Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

ગુજરાત સરકાર દ્વારા ધોરણ ૬ થી ૮ માટે ૩૨૬૨ વિદ્યાસહાયકોની વિશાળ ભરતી

ગણિત, વિજ્ઞાન, વિવિધ ભાષાઓ તથા સામાજિક વિજ્ઞાન વિષયમાં જગ્યાઓ ભરાશેઃ www.vidyasahayakgujarat.org વેબસાઈટ જોવીઃ ઓનલાઈન અરજી પ્રક્રિયાઃ તા. ૧૯ ઓકટોબર, શુક્રવારથી શરૂ થશે

રાજકોટ, તા. ૧૬ :. શિક્ષણ ક્ષેત્રમાં શિક્ષક તરીકે પોતાની કારકિર્દી બનાવવા ઈચ્છતા તથા શિક્ષક થવા માટેની લાયકાત ધરાવતા ઉમેદવારો માટે ગુજરાત સરકાર હાલમાં સોનેરી તક લઈને આવી છે.

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ ગાંધીનગર દ્વારા રાજ્યમાં આવેલ જિલ્લા શિક્ષણ સમિતિ / નગર શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાઓમાં ધો. ૬ થી ૮ (ગુજરાતી માધ્યમ) માટે કુલ ૩૨૬૨ વિદ્યાસહાયકોની ઓનલાઈન અરજી સાથેની ભરતી પ્રક્રિયા તા. ૧૯-૧૦-૨૦૧૮, શુક્રવારથી શરૂ થઈ રહી છે. આ ભરતી પ્રક્રિયામાં ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તા. ૨૯-૧૦-૨૦૧૮ (બપોરે ૩ વાગ્યા સુધી) છે. ભરતી અંગેનું અરજીપત્રક, વિષયવાર જગ્યાઓ, ભરતી વિશેની તમામ સૂચનાઓ, વયમર્યાદામાં છુટછાટ, ફી, લાયકાત,  ભરતીના નિયમો  સહિતની તમામ બાબતો www.vidyasahayakgujarat.org વેબસાઈટ ઉપર જોઈ શકાય છે. અરજીપત્રક રાજ્યના નક્કી કરેલ સ્વિકાર કેન્દ્ર ઉપર તા. ૧૯-૧૦-૧૮થી તા. ૨૯-૧૦-૧૮ દરમિયાન (રવિવાર સિવાય) રૂબરૂમાં સવારે ૧૧ વાગ્યાથી સાંજે ૫ વાગ્યા સુધી સ્વિકારવામાં આવશે.

ગણિત, વિજ્ઞાન, વિવિધ ભાષાઓ તથા સામાજિક વિજ્ઞાન વિષયોની કુલ ૩૨૬૨ જગ્યાઓ ભરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે. વિષય પ્રમાણે તથા કેટેગરી વાઈઝ જગ્યાઓની સંપૂર્ણ વિગત વેબસાઈટ ઉપર જોઈ શકાય છે. પગાર ધોરણ તથા સ્વિકાર કેન્દ્રોની યાદી પણ વેબસાઈટ ઉપર જોઈ શકાય છે.

તો મિત્રો, કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા હાલમાં વિવિધ ક્ષેત્રે નોકરીઓનો વરસાદ વરસી રહ્યો છે ત્યારે ગુજરાતમાં શિક્ષક તરીકે ઉત્કૃષ્ટ કામગીરી કરવા તત્પર ઉમેદવારો માટે હાલમાં ઘણી જ સારી તક ઉપલબ્ધ બની છે.

યોગ્ય લાયકાત, સચોટ માર્ગદર્શન, સ્વપ્રયત્ન, હકારાત્મક અભિગમ, આત્મવિશ્વાસ, સમાજ માટે કંઈક કરી છુટવાની તમન્ના, ભવિષ્યનું શ્રેષ્ઠ ભારત બનાવવાનું સપનુ સાકાર કરવા અને ઈશ્વરમાં શ્રદ્ધા રાખીને મહેનત કરવા તૂટી પડો - મંડી પડો. સરસ મજાની, સન્માન આપતી અને સેવા કરવાનો મોકો આપતી નોકરી આપ સૌની રાહ જુએ છે. સાચી નીતિથી મહેનત કરનારને ઈશ્વર પણ સાથ આપે જ છે. સૌને ઓલ ધ બેસ્ટ.

(11:43 am IST)