Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

સુરત : એમબીએ વિદ્યાર્થીએ ૯માં માળ પરથી પડતુ મૂકયું

યુવકની આત્મહત્યાને પગલે ભારે ચકચાર : મારું માનસિક સંતુલન બરોબર નથી જેથી આપઘાત કરૂ છું : આત્મહત્યાની નોંધમાં ચોંકાવનારી માહિતી સપાટીએ

અમદાવાદ,તા.૧૮ : સુરતના વેડરોડ પર રહેતાં તુલસી રેસીડન્સીમાં રહેતા અને એમબીએ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ રેસીડેન્સી એપાર્ટમેન્ટના ૯માં માળેથી આજે છલાંગ મારી મોતને વ્હાલુ કરતાં ભારે ચકચાર મચી ગઇ હતી. પોલીસને મળેલી સ્યુસાઈડ નોટમાં તેણે લખ્યુ હતું કે, મારુ માનસિક સંતુલન બરાબર નથી અને ખરાબ વીચારો આવે છે એટલે આપઘાત કરૂ છું. આ બનાવને પગલે રાજયભરમાં ખાસ કરીને વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે ચકચાર મચી ગઇ છે. સ્થાનિક રહીશોમાં તો યુવકની આત્મહત્યાને પગલે ભારે અરેરાટી અને શોકની લાગણી ફેલાઇ ગઇ હતી. આ બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના વેડરોડ પર તુલસી રેસીડન્સી આવેલી છે. તુલસી રેસીડેન્સીમાં પાર્થ બાબુભાઈ માવાણી (ઉ.વ. ૨૧) રહે છે અને ભગવાન મહાવીર કોલેજમાં એમબીએ ના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરે છે. પિતાજી હીરા દલાલીના ધંધો કરે છે. છેલ્લા ચારેક માસથી પાર્થ ડીપ્રેશનમાં આવી ગયો હતો. ડીપ્રેશનમાં આવી જવાના કારણે પરિવાર દ્વારા તેની સારવાર ચાલી રહી હતી. બુધવારે મળસ્કે ચાર વાગ્યાના અરસામાં તેણે એપાર્ટમેન્ટના ૯મા માળે ગયો હતો અને ૯મા માળેથી છલાંગ લગાવી મોતને વ્હાલુ કરી દીધું હતું. આ ઘટના અંગે નાઈટમાં ફરજ બજાવતા સિકયુરિટીને જાણ થતા તેણે ઘરના વ્યકિતઓને જાણ કરી હતી. બનાવની જાણ થતા ચોકબજાર પોલીસે ઘટના સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં મૃતકના રૂમમાંથી સ્યુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં મૃતકે લખ્યુ હતું કે, મારુ માનસિક સંતુલન બરબર નથી અને ખરાબ વીચારો આવે છે એટલે આપઘાત કરૂ છું. બનાવ અંગે ચોક બજાર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જો વિદ્યાર્થીની આત્મહત્યાને પગલે સ્થાનિક રહીશોમાં ભારે ચકચાર મચી જવાની સાથે અરેરાટી અને શોકની લાગણી પ્રસરી ગઇ હતી.

(7:36 pm IST)