Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

કમલેશ તિવારી હત્યામાં સુરત કનેક્શન ખુલ્યું: મીઠાઈનું બોક્સ સુરતની દુકાનનું નીકળ્યું: બુધવારે ખરીદી કર્યાનું બિલ મળ્યું

બન્ને યુવકો મીઠાઈના બોક્સમાં હથિયારો છૂપાવીને આવ્યા હતાસુરત પોલીસ સાવધ : મીઠાઈના દુકાનના સીસીટીવી ફૂટેજ કબ્જે

 

અમદાવાદ : ઉત્તર પ્રદેશના લખનૌમાં હિન્દુ મહાસભાના એક સમયના નેતા કમલેશ તિવારીની હત્યા કેસમાં સુરત કનેક્શન ખુલતા પોલીસ તપાસનો ધમધમાટ શરૂ થયો છે પોલીસે મીઠાઈની દુકાનમાંથી સીસીટીવી ફૂટેજ કબ્જે કર્યા હોવાનં જાણવા મળી રહ્યું છે.

  લખનૌમાં નાકા વિસ્તારમાં પોતાની ઓફીસે કામ કરી રહેલા કમલેશ તિવારીને બે યુવકો આવ્યા હતા. આ બન્ને યુવકો મીઠાઈના બોક્સમાં હથિયારો છૂપાવીને આવ્યા હતા. કમલેશને પ્રથમ ગોળી મારવાનો પ્રયાસ કરવામાં આવ્યા હતો પણ તેમાંથી તેઓ બચી ગયા હતા બાદમાં છરી વડે ગળું કાપી નાંખવામાં આવ્યું હતું.

   કમલેશ તિવારીના મર્ડરની તપાસ કરી રહેલી યુપી પોલીસને મીઠાઈના બોક્સ પર સુરતની મીઠાઈની દુકાનનું બોક્સ મળી આવ્યું હતું. ઉધના ઉદ્યોગ નગર ખાતે આવેલી ઘરતી ફૂડ્ઝ પ્રાઈવેટ લિમિટેડનું બોક્સ હતું. ઘટના સ્થળેથી પોલીસને એક રસીદ પણ મળી છે. જે બુધવારે રાત્રે સાડા નવ વાગ્યે મીઠાઈ ખરીદવામાં આવી હોવાનું દર્શાવી રહી છે. મીઠાઈ 680 રૂપિયા કિલો હતી અને બીલ 500 રૂપિયાનું છે. બીલની ચૂકવણી રોકડા રૂપિયામાં કરવામાં આવી હતી અને આ મીઠાઈ બે દિવસ પહેલાં સુરતથી ખરીદવામાં આવી હતી.

  સુરત કનેક્શન નીકળતા ગુજરાત પોલીસ હરકતમાં આવી ગઈ છે અને સુરત પોલીસ સાવધ થઈ ગઈ છે. 2015માં કમલેશ તિવારીએ પયગમ્બર હઝરત મહંમદ સાહેબ વિરુદ્વ વિવાદિત ટીપ્પણી કરી હતી અને ત્યાર બાદ મોટો હંગામો થયો હતો. નિવેદનના પગલે તેમની ધરપકડ થઈ હતી અને રાસુકા હેઠળ કાર્યવાહી પણ કરવામાં આવી હતી. ઈલાહાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચે તાજેતરમાં જ રાસુકાની કલમ રદ્દ કરી હતી.

(12:02 am IST)