Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

સુરતની હોટલમાં ભોજનમાં ઇયળ દેખાઇઃ ફરિયાદ કરતા બિલમાં માફી આપી મામલો પતાવવાની હોટલ મેનેજરની વાત

સુરત :ગુજરાતની વિવિધ રેન્ટોરન્ટ્સ તથા જાણીતા ફૂડ આઉટલેટમાંથી જીવાત, વંદા નીકળવાનો સિલસિલો હજી ચાલુ છે. રોજેરોજ જાગૃત નાગરિકો દ્વારા શેર કરાયેલી વીડિયો અને તસવીરો સામે આવી રહી છે, જેમાં જાણવા મળે છે કે રૂપિયા ખર્ચીને પણ હોટલ સંચાલકો દ્વારા ગ્રાહકોને કેવી ક્વોલિટીનું ફૂડ પિરસવામાં આવે છે. ત્યારે સુરતની એક હોટલમાં પિરસાયેલી થાળીમાં ઈયાળ ચાલતી દેખાઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતની એક હોટલમાં ખાવામાં પીરસવામાં આવેલી થાળીમાં જીવાત નીકળી હોવાની ફરિયાદ એક ગ્રાહક દ્વારા ઉઠી છે. તેઓને ડિનરમાં આપવામાં આવેલ શાકમાં જીવાત ચાલતી હોવાનો બનાવ બન્યો છે. જેમાં તેઓએ વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. હાલ આ વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો સુરતની ટેક્સ પ્લાઝો હોટેલનો છે. ગ્રાહકે આ મામલે હોટેલના મેનેજરને ફરિયાદ કરતા તેઓએ બિલમાં માફી કરી આપી મામલો પતાવવાની વાત કરી હતી. 15 ઓક્ટોબરના રોજ આરોગ્ય વિભાગને વીડિયો સાથે ફરિયાદ કર્યા બાદ સેમ્પલો લઈ હોટેલને નોટિસ આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતના નાગરિકો હવે હેલ્થને લઈને સજાગ થઈ રહ્યા છે. પોતે રૂપિયા ખર્ચીને જે રેસ્ટોરન્ટ્સમાં જમે છે, તેની ક્વોલિટી પર પણ સવાલો ઉભા કરે છે. તેમજ અનહેલ્થી ફૂડના વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરે છે. જેથી અન્ય લોકો પણ જાગૃત થાય.

(4:46 pm IST)