Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

સુઝુકી ૮૫ ટકા સ્થાનિકોને નોકરી આપવાના નિયમનું પાલન કરે : સરકાર

સરકારે નવો નિયમ બનાવવાની જાહેરાત કરી :જે કંપનીઓ આ નિયમોનું પાલન કરશે તેમને સરકારની પ્રોત્સાહન યોજનાનો લાભ મળશે

અમદાવાદ તા. ૧૮ : ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હાલમાં જ જાહેરાત કરી હતી કે તેમની સરકાર જલદી ગુજરાતમાં ઔધોગિક એકમોમાં નોકરી માટે સ્થાનિકોને પ્રાથમિકતા આપવા અંગે નવો નિયમ બનાવશે. સરકારેએ કંપનીઓ સાથે વાતચીત શરૂ કરી છે કે જે આ નિયમોનું પાલન નથી કરી રહી. તેમને કહેવામાં આવ્યું છે કે કંપનીમાં ૮૫ ટકા નોકરી ગુજરાતના સ્થાનિકોને આપવામાં આવે.

આ અંગે શ્રમ અને રોજગાર વિભાગના મુખ્ય સચિવ વિપુલ મિત્રાએ આ વાતની પુષ્ટિ આપતા જણાવ્યું છે કે, 'અમે સ્થાનિક ૮૫ ટકા લોકોને રોજગારી મળી તે માટે એક સર્વે કરાવ્યો છે, જે કંપનીઓ આ નિયમોનું પાલન કરશે તેમને સરકારની પ્રોત્સાહન યોજનાનો લાભ મળશે. મોટી કંપનીઓ સાથે SMC(સુઝુકી મોટર કંપની લિમિટેડ)માં ૫૦ ટકા નોકરીઓ સ્થાનિક લોકોને આપવામાં આવતી ન હોવાનું સામે આવ્યું છે. આ અંગે અમે તેમને ૮૫ ટકા સ્થાનિકોને નોકરી આપવાના માપદંડનું પાલન કરવા અને ખાલી રહેલી જગ્યાઓને ભરવા માટે કહેવામાં આવ્યું છે. જાપાનની કંપની સુઝુકી મોટર્સે મહેસાણાના હાંસલપુર ખાતે પ્લાન સ્થાપ્યો છે. SMCની સહાયક કંપની સુઝુકી મોટર ગુજરાત (SMG)પ્રાઈવેટ લિમિટેડને આ મુદ્દે એક ઈમેલ કરવામાં આવ્યો હતો, જેનો કોઈ જવાબ મળ્યો નથી.

તેમણે વધુમાં જણાવ્યું છે કે, 'અનેક કંનપીઓમાં આ આંકડો ૮૦ થી ૮૫ ટકાની વચ્ચે છે. આ નિયમનું પાલન થઈ રહ્યું છે અમુક જ ઉદ્યોગમાં જેમ કે ફાઉન્ડ્રી, સિરામિક વગેરે. જેઓ સ્થાનિક લોકોને નોકરી પર નથી રાખી રહ્યા. અમે પ્રયત્ન કરી રહ્યા છીએ કે આ ઉદ્યોગોમાં પણ ૮૫ ટકા નોકરીના નિયમનું પાલન કરાવવામાં આવે તેના માટે નિયમિત રીતે રિપોર્ટ તૈયાર કરવામાં આવશે.

(3:40 pm IST)