Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

ડીજી-એડી. ડીજી કક્ષાએ બઢતી માટે ૫મી નવેમ્બરે ચીફ સેક્રેટરીની ચેમ્બરમાં ડીપીસીની પુનઃ બેઠકઃ અનેકવિધ ચર્ચાએ જોર પકડયું

વિપુલ વિજોયની નિવૃતિ અને અમદાવાદના સીપી ડેપ્યુટેશન પર જતા હોવાથી હીલચાલ : એડીશ્નલ ડીજીપી કક્ષાએ વધુ નામો પસંદ કરવાનો હેતુ ? ચૂંટણી અગાઉ રાજ્ય સરકાર આઈપીએસ કક્ષાએ ટોપ ટુ બોટમ બદલીના મુડમાં

રાજકોટ, તા. ૧૮ :. રાજ્ય પોલીસ તંત્રમાં સિનીયર અને જૂનીયર કક્ષાના આઈપીએસ અધિકારીઓને બઢતી આપી ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી અગાઉ કેટલાક મહત્વના ફેરફારો કરવા કેન્દ્રની સૂચના મુજબ ગાંધીનગર દ્વારા ગૃહખાતા મારફતે કાર્યવાહી ચાલી રહ્યાનું સૂત્રો જણાવે છે.

ઉકત કવાયતના ભાગરૂપે ગત તા. ૪થી ઓકટોબરે મળેલ બેઠકના સંદર્ભમાં તા. ૫મી નવેમ્બરે બપોરના ૩.૩૦ કલાકે ચીફ સેક્રેટરી જે.એન. સિંઘના અધ્યક્ષ સ્થાને તેમની જ ચેમ્બરમાં એક બેઠકનું આયોજન થયાનું સૂત્રો જણાવે છે.

સૂત્રોના કથન મુજબ ડીજીપી અને એડીશ્નલ ડીજીપી કક્ષાએ સિનીયર આઈપીએસ અધિકારીઓની બઢતી માટે જે કાર્યવાહી થવાની છે તેના મૂળમાં ડીજીપી કક્ષાના અધિકારી વિપુલ વિજોય (સ્ટેટ ટ્રાફીક) તથા અમદાવાદના ડીજીપી કક્ષાના પોલીસ કમિશ્નર એ.કે. સિંઘ ડેપ્યુટેશન પર દિલ્હી જતા હોવાથી આ જગ્યા ખાલી પડનાર છે. આવતા વર્ષના પ્રારંભે જાન્યુઆરી માસમાં ડીજી કક્ષાના તિર્થરાજ પણ નિવૃત થવાના છે.

હાલમાં ૧૯૮૫ બેચના સિનીયર આઈપીએસ અધિકારીઓને ડીજી તરીકે બઢતી મળી ચુકી છે. જેમાં અમદાવાદના પોલીસ કમિશ્નર એ.કે. સિંઘ, એટીએસના વડા એ.કે. સુરોલીયા, સીઆઈડી ક્રાઈમના વડા આશિષ ભાટીયા, જેલોના વડા મોહન ઝા તથા રાજ્ય પોલીસ વડાની કચેરીના એડમન વિભાગના વડા તેજપાલસિંહ બીસ્ટનો સમાવેશ છે.

હવે ડીજીપી કક્ષાએ બઢતી માટે ૧૯૮૬ બેચના સુરતના પોલીસ કમિશ્નર સતિષ શર્મા અને ઈન્ચાર્જ એસીબી વડા કેશવકુમાર, વિનોદ મલ ડીજીપી પદ માટે હક્કદાર બન્યા છે. આ નામોમાં ડેપ્યુટેશન પર રહેલા સતિષ વર્માનો પણ સમાવેશ છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર સાથે તેમને ૩૬નો આંક હોવાથી સ્વભાવિક રીતે તેમને સુપરસીડ કરી દેવાશે.

સુરતના પોલીસ કમિશ્નર સતિષ શર્મા કે જેઓ ડીજીપી બઢતી માટે પ્રથમ હક્કદાર છે તેઓને ડીજી બનાવી અન્યત્ર બદલાશે કે પછી તેઓને મુળ જગ્યાએ યથાવત રાખી ડીજી બનાવાશે ? તે પ્રશ્ન હોટ ટોપીક બન્યો છે. સૂત્રો એવુ માને છે કે, તેમની નિવૃતિ આડે જાજો સમય ન હોય તેમને ખસેડી તેમના સ્થાને અજય તોમર, મનોજ શશીધર, અનિલ પ્રથમ અને ડો. કે.એલ.એન. રાવની પસંદગી થઈ શકે. અમદાવાદના પોલીસ કમિશ્નરની ખાલી પડનાર જગ્યા માટે સીઆઈડી ક્રાઈમના વડા આશિષ ભાટીયા, એસીબીના ઈન્ચાર્જ વડા કેશવકુમાર તથા વિકલ્પે મોહન ઝાના નામો વિચારણામાં છે.

અત્રે યાદ રહે કે આ અગાઉ ૪થી ઓકટોબરે મળેલ બેઠકમાં આઈજીમાંથી એડી. ડીજીપી પદે પંચમહાલના રેન્જ આઈજી મનોજ શશીધર એકને જ લીલી ઝંડી મળી હતી. આઈપીએસ વર્તુળોમાં ખાનગીમાં ચાલતી ચર્ચા મુજબ આ બેચમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના ખાસમખાસ આર.બી. બ્રહ્મભટ્ટનું નામ પણ સામેલ હોવાથી આ બેચના રાજુ ભાર્ગવ, શશીકાંત ત્રિવેદી વિગેરેને એડી. ડીજી તરીકે બઢતીમાં સમાવેશ માટે પુનઃ બેઠક મળી રહી છે.

ડીઆઈજી કક્ષાએ ૨૦૦૦ બેચના વી. ચંદ્રશેખર, નિપુર્ણા તોરવર્ણે, અનારવાલા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, વિપુલ અગ્રવાલ, એસ.કે. દવે અને સુરતના એડી. પોલીસ કમિશ્નર ડી.એન. વાઘેલાને આઈજી કક્ષાએ બઢતી મળે તેવા સંયોગો છે.

એસ.પી. કક્ષાએ ૨૦૦૪ બેચમાં બઢતીથી વંચીત રહેલા દિનેશ પરમાર, ૨૦૦૫ બેચના રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના ટ્રબલ શુટર આઈપીએસ હિમાંશુ શુકલ (સંભવત તેઓ રોમાં ડેપ્યુટેશન પર દિલ્હી જનાર છે) તેની સાથોસાથ ૨૦૦૫ બેચના ગવર્નરના એડીસી પ્રેમવીરસિંહ, એસ.એમ. ભરાડા અને રાજકોટના પૂર્વ ડીસીપી હિતેન્દ્ર ચૌધરી વિગેરે પણ ડીઆઈજી બનશે. આવી બઢતીઓ સાથે જિલ્લા કક્ષા, કમિશ્નરેટ રેન્જ કક્ષાએ પુનઃ વિચારણા કરી ૨૦૧૯ની ચૂંટણી ધ્યાને લઈ લોકો સાથે સરળતાથી ભળી જતા અધિકારીઓને પસંદ કરાય તો નવાઈ નહિં.

(3:56 pm IST)