Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

ગુજરાત : છ સીટની પેટાચૂંટણીને લઇને પ્રચાર હવે ચરમસીમા ઉપર

૨૧મી ઓક્ટોબરના દિવસે પેટાચૂંટણી માટે મતદાન થશે :જીતવા માટે ભાજપ-કોંગ્રેસે સંપૂર્ણ તાકાત લગાવી : ભાજપના ગઢમાં ગાબડા પાડવા કોંગ્રેસ સજ્જ : ૧૧ દસ્તાવેજો પૈકી કોઇ એક સાથે મતદાન થઇ શકશે

અમદાવાદ,તા.૧૮ : ગુજરાતમાં વિધાનસભાની પેટાચૂંટણીને લઇને રાજકીય ગરમી ચરમસીમા પર પહોંચી ચુકી છે. ગુજરાતમાં પણ ૨૧મી ઓક્ટોબરના દિવસે છ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી માટે મતદાન યોજાનાર છે. બેઠકો પર જીત મેળવવા માટે ભાજપ અને કોંગ્રેસે સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે. લોકસભાની ચૂંટણીમાં ભવ્ય જીત મેળવ્યા બાદ અને સંપૂર્ણપણે સપાટો બોલાવ્યા બાદ ભારતીય જનતા પાર્ટી સામે તમામ છ બેઠકો જાળવી રાખવા માટે દબાણ રહેશે. બીજી બાજુ કોંગ્રેસ પાર્ટી ભારતીય જનતા પાર્ટીના ગઢમાં ગાબડા પાડવા માટે લડાયક છે. લોકસભાની ચૂંટણી અને વિધાનસભાની ચૂંટણીના પરિણામો હંમેશા જુદા પ્રકારના રહે છે. આ બાબતની નોંધ લઇને કોંગ્રેસ પાર્ટીએ પણ તમામ તાકાત લગાવી છે. બંને પાર્ટીઓ દ્વારા જીતના દાવા કરવામાં આવી રહ્યા છે. બીજી બાજુ મતદારો પણ તેમના મતાધિકારનો ઉપયોગ કરીને પસંદગીના ઉમેદવારને જીત અપાવવા માટે ઉત્સુક બન્યા છે. વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી માટે પ્રચાર હવે ચરમસીમા પર છે અને આવતીકાલે ચૂંટણી પ્રચારનો અંત આવશે. વિધાનસભા અને લોકસભા સામાન્ય ચૂંટણી કે પેટા ચૂંટણી દરમિયાન મતદાન કરતાં પહેલાં મતદારે મતદાર ફોટો ઓળખકાર્ડ રજુ કરી પોતાની ઓળખ પ્રસ્થાપિત કરવાની રહે છે. ભારતનાં ચૂંટણી આયોગે તેઓના તા. ૧૨/૧૦/૨૦૧૯ના પત્રથી સ્પષ્ટ કર્યુ છે કે, રાજ્યમાં તા.૨૧/૧૦/૨૦૧૯ના રોજ યોજાનાર ૦૮-થરાદ, ૧૬-રાધનપુર, ૨૦-ખેરાલુ, ૩૨-બાયડ, ૫૦-અમરાઈવાડી તથા ૧૨૨-લુણાવાડા વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી-૨૦૧૯માં ફક્ત 'ફોટો સાથેની મતદાર કાપલી' એકલી મતદારની ઓળખ પ્રસ્થાપિત કરવા ઉપયોગમાં લઇ શકાશે નહી. મતદારો મતદાર ફોટો ઓળખકાર્ડની અવેજીમાં નીચે જણાવ્યા મુજબનાં ૧૧ દસ્તાવેજો પૈકી કોઇ એક દસ્તાવેજ રજુ કરી મતદાન કરી શકશે એમ, રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારીની યાદીમાં જણાવાયું છે. જે અગિયાર દસ્તાવેજો પૈકી કોઇપણ એક દસ્તાવેજ રજૂ કરવાના છે, એમા પાસપૉર્ટ, ડ્રાઈવિંગ લાઈસન્સ, કેન્દ્ર/ રાજ્ય સરકાર, જાહેર સાહસ, પબ્લિક લીમીટેડ કંપનીઓ તરફથી તેમના કર્મચારીઓને આપવામાં આવતા ફોટા સાથેના ઓળખકાર્ડ, બેંક/પોસ્ટ ઓફિસ તરફથી આપવામાં આવતી ફોટા સાથેની પાસબુક, પાન કાર્ડ, નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર હેઠળ આરજીઆઈ દ્વારા આપવામાં આવેલ સ્માર્ટ કાર્ડ, એમએનઆરઈજીએ હેઠળ આપવામાં આવેલ જોબ કાર્ડ, શ્રમ મંત્રાલય તરફથી આપવામાં આવેલ હેલ્થ ઈન્સ્યુરન્સ સ્કીમના ફોટા સાથેના સ્માર્ટ કાર્ડ, ફોટા સાથેના પેન્શન દસ્તાવેજો, સંસદ સભ્યો/વિધાનસભ્યો/ વિધાન પરિષદના સભ્યોને આપવામાં આવેલ અધિકૃત ઓળખકાર્ડ અને આધારકાર્ડનો સમાવેશ થાય છે. બિનનિવાસી ભારતીયોની જો મતદાર તરીકે નોંધણી થયેલ હોય તો તેઓએ મતદાન મથકે ફક્ત "અસલ પાસપોર્ટ" રજૂ કરી તેમની ઓળખ પ્રસ્થાપિત કરવાની રહેશે એમ વધુમાં જણાવાયું છે.

(9:51 pm IST)