Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

સલામત ગુજરાતના ફુંકાતા બણગાં વચ્ચે રાજ્યમાં એક જ વર્ષમાં બાળકીઓ પર દુષ્કર્મની 1,871 ઘટના: NCRBના રિપોર્ટમાં ઘટસ્ફોટ

કોરોનાકાળ ૨૦૨૦ના વર્ષમાં ગુજરાતમાં ૨,૩૩૦ ઘટનાઓ પોક્સો હેઠળ નોંધાઈ જે પૈકી ૨૩૪૩ બાળકીઓ પીડિત છે

અમદાવાદ ભાજપ સરકારના નેતાઓ શાંત-સલામત ગુજરાતના બણગાં ફૂંકતા થાકતા નથી, બીજી તરફ ગુજરાતમાં નાની બાળકીઓ ઉપર દુષ્કર્મ, છેડછાડ, ત્રાસ સહિતના જાતીય ગુનામાં સતત વધારો થતો જાય છે.

કોરોનાકાળ ૨૦૨૦ના વર્ષમાં લોકડાઉન-કરફ્યુમાં મોટે ભાગે લોકોનો સમય ઘરોમાં જ વીત્યો હતો એ તબક્કે ગુજરાતમાં ૨,૩૩૦ ઘટનાઓ પોક્સો હેઠળ નોંધાઈ છે, જે પૈકી ૨૩૪૩ બાળકીઓ પીડિત છે.

૨૩૩૦ ઘટનાઓમાં માત્ર બળાત્કારની જ ૧,૮૭૧ ઘટનાઓ નોંધાઈ છે, જેમાં પીડિત બાળકીઓની સંખ્યા ૧,૮૮૧ છે.

તાજેતરના જ નેશનલ ક્રાઈમ રેકર્ડ બ્યૂરો (એનસીઆરબી)ના રિપોર્ટમાં આ માહિતી સામે આવી છે. આ રિપોર્ટ પ્રમાણે બાળકીઓની જાતીય સતામણી, દુષ્કર્મ સહિતની ઘટનાઓ મામલે ગુજરાત દેશમાં છઠ્ઠા ક્રમે આવે છે. એનસીઆરબીના ૨૦૨૦ના રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં બાળકીઓ સાથે ચેનચાળા૨૭૪ ઘટનાઓ બની છે, જેમાં ૨૭૫૮ પીડિતા સામેલ છે.

આ ઉપરાંત પોક્સો એક્ટ હેઠળ સેક્યુઅલ હેરેસમેન્ટની ૧૦૯ ઘટના પૈકી ૧૧૧ બાળકી પીડિતા છે, આ ઉપરાંત પોક્સો એક્ટની સેક્સન ૧૭થી ૨૨ પ્રમાણે ૭૪ કેસ નોંધાયા છે જ્યારે પોર્નોગ્રાફીને લગતાં બે ગુના છે.

આ રિપોર્ટ પ્રમાણે દેશભરમાં વર્ષ ૨૦૨૦માં પોક્સો હેઠળ ૪૬,૧૨૩ ઘટના બની હતી, જેમાં ૪૬,૫૨૩ પીડિતા સામેલ છે, જે પૈકી દુષ્કર્મની ૨૬,૭૪૪ ઘટના બની હતી, જેમાં ૨૬,૯૯૫ પીડિતા સામેલ છે.

(6:55 pm IST)