Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

સુરત : પુત્રના મોત બાદ થયા માતા અને પિતાનો આપઘાત

પતિ-પત્નીની આત્મહત્યાને પગલે ભારે અરેરાટી : આત્મહત્યા અંગેની નોંધ મળી : સ્વૈચ્છાથી આપઘાત કર્યો

અમદાવાદ, તા.૧૮ : સુરતના અલથાણ વિસ્તારમાં ચાર મહિના પહેલાં એકના એક પુત્રના મોત બાદ સતત તણાવ અને ડિપ્રેશનમાં રહેતા માતા-પિતાએ આત્મહત્યા કરી લેતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી.  સુરતના અલથાણ વિસ્તારમાં આવેલી ક્રિષ્ના પેલેસમાં સવારના સમયે પતિ-પત્નીએ સામૂહિક રીતે  ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લેતાં સ્થાનિક લોકોમાં ભારે અરેરાટીની લાગણી પ્રસરી ગઇ હતી. અલથાણ પોલીસે બનાવની જાણ થતાં તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, સુરતના અલથાણ વિસ્તારમાં ક્રિષ્ના પેલેસ ખાતે આત્મહત્યા કરનાર ભરત બાબુલાલ પટેલ અને તેમની પત્ની પલ્લવી ભરતભાઈ પટેલના એકના એક દીકરા પ્રેમનું ૨૨ વર્ષની વયે બ્લડ કેન્સરના કારણે ચાર મહિના અગાઉ તા.૧૬મી જૂનના રોજ અવસાન થયું હતું. એકના એક પુત્રના મોત બાદ એકલવાયું જીવન જીવતા પતિ-પત્ની સતત અને ભારે તણાવમાં રહેતા હતાં. તણાવમાં ગરકાવ બનેલા માતા-પિતાએ ડિપ્રેશનમાં આત્મહત્યાનું અંતિમ પગલું ભર્યુ હોવાનું પોલીસ પ્રાથમિક તપાસમાં માની રહી છે. પોલીસે તપાસ કરતાં એક સુસાઈડ નોટ મળી હતી.

           સુસાઈડ નોટમાં મૃતકોએ પોતાની મરજીથી આપઘાત કર્યો હોવાનું તથા દીકરાના મોત બાદ એકલતા અનુભવતા હોવાનું અને મોત બાદ અંગદાન કરી દેવાનો ઉલ્લેખ પણ કર્યો છે. પાટણના ગજા ગામના વતની ભરતભાઈ બાબુલાલ પટેલ ભટાર સર્વોદય સ્કૂલ સામે જવેલરી શોપ ચલાવતા હતાં. મંદીના કારણે છેલ્લા એકાદ વર્ષથી જ્વેલરીની શોપ બંધ રાખતાં હતાં. ભરતભાઈએ આપઘાત કરતાં અગાઉ દિકરાને ફેસબુકમાં શ્રધ્ધાંજલિ આપી હતી. દિકરાના ફોટો પર ૪થી માસિક પુણ્યતિથીએ શ્રધ્ધાંજલિ એવું લખ્યું હતું. દિકરાનું મોત તા.૧૮મી જૂન અને પિતા અને માતાએ પણ રાત્રિના એક વાગ્યે પોસ્ટ કર્યા બાદ આપઘાત કરી લીધો હતો. બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા સાથે અરેરાટીની લાગણી ફેલાઇ ગઇ હતી.

(8:50 pm IST)