Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

પ્રમુખ-નેતાને 'સંકલન' માટે તાકીદઃ 'અંકુશ' મુકવા હીલચાલ

કોંગી હાઈકમાન્ડના આકરા 'તેવર': હવે ચલાવી નહી લેવાય સીધા નિયંત્રણ જ મુકી દેવાનો વર્તારો : જો સંપીને કામ નહીં થાય તો 'પાંખો' કાપી લેવાની પણ હીલચાલઃ તૂર્તમાં દેખાશે કડક રૂખ !

રાજકોટ, તા. ૧૮ :. રાજ્યના ટોચના અમુક કોંગી નેતાઓ વિધાનસભા ચૂંટણી પૂર્વે એકતા તથા સંકલન સાધી ન શકતા ભાજપને દેશભરમાં નીચુ જોવાપણું થતુ સહેજમું અટકયું હતું પરંતુ રાહુલ ગાંધીના સીધા માર્ગદર્શન હેઠળ જલદ નિર્ણયો લેતા રાજીવ સાતવ ૨૦૧૯માં કોઈ પણ જાતની જુથબંધી કે આંતરીક લડાઈ ચલાવી લેવાના મૂડમાં ન હોવાના નિર્દેશો મળે છે. કોંગ્રેસમાં છાનાખૂણે ચર્ચાતી વિગતો મુજબ હાઈકમાન્ડે પ્રદેશ પ્રમુખ તથા વિપક્ષી નેતાને સંપીને કામ કરી સંકલન સાધવા તાકીદ કરી છે અને જો હાઈકમાન્ડની સૂચનાનો સંપૂર્ણ અમલ ન થાય છે. પાંખો કાપી કડક નિયંત્રણો મુકી તે પ્રમાણેની વરણીની હીલચાલ પણ આદરી દેવાયાનું મનાય છે.

પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયની લોબીમાં જાણકાર વર્તુળોમાં ચર્ચાતી વિગતો મુજબ કોંગ્રેસ દિલ્હી હાઈકમાન્ડે પોતાના આકરા તેવરનો વર્તારો આપી દીધો છે. પ્રમુખ તથા વિપક્ષી નેતાને સંકલન કરી બધાને સાથે રાખીને આગળ વધવાની સૂચના અપાયાનું અને જો હાઈકમાન્ડને સંતોષજનક સ્થિતિ નહી જણાય તો કડક નિયંત્રણરૂપી વરણીઓ કરી પાંખો કાપી લેવા સુધીનું મન મનાવી લીધાનું મનાય છે.

ચર્ચાતી વિગતો મુજબ પ્રદેશ સંગઠન માળખા તથા શહેર જીલ્લા પ્રમુખોની વરણીમાં પ્રદેશ નેતાઓ એકમતી સાધી શકતા ન હોય અને પોતપોતાના આગ્રહ-દુરાગ્રહ કોરાણે મુકી શકતા ન હોય પ્રદેશમાં જમ્બો માળખુ બનાવવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે તો બીજી બાજુ ૧૭ જેટલા શહેર-જિલ્લા પ્રમુખોની વરણીમાં પણ એકવાકયતા સાધી શકાઈ ન હોય હાઈકમાન્ડ પણ નારાજ થયાનું મનાય છે.

રાજય પ્રભારી રાજીવ સાતવજી વિદેશ પ્રવાસેથી પરત આવી ગયા છે અને આજે સાંજ કે આવતીકાલે ગુજરાતના પ્રદેશ માળખા તથા અન્ય વરણીઓનો પ્રશ્ન હાથ પર લેશે પરંતુ એવું મનાય છે કે અમુક વરણીના નિર્ણયને તેઓ લીલી ઝંડી આપતા ગયા હતા પરંતુ અમુક બાબતે મડાગાંઠ યથાવત રહેતા તેઓએ કોઈ નિર્ણય લીધો ન હતો.

એવું ચર્ચાય છે કે, ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા તથા વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી વચ્ચે અમુક બાબતે મતમતાંતર હોય હાઇકમાન્ડને સંતોષ થાય તેવી રીતે સંકલન સાધી શકાયેલ નહોય રાહુલજી તથા રાજીવજીએ ખાનગીમાં થોડીક કડક તાકીદ કર્યાનું મનાય છે.

પ્રદેશ કાર્યાલયમાં ટોચના આગેવાનો ખાનગીમાં એવું ચર્ચા રહ્યા છે કે જો સત્વરે પ્રમુખ તથા નેતા વચ્ચે નિખાલસ તથા સરકારનું વાતાવરણ નહીં સર્જાઇ શકે તો હાઇકમાન્ડ તમામ સ્તરે કડક અંકુશ મૂકી દઇને પાંખો કાપી લેવાના મૂડમાં છે.

રાજય પ્રભારી વિદેશ પ્રવાસથી પરત ફરતા હવે આવતીકાલે અથવા ર૦મીના રોજ મહત્વના નિર્ણયો લેવાશે.

ટૂંકમાં કહીએ તો લોકસભા ચૂંટણી નજીક આવી ગઇ છે ત્યારે વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના હોઠે આવી ગયેલો સતાનો પ્યાલો ઝૂંટવાઇ ગયો તેવી રીતે લોકસભામાં કોંગ્રેસ હાઇકમાન્ડ કોઇ બેદરકારી, નિષ્ક્રીયતા, જુથબંધી કે આંતરીક ખટપટને કોઇ સ્થાન રહેવા દેવા માંગતી નથી. તૂર્તમાં હાઇકમાન્ડના કડક  તેવર સ્પષ્ટ દર્શન થશે તેવું જાણકારો સ્પષ્ટપણે નિહાળી રહ્યા છે.

(11:46 am IST)