Gujarati News

Gujarati News

News of Sunday, 18th November 2018

છ કલાકમાં ૪૦.૧૫ લાખની મતા ચોરનારો ઝડપાઈ ગયો

સુરતમાં વેપારીના ત્યાં હાથ સાફ કર્યો હતોઃ પોલીસે આરોપી ઘરઘાટીને અંતે ઝડપી લઇ મોટાભાગનો મુદ્દામાલ જપ્ત કર્યો : ઘરઘાટીના સાગરિતની તપાસ જારી

અમદાવાદ, તા.૧૭ : સુરતના વેસુમાં વીઆઈપી રોડ પર શ્યામબાબા મંદિર પાસે સ્વીમ પેલેસમાં રહેતા વેપારીના ફલેટમાંથી નોકરી લાગ્યાના માત્ર છ કલાકમાં જ રોકડા ૧૫ હજાર અને દાગીના મળી કુલ રૂ. ૪૦.૧૫ લાખની મતા ચોરી રફુચક્કર થઇ જનાર આરોપી ઘરઘાટીને પોલીસે આખરે રાજસ્થાનથી ઝડપી લીધો હતો. પોલીસે ચોરીનો મોટાભાગ ઉપરાંતનો મુદ્દામાલ પણ રિકવર કર્યો છે. આ અંગેની વિગત એવી છે કે, સુરતના વેસુ વિસ્તારમાં સ્વીમ પેલેસમાં રહેતા વિમલ વિશ્વનાથ બેડિયા કાપડના ધંધા સાથે સંકળાયેલા છે. વિમલે તેના ફલેટમાં નોકર તરીકે કમલેશ યાદવ અને શંકરને રાખ્યા હતા. દરમિયાન આ બન્ને નોકરોએ ગત તા.૨૪મીના ઓક્ટોબરના રોજ સવારે સાડા અગિયારથી સાડાચાર વાગ્યાના સમયગાળા દરમિયાન બેડરૂમના કબાટમાં મૂકેલા રોકડા ૧૫ હજાર તેમજ સોનાનો હાર, બ્રેસલેટ, કાનના ઝૂમકા, હીરાનો હાર, વીંટી, ચેઈન સહિત અલગ અલગ દાગીના મળી કુલ રૂપિયા ૪૦,૧૫,૦૦૦ની મતાની ચોરી કરી નાસી ગયા હતા. બનાવ અંગે પોલીસે વિમલ બેડિયાની ફરિયાદ લઈ નોકર કમલેશ અને શંકર સામે ગુનો દાખલ કરી આગળની તપાસ પીઆઈ એમ.એમ.પુવાર કરી રહ્યા હતા. દરમિયાન આ નોકર ચોરીમાં સંડોવાયેલા આરોપીને ઝડપી પાડવા માટે તેમના માર્ગદર્શન હેઠળ સર્વલન્સ સ્ટાફના પીએસઆઈ સી.પી.ચૌધરીએ તેમનું નેટવર્ક કામે લગાડ્યું હતું. દરમિયાન શુક્રવારે સાંજે મળેલી બાતમીના આધારે સ્ટાફના માણસો સાથે બે નોકર પૈકી કમલેશ યાદવને પોલીસે ઝડપી પાડી તેની પાસેથી મોટા ભાગનો મુદ્દામાલ રિકવર કરી ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. કમલેશ યાદવ અસલી નામ જંયતીલાલ છે અને કમલેશ તરીકે ખોટું નામ ધારણ કરી કામ પર લાગ્યો હતો. ખોટું નામ ધારણ કરી કામ મેળવ્યા પછી લાખોની મતાની ચોરી કરી હોવાની મોડસ ઓપરેન્ડીના આધારે આ તસ્કરે અન્ય જગ્યાએ પણ ચોરી કરી હોવાની શક્યતાને કેન્દ્રમાં રાખી પોલીસે એ દિશામાં તપાસ કેન્દ્રીત કરી છે. પોલીસે તેના અન્ય સાગરિતને પકડવાની દિશામાં પણ તપાસ જારી રાખી છે.

(10:08 pm IST)