Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

બાળલગ્ન કેસમાં સમાજ સુરક્ષા વિભાગ હરકતમાં

સગીરાના પિતા, અન્યો સામે ફરિયાદ

અમદાવાદ, તા.૧૮ : દાંતા તાલુકાના ખેરમાળ ગામે અંદાજે બે માસ અગાઉ એક સગીરાના બાળ લગ્ન થયા હોવાનો વીડિયો વાઈરલ થયા બાદ હવે સમાજ સુરક્ષા વિભાગ હરકતમાં આવ્યું છે. સુરક્ષા અધિકારીએ સોળ વર્ષની સગીરાને દલાલ દ્વારા પુખ્ત વયના યુવાનને પરણાવી નામે લઈ વેચી મારવાનું કાવતરું ગણાવીને હિન કૃત્ય કરનાર સગીરાના પિતા, સગીરાને પરણાવવા માટે દલાલીનું કામ કરનાર વ્યક્તિ સહિત સગીરા સાથે લગ્ન કરનાર વિરૂદ્ધ હડાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે.

   આ ફરિયાદના આધારે હવે પોલીસે પણ સમગ્ર કેસમાં તપાસનો દોર આગળ ધપાવ્યો છે.  ખેરમાળ ગામની ૧૬ વર્ષીય કિશોરીને નાણાંના બદલામાં લગ્ન કરાવ્યાનો કિસ્સો સામે આવ્યો હતો. બાળ લગ્નના ફોટા અને વીડિયો વાઈરલ થતાં ભારે ચકચાર મચી ગઇ હતી. જેને પગલે સમાજ સુરક્ષા વિભાગને હરકતમાં આવવાની ફરજ પડી છે. હડાદ પોલીસ સ્ટેશનમાં સગીરાના પિતા બચુભાઈ ગમાર, દલાલ અને મદદગાર બનનાર જગમાલ બાબુ તથા સગીરાને પરણીને લઈ જનાર પુખ્તવયના યુવાન એમ ત્રણ વ્યક્તિ સામે ગુનો નોંધી ત્રણેયની ધરપકડની તજવીજ હાથ ધરવામાં આવી છે. તપાસમાં કિશોરીને અમદાવાદ શહેરના ચમનપુરા વિસ્તારમાં પરણાવી દેવામાં આવી હોવાની વાત સામે આવી હતી. જેથી અમદાવાદ મહિલા ક્રાઇમે કિશોરીને રેસ્ક્યૂ કરવા માટે ચમનપુરા ગયા હતા. પરંતુ ત્યાં કિશોરીની સાસુ મળી આવી હતી. કિશોરી ક્યાં છે તેવું પૂછપરછ કરતા તે તેણી નણંદના ઘરે કુબેરનગરમાં રહેતી હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ મહિલા ક્રાઈમની ટીમે કુબેરનગર પહોંચીને કિશોરીનું રેસ્ક્યૂ કર્યું હતું અને તેને સીડબલ્યુસીને સોંપી હતી. આ કિસ્સાને પગલે બાળલગ્નની પ્રથાને પ્રોત્સાહન આપતાં તત્વોમાં પણફફડાટની લાગણી ફેલાઇ ગઇ છે.

(8:49 pm IST)