Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

આંકલાવની ગંભીરા ચોકડી નજીક ચપ્પુની અણીએ ભંગાર ભરેલ ટ્રકની ચોરી થતા પોલીસે તપાસ હાથ ધરી

આણંદ : આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાની ગંભીરા ચોકડી ખાતે ગતરોજ મુસાફરના સ્વાંગમાં એક ટ્રકમાં સવાર થયેલ ત્રણ શખ્શોએ ટ્રક ચાલકને ચપ્પાની અણીએ બંધક બનાવી ૨૫ ટન લોખંડનો ભંગાર ભરેલ ટ્રકની લૂંટ ચલાવી ફરાર થઈ જતા ભારે ચકચાર મચી જવા પામી છે. આ બનાવ અંગે આંકલાવ પોલીસે અજાણ્યા ત્રણ શખ્શો વિરૂધ્ધ લૂંટનો ગુનો નોંધી તપાસનો દોર શરૂ કર્યો છે.

ભાવનગરના નારી રોડ ઉપર આવેલ રામદેવનગર ખાતે રહેતા પરેશભાઈ બાલાભાઈ કરેણીયા (કોડી પટેલ) ભાવનગરની એક ટ્રાન્સપોર્ટ એજન્સીમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે. ગત તા.૧૧મી સપ્ટેમ્બરના રોજ તેઓ એક ટ્રકમાં કોલસા ભરી ભાવનગરથી સુરત ખાતે ગયા હતા. જ્યાં સુરત ખાતે કોલસાનો જથ્થો ખાલી કરી ભાડા માટે માલિકને ફોન કરતા તેમણે ઉધના સ્વામિનારાયણ મંદિર પાસે આવેલ એક કંપનીમાંથી લોખંડનો ભંગાર ભરીને આવવા માટે જણાવ્યું હતું. જેથી પરેશભાઈ ટ્રક લઈને ઉધના ગયા હતા અને જણાવેલ સ્થળેથી આશરે ૨૫ ટન લોખંડનો ભંગાર ભરી સુરતથી ભાવનગર જવા માટે નીકળ્યા હતા. દરમ્યાન સુરત હાઈવે ઉપર આવતા તેઓ એક હોટલ ખાતે ચ્હા-નાસ્તો કરવા માટે ઉભા રહ્યા હતા. જ્યાં ૨૫ થી ૩૦ વર્ષના આશરાના અજાણ્યા ત્રણ શખ્શો તેમની પાસે આવ્યા હતા અને ભાવનગર જવાનું જણાવતા ભાડાની લાલચમાં પરેશભાઈએ ત્રણેય શખ્શોને ટ્રકમાં બેસાડયા હતા. દરમ્યાન વહેલી સવારના સુમારે ટ્રક જંબુસર નજીક આવેલ મુવાલ ચોકડી ખાતે પહોંચતા ત્રણેય શખ્શોએ ચપ્પુ બતાવી ચાલક પરેશભાઈને દબોચી સાઈડ ઉપર બેસાડી દોરડાથી બાંધી બંધક બનાવી દીધા હતા. ત્યારબાદ બે શખ્શો ચપ્પુ લઈ તેઓની પાસે બેસી ગયા હતા અને એક શખ્શે ટ્રક હંકારી હતી. સવારના લગભગ ૬ઃ૦૦ કલાકની આસપાસના સુમારે આંકલાવ તાલુકાના ગંભીરા બ્રીજ નજીક ટ્રક પહોંચતા ત્રણેય શખ્શોએ પરેશભાઈને ધક્કો મારી ટ્રકમાંથી નીચે ઉતારી દીધા હતા અને રૂા.૭ લાખનો લોખંડનો ભંગાર તેમજ રૂા.૧૨ લાખની ટ્રક મળી કુલ્લે રૂા.૧૯ લાખની મત્તાની લૂંટ ચલાવી ટ્રક લઈ ફરાર થઈ ગયા હતા. જ્યાંથી પરેશભાઈ ચાલતા-ચાલતા એક હોટલ ખાતે આવ્યા હતા અને ત્યાંથી માલિકને ફોન કરતા માલિક ગંભીરા બ્રીજ ખાતે આવી પહોંચ્યા હતા અને બાદમાં આંકલાવ પોલીસ મથકે આવી આ અંગે ફરિયાદ નોંધાવી હતી.

(4:45 pm IST)