Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

પંચાયતના તલાટી-કલાર્કની જગ્યા માટે લાયકાત યથાવત કે ફેરફાર ? ૩પ લાખ અરજીઓ : સરકાર ગોથે ચડી

ધો. ૧ર પાસ પાસેથી અરજીઓ મંગાવી છે, સ્નાતકનું ધોરણ અપનાવે તો ફરી હોબાળોઃ બેવડાયેલા ઉમેદવારને કોઇપણ એક જિલ્લામાં તક આપવાની વિચારણા

રાજકોટ, તા., ૧૮: રાજય સરકારે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનાર બિન સચિવાલય કલાર્ક અને કચેરી મદદનીશની જગ્યા માટે લાયકાત ૧૨ ધોરણને બદલે સ્નાતક કર્યા બાદ ભારે વિરોધ થતા નિર્ણય બદલવો પડેલ. તે બંન્ને કક્ષાની પરીક્ષાના ૧૦ાા લાખ ઉમેદવારો માટે ફરી ધોરણ ૧ર પાસને પરીક્ષા આપવા માટે લાયક ગણવામાં આવ્યા છે. હવે આ જ પ્રશ્ન પંચાયત સેવા પસંદગી બોર્ડ સામે આવ્યો છે. બોર્ડ દ્વારા ૧ વર્ષ પહેલા જુનીયર કલાર્ક અને તલાટીઓની ભરતી માટે અરજીઓ મંગાવવામાં આવેલ. જેમાં ૩પ લાખ જેટલી અરજીઓ આવી છે. આ પરીક્ષામાં શૈક્ષણીક લાયકાતનું ધોરણ જાહેરાત વખતે બતાવ્યા મુજબ ધોરણ ૧ર પાસ રાખવું કે ગ્રેજયુએટ સુધી લઇ જવું? તે બાબતે સરકાર ગોથે ચડયાના વાવડ મળે છે.

પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા ઉપરોકત બંન્ને કેડર માટે ૧ વર્ષ પહેલા જિલ્લાવાર ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવેલ જેમાં બંન્ને કેડરની મળીને રાજયની કુલ ૩પ લાખ જેટલી અરજીઓ થયેલ. અનેક ઉમેદવારોએ બંન્ને કેડર માટે અરજી કરી હોય અને ૧ થી વધુ જિલ્લા માટે  અરજીઓ કરી હોવાથી કુલ અરજીનો આંકડો ખુબ મોટો થઇ ગયો છે. સરકાર આ ડુપ્લીકેશન નિવારવા અરજીઓની કેન્દ્રીય પધ્ધતી અપનાવી ઉમેદવારોને કોઇ પણ એક જિલ્લામાં અરજી ચાલુ રાખવાનો વિકલ્પ આપવા માંગતી હોવાનું જાણવા મળે છે.

બોર્ડ દ્વારા ગયા ડીસેમ્બરમાં પરીક્ષા લેવાની તૈયારી ચાલતી હતી. તે વખતે જ ૧૦ ટકા આર્થીક અનામત જાહેર થતા પરીક્ષાની કાર્યવાહીને બ્રેક લાગેલ ત્યાર બાદ લોકસભાની ચુંટણીના કારણે પરીક્ષા અટકી હતી. હવે લાયકાત સુધારણાનો મુદે સામે આવ્યો છે. જો ધોરણ ૧ર પાસના બદલે ગ્રેજયુએટની લાયકાત કરી નાખવામાં આવે તો સેંકડો ઉમેદવારો પરીક્ષા આપવાથી વંચીત રહી જાય. જેટલી અરજીઓ આવી છે તે મુજબ પરીક્ષાની વ્યવસ્થા ગોઠવવી સરકાર માટે અતિશય કપરી બાબત છે. શૈક્ષણીક લાયકાત સુધારવાથી જાહેરાતમાં દર્શાવેલ પગાર ધોરણ પણ સુધારવું પડે. ડુપ્લીકેશન, શૈક્ષણીક લાયકાત વિગેરે અનેક મુદ્દે પંચાયત સેવા પસંદગી બોર્ડ મુંઝવણમાં હોય તેમ દેખાય છે. સરકારે પણ આ બાબતે મૌન જ રાખતા ઉમેદવારો દ્વિધા અનુભવી રહયા છે.

(4:03 pm IST)