદેશ કર્યો હતો. ગુજરાતમાં સુપ્રીમકોર્ટના આ હુકમની અમલવારી મોડેથી અને વિલંબંથી કરવામાં આવી અને એફઆઇઆર એફઆઇઆર.ગુજરાત.ગવ.ઇન પર અપલોડ કરાતી હતી પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ એફઆઇઆરમાં અમુક કિસ્સામાં પૂરેપૂરી માહિતી કે વિગતો જ હોતી નથી. એફઆઇઆરની નિયત પંદર કોલમો અને આખી એફઆઇઆર અપલોડ જ થતી નથી અથવા તો,તેમાં પૂરેપૂરી માહિતીનો અભાવ હોય છે, તેથી આ વાતને લઇ હવે જોરદાર વિવાદ જાગ્યો છે. તંત્ર દ્વારા એફઆઇઆર મૂકાય છે પરંતુ એફઆઇઆરના મૂળ કન્ટેન્ટ વિગતવાર મૂકાતા નથી. જેને લઇ લોકોમાં હવે વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે. આખી અને પૂરેપૂરી એફઆઇઆર ઉપલબ્ધ નહી થવાથી હવે એફઆઇઆરમાં ચેડા થવાના અને બદલાવ થવાના ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. તો, આરોપીને તમામ વિગતના અભાવે તેને ખબર ના પડે કે તેની સામે શું આરોપ કે આક્ષેપ છે, તો એ જ રીતે ફરિયાદીને પણ શંકા રહે કે, પોલીસે તેણે જણાવેલી વિગત મુજબ, એફઆઇઆર નોંધી છે કે નહી. એફઆઇઆરની અધૂરી વિગત કે માહિતીના અભાવે લોકો હાલ ભારે હાલાકીનો ભોગ બની રહ્યા છે ત્યારે આ સમગ્ર મામલે જાણીતા ક્રિમીનલ લોયર અને હાઇકોર્ટના સિનિયર એડવોકેટ આર.જે.ગોસ્વામીને આ અંગે પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, જો સુપ્રીમકોર્ટે સ્પષ્ટ આદેશ કર્યો હોય અને છતાં સરકાર કે તંત્ર દ્વારા આટલી ગંભીર ક્ષતિ દાખવાતી હોય તો તે સુપ્રીમકોર્ટનો સીધો અનાદર કહી શકાય. રાજયના ડીજીપી સહિતના સરકારના સત્તાવાળાઓ વિરૂધ્ધ આ મામલે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની કાર્યવાહી પણ થઇ શકે કારણ કે, તેઓની આ માટે સીધી જવાબદારી બને. સુપ્રીમકોર્ટે યુથ બાર એસો. વિરૂધ્ધ કેન્દ્ર સરકારના કેસમાં ૨૦૬(૯) એસસીસી પાના નં-૪૭૩માં સ્પષ્ટ ઠરાવ્યું કે, કોઇપણ ગુનાની એફઆઇઆર ૨૪ કલાકમાં તંત્ર દ્વારા વેબસાઇટ પર અપલોડ કરવી, તો પછી તે હુકમમાં કોઇપણ પ્રકારની ચૂક કે કસૂર ચાલી શકે નહી. અન્યથા સુપ્રીમકોર્ટના હુકમના અનાદરની અદાલતી તિરસ્કારની કાર્યવાહી થઇ શકે.        

(9:53 pm IST)