Gujarati News

Gujarati News

News of Sunday, 18th November 2018

ભાજપ-RSSના વડા કોઇ મુસ્લિમને બનાવીને બતાવો

શંકરસિંહ વાઘેલાએ નરેન્દ્ર મોદીને પડકાર ફેંક્યો : ભાજપ વિરોધી રહેવાનો વાઘેલાએ ફરીવાર ખુલાસો કર્યો

અમદાવાદ,તા.૧૮ : ગુજરાત ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ આજે સુરતની મુલાકાત દરમ્યાન એક તબક્કે વડાપ્રધાન મોદી પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે,પીએમ મોદીએ એક સભામાં કહ્યું હતું કે, કોંગ્રેસ પોતાના પક્ષના પ્રમુખ પદે ગાંધી પરિવારના સભ્ય સિવાય કોઇ અન્યને પદ આપે તો, વાઘેલાએ મોદી પાસે તેનો જવાબ માંગતા જણાવ્યું હતું કે, ભાજપ પોતાના અધ્યક્ષ અને સંઘ પોતાનો વડો કોઈ મુસલમાનને બનાવીને બતાવે. વાઘેલાએ મોદીને આ મતલબનો સીધો પડકાર ફેંકતા ફરી એકવાર ગુજરાતનું રાજકારણ ગરમાયું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાંચ રાજ્યોમાં વિધાન સભાની ચૂંટણી માટે પ્રચાર કરી રહ્યા છે તે દરમ્યાન પીએમ મોદીએ એક સભામાં કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યા હતા. પીએમ મોદીએ કોંગ્રેસને પડકાર આપતા કહ્યું હતું કે, કોંગ્રેસ ગાંધી પરિવારના સભ્યને છોડી કોઈ અન્યને પક્ષ પ્રમુખ બનાવીને બતાવે. પીએમ મોદીના આ નિવેદનને આજે શંકરસિંહ વાઘેલાએ સુરતમાં મોદીને સીધો પડકાર ફેંકતા જણાવ્યું હતું કે, પીએમ મોદી અને ભાજપ પોતાના નવા કાર્યાલયમાં પક્ષના અધ્યક્ષની ખુરશી પર મુસ્લિમ વ્યક્તિને બેસાડે. સાથે સંઘ પણ પોતાના પ્રમુખ મુસ્લિમ વ્યકિતને બનાવે. શંકરસિંહ વાઘેલાને પૂછવામાં આવ્યું કે, તેઓ કોંગ્રેસ સાથે છે કે માત્ર પીએમને હરાવવા માંગે છે તો વાઘેલાએ જણાવ્યું હતું કે, હું એક વર્ષમાં નવ રાજ્યોમાં મુસાફરી કરી છે.જે દરમિયાન લોકો જણાવી રહ્યા છે કે, અમારો તો વિકાસ થયો જ નથી. હું ભાજપને હરાવવા માટે બધું જ કરવા તૈયાર છું.  કોંગ્રેસ ઉપર વંશવાદના ભાજપ દ્વારા થઈ રહેલા આક્ષેપોના બળતા વિવાદમાં ઘી હોમતા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ભાજપ અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘમાં પણ વંશવાદ તોડી મુસ્લિમને વડા બનાવવાનો પડકાર ફેંક્યો હતો. વાઘેલાએ જણાવ્યું કે, કોંગ્રેસ અનગાંધી પરિવારની વાતો થતી હોય ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પદે અને સંઘના નાગપુર ખાતેના રેશમબાગમાં વડા તરીકે ભાગવતને બદલે મુસ્લિમને વડા બનાવવાની વાત છેડી હતી. સંઘમાં લઘુમતી શાખા છે જ ત્યારે અંદરથી શા માટે મુસ્લિમ સભ્યને વડા બનાવાતા નથી એવો પ્રશ્ન કરી તેમણે નવા વિવાદનો મધપૂડો છંછેડયો હતો. આ સાથે જ આવનારી લોકસભા ચૂંટણી પૂર્વે શરદ પવારના એન.સી.પી.માં જોડાવા કે, ચૂંટણી લડવા સંદર્ભે વાઘેલાએ જણાવ્યું હતું કે, તેમણે કોઈ નિર્ણય કર્યો નથી. પરંતુ તેઓ એન્ટિ-ભાજપ રહેશે અને તેના માટે કોંગ્રેસ સહિત કોઈની પણ સાથે છે. વાઘેલાએ હાલમાં વિવિધ રાજયોની વિધાનસભા અને ત્યાર બાદ લોકસભાની ચૂંટણીમાં ભાજપ અને એન.ડી.એ.નો રકાસ થઈ રહ્યો હોવાનું જણાવ્યું હતું અને ઉમેર્યું હતું કે, ચૂંટણી બાદ બધા વિપક્ષો એક થઈ જશે અને જે ચૂંટાશે તે બધા જ એન્ટિ-બીજેપીના હશે એ વાત નક્કી છે. હાલના સમયમાં રાજયમાં ખેડૂતોની આત્મહત્યાના વધી રહેલા બનાવો સામે લાલબત્તી ધરતા તેમણે કહ્યું કે, ખેડૂતોનો ભડકો સરકારને ભારે પડશે. સરકારે ટેકાના ભાવની લોલીપોપ આપી હોવાનું જણાવતા તેમણે સરકારની એમ.એસ.પી. માટે કોઈ સ્પષ્ટ નીતિ નહીં હોવાનો આક્ષેપ કર્યો હતો. સાથે જ દેશમાં સહકારી ક્ષેત્રનું માળખું ગુજરાતમાં શ્રેષ્ઠ હોવાનું જણાવતા ઉમેર્યું હતું કે, આ માળખાને બચાવવું જોઈએ અને પશુપાલકો માટે પણ ડેરીઓ દ્વારા ફેટના ભાવ ઘટાડાઈ રહ્યા છે ત્યારે સરકારે સબસીડી આપીને પશુપાલકોને પણ બચાવી લેવા જોઈએ. આ ઉપરાંત આગામી લોકસભા ચૂંટણી બેલેટ પેપર અથવા તો પટ્ટી દ્વારા કરવાની પણ તેમણે માગણી કરી હતી અને તેના માટે કેન્દ્રીય ચૂંટણીપંચમાં રજૂઆત પણ કરી છે અને તેના માટે બાકી પક્ષોનો સહકાર માગ્યો હતો. આગામી તા. ૨૪મીએ બાપુએ ગાંધીનગર ખાતે એક સ્નેહમિલન પણ ગોઠવ્યું છે, જેમાં રાજકીય દાવપેચની તૈયારીની સંભાવના વ્યકત થઈ રહી છે.

 

(8:34 pm IST)