Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

ગુજરાતમાં એક વર્ષમાં ૨.૩૪ કરોડની જાલી નોટો જપ્ત કરાઈ

દેશભરમાં ગુજરાત ત્રીજા નંબરે : જાલી નોટોનું રેકેટ પાકિસ્તાન દ્વારા ચલાવવામાં આવતું હોવાનો પોલીસનો દાવો, ૫૦૦ની જાલી નોટો ફરતી થઈ

વડોદરા, તા.૧૮ : મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળ પછી ગુજરાત ત્રીજું એવું રાજ્ય છે જ્યાં સૌથી વધારે પ્રમાણમાં જાલી નોટો જપ્ત કરવામાં આવી હોય. જો પાછલા વર્ષની વાત કરીએ તો ગુજરાત આ યાદીમાં પ્રથમ ક્રમાંક પર હતું. જ્યારે તમે કોઈ દુકાનદારને અથવા તો શાકભાજી કે ફળ વાળાને ૫૦૦ રુપિયાની નોટ આપો અને તે નોટ નકલી છે કે સાચી છે તે તપાસે તો તમને ચોક્કસપણે અપમાનજનક લાગશે. પરંતુ ગુજરાતનો જે પ્રકારને જાલી નોટોનો રેકોર્ડ છે, તેને ધ્યાનમાં રાખીને ૫૦૦ની નોટને બે વાર કોઈ ચકાસે તે વ્યાજબી છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યૂરો દ્વારા જાહેર કરવામાં આવેલા ક્રાઈમ ઈન્ડિયા ૨૦૨૦ રિપોર્ટ અનુસાર ગત વર્ષે જાલી નોટોના રેકેટના સંદર્ભમાં ગુજરાત રાજ્યમાં ૩૨ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસની દલીલ છે કે, ગુજરાતની બોર્ડર પાકિસ્તાનને મળતી હોવાને કારણે મોટા પ્રમાણમાં જાલી નોટોના કૌભાંડ સામે આવે છે. પોલીસ માટે પણ આ રેકેટનો પર્દાફાશ કરવો સરળ કામ નથી હોતું.

એક ઉચ્ચ પોલીસ અધિકારી જણાવે છે કે, પાડોશી દેશ દ્વારા અવારનવાર દરિયાઈ અથવા જમીન માર્ગેથી નકલી નોટો મોકલવામાં આવે છે. આ પ્રકારની પ્રવૃત્તિ કરવાનો એકમાત્ર હેતુ દેશની અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચાડવાનો હોય છે. આ સિવાય પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, ગુજરાતમાં ઘણાં વેપાર એવા છે જેમાં મોટા પ્રમાણમાં રોકડની લેવડ દેવડ થતી હોય છે, માટે જાલી નોટોનો ઉપયોગ કરવો સરળ બની જતો હોય છે. ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળના માલ્દા જિલ્લાને આ પ્રકારના રેકેટનું હબ માનવામાં આવે છે. ઘણીં ટોળકીઓ જાલી નોટો અહીંથી મેળવતી હોય છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાત પોલીસે એવા અનેક રેકેટનો પર્દાફાશ કર્યો છે જેમાં વિવિધ ગેંગ દ્વારા પશ્ચિમ બંગાળના રહેવાસીઓ દ્વારા જાલી નોટો ગુજરાત લાવવામાં આવે છે જેથી અહીંના બજારોમાં તેને ફરતી કરી શકાય. ૨૦૨૦ની યાદીમાં જાલી નોટો જપ્ત કરવા બાબતે મહારાષ્ટ્ર રાજ્ય પ્રથમ ક્રમાંકે આવ્યું છે. અહીં ૩૮,૬૬૪ જાલી નોટો જપ્ત કરવામાં આવી છે, જેની કિંમત લગભગ ૨.૬૩ કરોડ રુપિયા હતી. પોલીસના જણાવ્યા અનુસાર, ગત વર્ષની સરખામણીમાં વર્ષ ૨૦૨૦માં ગુજરાતમાં જાલી નોટોના સર્ક્યુલેશનનું પ્રમાણ ઘટ્યું છે.

(9:15 pm IST)