Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

મીની ટ્રેન, એમ્યુઝમેન્ટ પાર્ક, બલૂન સફારી રાઇડ બંધ થઇ

કાંકરિયા લેકફ્રન્ટમાં રોનક ઝાંખી પડી ગઇ : કાંકરિયા લેકફ્રન્ટમાં તમામ મહત્ત્વના આકર્ષણ ઠપ્પ હોઇ સહેલાણીઓની સંખ્યામાં મોટો ઘટાડો નોંધાયો : અહેવાલ

અમદાવાદ, તા.૧૮ : દિવાળી વેકેશન તા.૨૪ ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યું છે ત્યારે કાંકરિયા લેકફ્રન્ટ ખાતે બાળકોને પ્રિય એવી મીની ટ્રેન, એમ્યુઝમેન્ટ પાર્ક અને બલૂન સફારીની રાઇડ ઠપ થઇ ગઇ છે. છેલ્લા દાયકા કરતાં વધુ સમયથી કાંકરિયા લેકફ્રન્ટ રાજ્ય બહારના સહેલાણીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે, પરંતુ પહેલી વાર કાંકરિયા લેકફ્રન્ટની રોનક ઝાંખી પડી છે. કાંકરિયાની મુલાકાતે જનારા સહેલાણી અને ખાસ કરીને બાળકોને આ વખતે નિરાશા સાંપડે તેવી પરિસ્થિતિ સર્જાઇ છે. તંત્રની ઉદાસીનતા અને આ આકર્ષણો બંધ હોવાના કારણે મુલાકાતીઓ-સાહેલાણીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે, ગત તા.૧૪ જુલાઇ, ૨૦૧૯ના રોજ એમ્યુઝમેન્ટ પાર્ક-૨માં ૨૦ ફૂટથી વધુ ઊંચાઇથી ડિસ્કવરી રાઇડ તૂટી પડતાં બેનાં મોત થયાં હતાં અને ૨૯ ઘાયલ થયા હતા. ડિસ્કવરી રાઇડ દુર્ઘટનાએ રાજ્યભરમાં ખળભળાટ મચાવ્યો હતો, જેના પગલે સત્તાવાળાઓ દ્વારા ગુજરાતભરની રાઇડની સેફટી ચકાસણી કરવાનો આદેશ અપાયો હતો. આ દુર્ઘટના બાદ કાંકરિયા લેકફ્રન્ટના બંને એમ્યુઝમેન્ટ પાર્કને બંધ કરાયા છે. આગામી દિવાળીના તહેવારના દિવસોમાં આ બંને એમ્યુઝમેન્ટ પાર્ક ફરી ધમધમતા થાય તેવી શક્યતા નહીંવત્ છે. સ્વર્ણિમજયંતી એક્સપ્રેસ ટ્રેન સપ્ટેમ્બર-૨૦૧૦માં લોકોના આકર્ષણનું કેન્દ્ર બની બાળકો અને વયસ્કો માટે અટલ એકસપ્રેસ ટ્રેન અને સ્વર્ણિમજયંતી એક્સપ્રેસ ટ્રેનની સફર પણ હંમેશાં મનોરંજનથી ભરપૂર રહી છે. અટલ એકસપ્રેસ ટ્રેન પહેલાં કાર્નિવલ વખતે ખુલ્લી મુકાઇ હતી, જ્યારે સ્વર્ણિમજયંતી એક્સપ્રેસ ટ્રેન સપ્ટેમ્બર-૨૦૧૦માં લોકોના આકર્ષણનું કેન્દ્ર બની હતી. જો કે, હવે આ બંને મીની ટ્રેનને મેન્ટેનન્સના અભાવે ઘસારો પહોંચ્યો છે અને પાટા પણ ઘસાયા હોઇ છેલ્લા પાંચ-છ મહિનાથી તે પણ બંધ છે, અલબત્ત હવે તેનું રિપેરિંગ શરૂ કરાયું છે, પરંતુ દિવાળીના તહેવારોમાં મીની ટ્રેનની મોજ માણી શકાશે કે કેમ તે મોટો પ્રશ્ન છે. કાંકરિયામાં અત્યારે ફક્ત બોટિંગનો આનંદ મળે છે. બીજી તરફ સહેલાણીઓ બલૂન સફારી રાઇડ પણ લાંબા સમયથી બંધ પડ્યું હોઇ સહેલાણીઓ તેની સફર કરી શકતા નથી. કાંકરિયા લેકફ્રન્ટમાં આ તમામ મહત્ત્વના આકર્ષણ ઠપ્પ હોઇ સહેલાણીઓ દેખીતી રીતે ઓછા થયા છે. અત્યારે ૫૦ ટકા સહેલાણી ઘટ્યા છે એટલે કે રોજના માંડ ચારથી પાંચ હજાર સહેલાણી લેકફ્રન્ટની મુલાકાત લે છે, જ્યારે સામાન્ય દિવસોમાં તેની સંખ્યા સાતથી આઠ હજાર અને શનિવાર-રવિવારમાં ૧૫ થી ૨૫ હજાર સુધીની તંત્રમાં નોંધાઇ છે. કાંકરિયા લેકફ્રન્ટની રોનક ઝાંખી પડવાથી બાલવાટિકા પાસેનાં ૨૬ ફૂડ કોર્ટ અને ઝૂ પાસેનાં ૨૯ ફૂડકોર્ટ મળીને કુલ ૪૫ ફૂડકોર્ટમાં પણ ગ્રાહકોનો ધસારો ઓછો થઇ ગયો છે. દિવાળીના તહેવારોમાં ૨૫ થી ૩૦ હજાર સહેલાણીઓ રોજના કાંકરિયા લેકફ્રન્ટ ખાતે ઊમટે છે અને તેનાથી મ્યુનિ. તિજોરીને રૂ. ચારથી પાંચ લાખની આવક થાય છે. જો કે, હવે આ આવકનું પ્રમાણ અને સહેલાણીની સંખ્યા દિવાળીમાં જાળવી રાખવાનું તંત્ર માટે પડકારરૂપ બનશે.

(8:40 pm IST)
  • ૨૦૨૪ પહેલા દેશભરમાં NRC લાગુઃ અમિતભાઇ : ગૃહમંત્રી અમિતભાઈ શાહે કહ્યું છે કે ૨૦૨૪ પહેલા સમગ્ર દેશમાં એન.આર.સી. (નેશનલ રજીસ્ટર ઓફ સીટીઝન)નો અમલ કરી દેવામાં આવશે.. access_time 11:31 am IST

  • પ્રજાના પ્રતિનિધિઓને ઓળખી લેજો : મહારાષ્ટ્ર વિધાનસભાના 3237 ઉમેદવારોમાંથી 1007 કરોડપતિ : 916 ઉમેદવારો ઉપર ક્રિમિનલ કેસ : જેમાં ભાજપ અને શિવસેનાના 171 ,કોંગ્રેસના 156 , તથા 280 અપક્ષ ઉમેદવારોનો સમાવેશ : મહારાષ્ટ્ર ઈલેકશન વોચ અને એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ(ADR) દ્વારા બહાર પડાયેલી માહિતી access_time 8:00 pm IST

  • રાજકોટમાં પ્રથમ નોંધાયો ત્રિપલ તલાકનો ગુનો : ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયો ત્રિપલ તલાકનો ગુનો access_time 1:10 am IST