Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

પીપળો-વડલો-ઉંબરો-ખાખરો-લીમડો સૌથી વધુ ઓકસીજન આપતા વૃક્ષો

પ્રથમવાર કોઇ જૈન સંતે વન્યસૃષ્ટિના જતન - પર્યાવરણ સુરક્ષાનો ભાવ જીવદયાની દ્રષ્ટિએ રજૂ કર્યો : સ્વાસ્થ્યની સાથે સમૃધ્ધિ પણ આપે : મુખ્યમંત્રી વિજયભાઇને પૂ.પારસમૂનિ મ.સા.એ વૃક્ષરોપણ માટે લોકોને પ્રોત્સાહીત કરી ભારતને સર્વશ્રેષ્ઠ બનાવવા પત્ર પાઠવ્યો : ભગવાન મહાવીર મહાપર્યાવરણવાદી હતા. પૃથ્વીકાયથી વનસ્પતિકાય અને બે ઇન્દ્રિયથી લઇને પંચેન્દ્રિય સુધીના જીવોના જતનની વાત પ્રભુએ કરી છે : પૂ.પારસમુનિ મ.સા

રાજકોટ તા.૧૮ : જૈન સમાજ જીવદયા માટે જાણીતો છે. જૈન સમાજના સાધુ સાધ્વીજીઓ જીવદયા માટે શ્રાવક શ્રાવિકાઓને સતત પ્રેરણા આપતા હોય છે. ગોંડલ ખાતે ચાતુર્માસમાં બિરાજમાન જૈન સંત પૂ.પારસમૂનિ મ.સા.એ વન્યસૃષ્ટિના જતન પર્યાવરણ સુરક્ષાનો ભાવ જીવદયાની દ્રષ્ટિએ રજૂ કર્યો છે. આ અંગે પૂ.પારસમુનિ મ.સા.એ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીને પત્ર પણ પાઠવ્યો છે. જેમાં પર્યાવરણ થકી અન્ય ફાયદા પણ દર્શાવ્યા છે. જે પત્ર અક્ષરસહ નીચે મુજબ છે.

માનનીય શ્રી વિજયભાઇ રૂપાણી (મુખ્યમંત્રી ગુજરાત રાજય)

જય ભારત સાથ આપશ્રીને નિવેદન કરૂ છુ કે વર્તમાન સમયે પોલ્યુશન વધી રહ્યુ છે. પર્યાવરણ સુરક્ષાની તાતી જરૂર છે.

આપશ્રી દાદાડુંગર ગુરૂની પરંપરાને અનુસરતા ગોંડલ સંપ્રદાયના શ્રેષ્ઠ શ્રાવક રત્ન છો. દાદા ડુંગર ગુરૂનું નામ રોશન કરી રહ્યા છે. પરમાત્મા મહાવીરની જીવો અને જીવવા દોની દેશના સંદેશવાહક બની આપ જીવદયા અને પર્યાવરણ સુરક્ષાના હિમાયતી બન્યા છો તે સદભાવના અનુમોદનીય છે.

પૂ.સદગુરૂદેવશ્રી જગદીશમુની મહારાજસાહેબ દ્વારા અમોને એવુ જ્ઞાત કરવામાં આવેલ છે કે, પીપળો, વડલો, ઉંબર, ખાખરો, લીમડો આ પાંચ વૃક્ષ શ્રેષ્ઠ કક્ષાનું ઓકસીજન આપે છે અને જીવસૃષ્ટિનું સંરક્ષણ કરે છે.

પીપળો : પીપળ વૃક્ષપિતૃનું કારક મનાય છે. પિતૃ જ પૈસા લાવે છે. જૈન શાસ્ત્રમાં અસુરકુમાર ભવનપતિ દેવો તેના અધિષ્ઠાતા કહ્યા છે. પીપળાના વૃક્ષ જે પ્રદેશમાં વિશેષ હોય ત્યાં સંપતિ અને નિરોગી વધારે હોય પીપળવૃક્ષને કલ્પવૃક્ષ પણ કહે છે. જેની નીચે બેસીને કરેલ સંકલ્પ સિધ્ધ થાય છે. તથાગત બુધ્ધને પીપળવૃક્ષ નીચે જ બોધિસત્વજ્ઞાનની પ્રાપ્તિ થઇ હતી. પીપળવૃક્ષ જે વિસ્તારમાં વધુ હોય ત્યા સમૃધ્ધિ વિશેષ હોય મુંબઇમાં જુહુ, લોખંડવાલા, અંધેરી, વાલકેશ્વર, દાદર જેવા વિસ્તારોમાં પીપળાના વૃક્ષ પુષ્કળપ્રમાણમાં છે.પીપળ અને વટવૃક્ષનું સુતરના તાંતણાથી બાંધીને પૂજન કરવામાં આવે છે જેથી તેનુ થડ મજબૂત રહે.

વટવૃક્ષ (વડલો) : વટવૃક્ષના અધિષ્ઠાતા યક્ષ કહ્યા છે જે સર્વમનોકામના પુર્ણ કરે છે માટે વટવૃક્ષનું મહત્વ બતાવાયુ છે. વટવૃક્ષ વંશવૃધ્ધિ અને તે વિસ્તારની સમૃધ્ધિ લાવનાર છે.

ઉદુમ્બર (ઉંબરો) : વિદ્યુતકુમાર દેવો ઉદુમ્બરના અધિષ્ઠાતા છે. હિન્દુ માન્યતા પ્રમાણે દતાત્રેયનું વૃક્ષ છે. ઉદુમ્બર જયાં વધુ હોય ત્યા જમીનમાં પાણી હોય અને પાણીનું તળ (સરવાણી) પણ ઉપર હોય, ઉદુમ્બરથી જમીનમાં પાણીની સરવાણીઓ ઉપર અને જીવંત રહે છે.

પલાશ (ખાખરો) : દિશા કુમાર દેવો અધિષ્ઠાતા છે. ખાખરાનું વૃક્ષ શરીરના ચામડીના રોગોને દૂર કરવા તેમજ શાંતતા આપે છે. તેના ફુલ કેસુડા તરીકે ઓળખાય છે. જે ગરમીમાં થતા ચામડીના રોગોથી બચાવે છે. ખાખરાના પાનના પતરાવાળા બને છે જેથી અનેક વૃક્ષોનો નાશ થતો અટકે છે અને કાગળ પ્લાસ્ટીક, થર્મોકોલની ડીશને બદલે તેમનો ઉપયોગ થાય તો સ્વાસ્થ્ય અને પર્યાવરણની રક્ષા પણ થાય છે તે પાનની ડીશમાં જમ્યા બાદ એકત્રીત કરી સુંદર ખાતર પણ બને પાણીનો બચાવ ગંદકી થતી અટકે, કૃષિમાં કુદરતી ખાતર મળે તો ખેતપેદાશો સારી થાય.

લીમડો : આ વૃક્ષ તેની આસપાસ રહેલ બેકટેરીયા વાઇરસનો નાશ કરે છે. સ્વાસ્થ્ય રક્ષક છે. મેષ રાશિમાં સુર્ય પ્રવેશ સમયે ચૈત્ર માસમાં તેના પાન અને મસૂળની દાળ ખાવાથી સર્પાદિના વિષનો ભય રહેતો નથી. ડાયાબીટીસના દર્દીઓ માટે રામબાણ ઔષધ છે.

ગ્રહોની અપેક્ષાએ વિચારીએ તો

પીપળો : ગુરૂ ગ્રહનું વૃક્ષ ગણાય. ઉંબર શુક્રગ્રહનું વૃક્ષ ગણાય. પલાસ (ખાખરો) ચંદ્રનું વૃક્ષ ગણાય. વડલો સર્વમાં શ્રેષ્ઠ ગણાય છે.અર્થાત સર્વગ્રહની અશુભ દશાનું નિયંત્રણ કરે છે માટે પહેલાના સમયમાં માળા વડની વડવાઇથી બનાવવામાં આવતી હતી. લીમડાનો ઉપયોગ આયુર્વેદ અને મેડીકલ સાયન્સમાં સર્વશ્રેષ્ઠ ગણાય છે અનેક દેશો આજે લીમડાના વન બનાવી રહ્યા છે. મુંબઇ ઠાણા જીલ્લામાં વિચરણ દરમિયાન મે અનુભવ્યુ કે ત્યા દેશી લીમડો જેમાં લીંબોડી આવે તેવા વૃક્ષો નહીવત છે. વધુ જંગલી લીમડા છે. ગુજરાતમાં આપણે ત્યા દેશી લીમડાની સારી જાત છે.

બીજુ કે પીપળો, વડલો, ઉંબર આ વૃક્ષમાં અંજીર (ટેટા) થાય છે જે પક્ષીઓના જીવનને ટકાવવામાં ખૂબ ઉપયોગી છે. જેથી અનાજરૂપી ચણ અલ્પ નાખવામાં આવે તો પણ પક્ષીઓનું જીવન નિર્વિધ્નતાથી પસાર થાય અને અનાજ બચે. લીમડાની લીંબોડી પણ અમુક પ્રજાતિના પક્ષીઓ ખાય છે અને સ્વસ્થ રહે. માનવજાત માટે તો લીમડો વરદાનરૂપ છે. જે વિસ્તારમાં લીમડાના વધુ વૃક્ષ હોય તે વિસ્તારમાં નિરોગી લોકો વધુ હોય આ વૃક્ષોમાં માળાદિ બનાવીને પક્ષીઓ પોતાના વંશની રક્ષા કરે છે અને આમ એક રીતે પક્ષીઓની જાતિઓને બચાવી શકાય. જીવસૃષ્ટિનુ રક્ષણથાય છે જે સૌથી મોટી જીવદયા છે.

પીપળા વૃક્ષની શુધ્ધ ઓરા (આભામંડળ) ૧૫ મીટર સુધીનું માપવામાં આવ્યુ છે. જે કોઇ મંદિરની પવિત્રતાથી પણ વધુ ગણાય છે. આમ, સામાન્ય દેખાવ પુરતા વૃક્ષારોપણ થાય છે તેના બદલે હાઇવેની બંને સાઇડ તથા તેના બદલે હાઇવેની બંને સાઇડ તથા ખેતરોમાં સોઢા પર અને ગામમાં કે શહેરમાં ગાર્ડનોમાં કલરવ સાંભળવા મળશે અને આ વૃક્ષોની છાયામાં અનેક જીવો શાતા, સમૃધ્ધિ વર્ષો સુધી પામશે. ગુજરાત પ્રદેશ નિરોગી રહેશે. જીવદયાનું પાલન થશે પ્રજા સુખી થશે. પશુપક્ષીને ચારો સારો મળશે.

પીપળો, વડલો, ઉંબર, ખાખરો અને લીમડો આ વૃક્ષોના રોપણ માટે આપ આપના દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા વિશેષ પ્રચાર કરી તે વૃક્ષોના રોપણ માટે વિશેષ નાગરિકોને પ્રોત્સાહીત કરશો તો વિશ્વમાં ભારતને સર્વશ્રેષ્ઠ બનાવી શકાશે.

અનંત જીવોની યતના અને વન્યસૃષ્ટિનુ રક્ષણ થશે. ભવિષ્યમાં આવનારી પેઢી આપના સંસ્મરણોને ગોંડલ નરેશ શ્રી ભગવતસિંહજી બાપુની સમાન વાગોળતી રહેશે.

આપ સુજ્ઞ છો, સુશ્રાવિકાશ્રી અંજલીબેનને પણ ધર્મ સંદેશ પાઠવશો આજ પર્યત કોઇ જૈન સંતે વનસૃષ્ટિના જતનનો ભાવ, પર્યાવરણ સુરક્ષાનો ભાવ આ રીતે વ્યકત ન કર્યો હોય પરંતુ મને આમા જીવદયાનો ભાવ દેખાતા આપશ્રીને રજૂઆત કરી છે.

આપશ્રીને યોગ્ય લાગે તો જિલ્લા તાલુકા અને ગ્રામ પંચાયતોને તથા ગુજરાતના સર્વ નાગરિકોને પ્રેરીત કરશો તો સર્વના જીવનમાં સૌભાગ્ય વૃધ્ધિ થશે અને મહાન જીવદયાનું પાલન થશે. માનવજન્મ સફળ થશે જીવદયા એ તો આપણી કુળદેવી છે.

ભગવાન મહાવીર મહાપર્યાવરણવાદી હતા. પૃથ્વીકાયથી વનસ્પતિકાય અને બે ઇન્દ્રિયથી લઇને પંચેન્દ્રિય સુધીના જીવોના જતનની વાત પ્રભુએ કરી છે. આપ પ્રભુના વારસદાર છો. આપ દાદા ડુંગર ગુરૂનુ નામ રોશન કરો. જય જય ગરવી ગુજરાત.

(11:41 am IST)