Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

૩ એનઆરઆઇ યુવાનોના પાસપોર્ટ રદઃ ધરપકડથી ખળભળાટ

કેટલાક એનઆરઆઇ યુવાનો દ્વારા ભારતમાં લગ્ન કર્યા બાદ લાડકવાયી દિકરીઓને અપાતા ત્રાસ સામે આકરા પગલા ભરવાની કેન્દ્રની સુચનાનો ગુજરાતમાં વડોદરાથી અમલ : દોઢ ડઝન એનઆરઆઇ સામે ઘરેલું હિંસાની ફરીયાદ ભરણપોષણ ન આપતા પાસપોર્ટ રદ કરી જેલમાં ધકેલવાની કાર્યવાહી : પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત સાથે અકિલાની વાતચીત

રાજકોટ, તા.,૧૮: લાડકવાયી દિકરીને  માતા-પિતા એનઆરઆઇ મુરતીયા ગોતી  રંગે ચંગે લગ્ન કરી પુત્રી સુખી થાય તેવા આશીર્વાદ સાથે સાસરે મોકલે છે પરંતુ ગુજરાત સહિત દેશભરમાં કેટલાક એનઆરઆઇ યુવકો દ્વારા આવી યુવતીઓને  તરછોડી દેવાના વધતા જતા બનાવોને કારણે વિદેશ મંત્રાલય અને કેન્દ્ર સરકાર પણ સતર્ક બની આવા એનઆરઆઇ યુવાનોને પાઠ ભણાવવા માટે તેના પાસપોર્ટ રદ કરવાની અપનાવેલ નીતિનો અમલ ગુજરાતમાં વડોદરાથી પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત દ્વારા શરૂ થઇ ગયાનું સુત્રો જણાવે છે.

અમેરીકા, ન્યુઝીલેન્ડ અને બેલ્જીયમમાં રહેતા પતિઓના પાસપોર્ટ રદ કરવાનું આકરૂ પગલું પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતની સુચનાથી વડોદરા પોલીસે કરેલી ભલામણ આધારે ૩ યુવાનોના પાસપોર્ટ રદ થઇ ગયા છે.

ઉકત બાબતે વડોદરાના પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું કે ત્રણ એનઆરઆઇ યુવાનના પાસપોર્ટ રદ થયાની વાત સત્ય છે. તેઓએ જણાવેલ કે ઘરેલું હિંસાની એનઆરઆઇ યુવાનો સામે દોઢ ડઝનથી વધુ ફરીયાદો અમોને મળી હતી. આ તમામ વિરૂધ્ધ કાર્યવાહી કરી તેમને અદાલત સુધી  ખેંચી જવાયા હતા.

અનુપમસિંહ ગેહલોતના વિશેષમાં જણાવ્યા મુજબ અદાલતે પણ આ બાબતને ખુબ જ ગંભીર ગણી હતી અને ઉકત યુવાનોને ભરણપોષણ આપવા માટે આદેશ કર્યા હતા. અદાલતના આદેશ છતા ભરણપોષણ ન આપવા બદલ તેઓની વિરૂધ્ધ કાર્યવાહી કરી પાસપોર્ટ રદ કરવામાં આવ્યા હતા.

ગુજરાત સહિત દેશભરમાંથી આ રીતે  કોડ ભરેલી કન્યાઓને વિદેશ લઇ જઇ તેઓને માનસીક ત્રાસ આપવાની અને તરછોડવાની ઘટનાઓમાંવડોદરા પોલીસ દ્વારા થયેલી કાર્યવાહીથી બ્રેક લાગશે. ટુંક સમયમાં ગુજરાતભરમાં આવા એનઆરઆઇ યુવાનો સામે કાર્યવાહી કરવા ઝૂંબેશ શરૂ થનાર હોવાનું સૂત્રો જણાવે છે.

(12:09 pm IST)
  • વલસાડ તાલુકા પંચાયતના ગોરગામ સીટના અપક્ષ સભ્યનું સભ્યપદ રદ કરાયું : સામાન્ય સભાની બેઠકમાં સતત ગેરહાજર રહેતા નવીનભાઈ ભીખુભાઇ પટેલનું સભ્યપદ રદ કરવા સામાન્ય સભામાં થયો ઠરાવ access_time 2:36 pm IST

  • પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી સામે ભારતીય જનતા પક્ષ સૌરવ ગાંગુલીને પોતાના ચહેરા તરીકે ઉતારશે:. તાજેતરમાં જ બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ ઓફ ઇન્ડિયાના ચેરમેન તરીકે ચૂંટાયેલા સૌરવ ગાંગુલીને આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષ મમતા બેનર્જી સામે ભાજપના મુખ્યમંત્રી ના ચહેરા તરીકે મેદાનમાં ઉતારે તેવી પૂરી સંભાવના છે access_time 1:14 am IST

  • પ્રજાના પ્રતિનિધિઓને ઓળખી લેજો : મહારાષ્ટ્ર વિધાનસભાના 3237 ઉમેદવારોમાંથી 1007 કરોડપતિ : 916 ઉમેદવારો ઉપર ક્રિમિનલ કેસ : જેમાં ભાજપ અને શિવસેનાના 171 ,કોંગ્રેસના 156 , તથા 280 અપક્ષ ઉમેદવારોનો સમાવેશ : મહારાષ્ટ્ર ઈલેકશન વોચ અને એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ(ADR) દ્વારા બહાર પડાયેલી માહિતી access_time 8:00 pm IST