Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાત અને રાજકોટને અનેક યોજનાઓ આપી : અભિનંદન ઠરાવ

રાજકોટ : પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનાં પાંચ વર્ષનાં શાસન અંગે આજે મળેલા જનરલ બોર્ડમાં સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન પુષ્કર પટેલે સભ્ય મનિષ ચડિયાના ટેકાથી અરજન્ટ બિઝનેશથી દરખાસ્ત રજુ કરેલ જે મંજુર કરાઇ હતી.

આ અંગેનો ઠરાવમાં જણાવેલ કે ગુજરાત રાજ્યના સંવેદનશીલ પૂર્વ માન.મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ મુખ્યમંત્રી તરીકેના પોતાના ૦૫ વર્ષના શાસનકાળમાં સમાજલક્ષી અનેક નિર્ણયો કરેલ છે તેમજ રાજકોટને અને ગુજરાત રાજ્યને અનેક યોજનાઓની ભેટ આપેલ છે.  જેમાં શહેરની પીવાના પાણીની સમસ્યાના અનુસંધાને આજી-ન્યારી ડેમને સૌની યોજના હેઠળ નર્મદા ડેમ સાથે જોડી, પીવાના પાણીની સમસ્યાને કાયમને માટે ભૂતકાળ બનાવી દીધેલ છે. આ ઉપરાંત ઇન્ટરનેશનલ એરપોર્ટ, એઈમ્સ, બસપોર્ટ, સિવિલ હોસ્પિટલ, ઝનાના હોસ્પિટલનું નવીનીકરણ, નવી જી.આઈ.ડી.સી. તેમજ શહેરની ટ્રાફિકની સમસ્યા હળવી બને તે માટે ઓવરબ્રિજ, અન્ડરબ્રિજની ભેટ આપેલ છે.

ઉપરાંત શહેરના વિકાસ માટે ખોબલેને ખોબલે આર્થિક સહયોગ આપેલ છે. તે બદલ પૂર્વ માન.મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીને શહેરીજનો વતી આજની આ સામાન્ય સભા ખુબ ખુબ અભિનંદન પાઠવે છે અને ઋણ સ્વીકાર કરે છે.

(4:11 pm IST)