Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

અમદાવાદની સ્કૂલોમાં ચોરી કરતા બે શખ્સો પકડાઈ ગયા

દિવસે મજૂરી કરી રાત્રે સ્કૂલોમાં ચોરી કરતા હતા : દાહોદના બંને આરોપીઓએ કૃષ્ણનગર, નરોડા, નિકોલ, ઓઢવ તેમજ રામોલ ખાતે સ્કૂલોને ટાર્ગેટ કરી ચોરી કરી

અમદાવાદ, તા.૧૮ : અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલી સ્કૂલોને ટાર્ગેટ કરી ચોરી કરતા દાહોદના બે શખ્સોની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. બંને આરોપીઓ દિવસ દરમિયાન મજૂરી કામ કરી રાત્રિના સમયે શહેરની જુદી જુદી સ્કૂલોને ટાર્ગેટ કરી ચોરી કરતા હતા. પોલીસે બંને આરોપીઓ સામે જરૂરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે આરોપી ઉમેશ ઉર્ફે કાળું કટારા અને મનીષ સંગાડીયા (બંને. રહે જિ. દાહોદ)ને ઝડપી રોકડ રૂ. ૯૬૦૦, ડિસમિસ તેમજ અન્ય સાધન કબ્જે કર્યા હતા. બંને આરોપીઓએ કૃષ્ણનગર, નરોડા, નિકોલ, ઓઢવ અને રામોલ વિસ્તારમાં આવેલી સ્કૂલોને ટાર્ગેટ કરી ચોરી કરી હતી. પોલીસે શાળાઓમાં ચોરી કરાયેલા મુદ્દામાલની તપાસ શરૂ કરી છે. આરોપીઓની પૂછપરછ દરમ્યાન એ વાતનો પણ ખુલાસો સામે આવ્યો હતો કે, બંને આરોપીઓ દિવસના સમયે મજૂરીકામ કરતાં હતા અને રાત્રિના અંધકારમાં પૂર્વ વિસ્તારની શાળાઓને ટાર્ગેટ કરી ત્યાં હાથ સાફ કરતા હતા. રાત્રિના સમયે શાળાઓના સંકુલમાં કોઇ નહી હોવાના કારણે ચોરીની ઘટનાને અંજામ આપવો આસાન હોવાથી આરોપીઓ સ્કૂલોમાં ચોરી કરતા હતા. પોલીસે આ સમગ્ર પ્રકરણમાં બંને આરોપીઓની પૂછપરછના આધારે તપાસનો દોર જારી રાખ્યો છે.

(8:38 pm IST)