Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

અલગ રહેતી પત્નીને બેંકે મોકલી દીધું ATM કાર્ડ : હવે પતિને ચૂકવવા પડશે ૧.૬૬ લાખ

ગાંધીનગરનો કિસ્સોઃ બેંકની ગફલતથી પતિને ૧.૬૬ લાખ રૂપિયાનો ચૂનો લાગ્યોઃ ખાતામાંથી ઉપાડી લેવાયેલા રૂપિયા પરત મેળવવા ગ્રાહક સુરક્ષામાં કર્યો કેસ : ૨૦૦૯માં એટીએમ કાર્ડ ખોવાઈ જતાં વિનોદ જોષી નામના વ્યકિતએ બીજું કાર્ડ મેળવવા બેંકમાં અરજી કરી હતી : બેંકે કાર્ડ તેમને મોકલવાને બદલે ગાંધીનગર રહેતી તેમની પત્નીના સરનામે મોકલી દીધું હતું : કાર્ડ દ્વારા ખાતામાંથી ૧.૬૬ લાખ ઉપાડી લેવાયા, જેની જાણ ખાતેદારને છેક ૨૦૧૦માં થઈ

અમદાવાદ,તા.૧૮: અલગ રહેતી પત્નીને ભૂલથી પતિનું ATM કાર્ડ મોકલી દેનારી એકિસસ બેંકને ૧.૬૬ લાખ રૂપિયા ૭ ટકા વ્યાજ સાથે ચૂકવવાનો વારો આવ્યો છે. બેંકે મોકલાવેલા ATM કાર્ડ દ્વારા ખાતેદારની જાણ બહાર તેમના અકાઉન્ટમાંથી ૧.૬૬ લાખ રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હતા. આ મામલે તેમણે ગ્રાહક સુરક્ષા પંચ સમક્ષ ફરિયાદ કરતાં બેંકને વળતર ચૂકવવા આદેશ કરવામાં આવ્યો હતો.

આ કેસની વિગતો એવી છે કે, કલોલ નજીકના નારદીપુર ગામમાં રહેતા વિનોદ જોષી પોતાના દીકરા સાથે એકિસસ બેંકમાં જોઈન્ટ અકાઉન્ટ ધરાવતા હતા. જેના ડેબિટ કાર્ડનો ઉપયોગ તેઓ બંને કરતા હતા. જોકે, કાર્ડ ખોવાઈ જતાં તેમણે સપ્ટેમ્બર ૨૦૦૯માં બેંકને નવું કાર્ડ ઈશ્યૂ કરવા માટે અરજી કરી હતી. પરંતુ નવું કાર્ડ તેમને કયારેય મળ્યું જ નહોતું. બીજી તરફ, ૨૬ ઓગસ્ટના રોજ તેઓ સેલ્ફ ચેકથી બેંકમાં ૧૦ હજાર રૂપિયા ઉપાડવા ગયા ત્યારે તેમને એવું કહેવાયું હતું કે તેમના ખાતામાં બેલેન્સ નથી.

પોતાના ખાતામાંથી રૂપિયા કયાં ગયા તે જાણવા માટે વિનોદ જોષીએ બેંકમાંથી સ્ટેટમેન્ટ કઢાવ્યું હતું. તપાસ કરતા ખાતેદારને જાણ થઈ હતી કે બેંકે નવું એટીએમ કાર્ડ તેમને મોકલવાને બદલે તેમનાથી અલગ રહેતી પત્નીના ગાંધીનગર સ્થિત સરનામે મોકલી દીધું છે. જેના દ્વારા કુલ ૧,૬૬,૯૦૦ રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા છે. બેંકની આ ગફલતથી પોતાને થયેલા નુકસાનનું વળતર મેળવવા માટે તેમણે ગાંધીનગર જિલ્લા ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ૨૦૧૦માં બેંક સામે કેસ કર્યો હતો.

ફરિયાદીનો આક્ષેપ હતો કે બેંકે દાખવેલી બેદરકારીને કારણે તેમને પોતાના રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે. તેમણે કોર્ટને જણાવ્યું હતું કે, પોતે બેંકને પત્ની સાથે ચાલતી કાયદાકીય લડાઈ અંગે માહિતી આપીને ૨૦૦૫માં સરનામું બદલાવવા માટે અરજી પણ આપી હતી. જોકે, તેમ છતાંય તેમનું એટીએમ કાર્ડ તેમની પત્નીના સરનામે મોકલી દેવાયું, અને તેના દ્વારા તેમના અકાઉન્ટમાંથી પત્નીએ કથિત રીતે ૧.૬૬ લાખ ઉપાડી લીધા છે.

બેંકે કોર્ટમાં આ અંગે આપેલા જવાબમાં જણાવ્યું હતું કે, તેણે કાર્ડ વિનોદ જોષીના સરનામે જ મોકલ્યું છે. એટલું જ નહીં, ૧.૬૬ લાખ રૂપિયા પણ ખાતેદાર અને તેમના દીકરા દ્વારા જ ઉપાડવામાં આવ્યા છે. બેંકે દાવો કર્યો હતો કે આ અંગેના તેની પાસે એટીએમના સીસીટીવી ફુટેજ પણ છે. જોકે, તેને કયારેય કોર્ટ સમક્ષ રજૂ કરવામાં નહોતા આવ્યા. વળી, કેસની સુનાવણી દરમિયાન એવું પણ બહાર આવ્યું હતું કે એટીએમ કાર્ડ વિનોદ જોષીને નારદીપુર નહીં, પરંતુ તેમની પત્નીને ગાંધીનગર મોકલવામાં આવ્યું હતું.

બેંકે એવો પણ દાવો કર્યો હતો કે કાર્ડનો પીન વિનોદ જોષીને ઈમેલ કરાયો હતો, પરંતુ તે પણ કોર્ટમાં સાબિત નહોતું થઈ શકયું. ડોકયુમેન્ટ્સ પરથી એ વાત બહાર આવી હતી કે વિનોદ જોષીને પીન મળ્યો જ નહોતો, તેને પણ કુરિયર દ્વારા તેમની પત્નીને જ મોકલવામાં આવ્યો હતો. તેમના દીકરાએ ૧ ઓકટોબર ૨૦૦૯ના રોજ તેને રિસીવ કર્યો હતો.

ગાંધીનગર જિલ્લા ગ્રાહક સુરક્ષા અદાલતે ૨૦૧૧માં આ કેસની સુનાવણી પૂર્ણ કરીને બેંકની વિરૂદ્ઘ ચુકાદો આપતા ફરિયાદીને વળતર ચૂકવી દેવા આદેશ કર્યો હતો. જોકે, તેની સામે બેંકે રાજય સ્તરની ગ્રાહક સુરક્ષા અદાલતમાં અપીલ કરી હતી. જેના પર સુનાવણી કરતા જયુડિશિયલ મેમ્બર એમ.જે. મહેતાએ નીચલી કોર્ટનો ચુકાદો માન્ય રાખી બેંકને કસૂરવાર ઠેરવી હતી અને ૨૦૧૦થી સાત ટકા વ્યાજ સાથે ૧.૬૬ લાખ રૂપિયા ચૂકવવા આદેશ કર્યો હતો. 

(10:11 am IST)