Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

અમદાવાદના બોડકદેવ, ચાંદલડિયા, ઘાટલોડિયામાં કોરોના કેસ વધ્‍યાઃ અમદાવાદમાં ૧૫૨ કેસ નોંધાયા

અમદાવાદઃ અહિંના બોડકદેવ, ચાંદલોડિયા તથા ઘાટલોડિયામાં કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે. અમદાવાદમાં ૧પર કેસ નોંધાયા હતા તેમાં ઉપરોકત વિસ્‍તારોમાં વધુ કેસ નંધાયા છે.

આ અંગે વધુ વિગત જઇએ તો આજે અમદાવાદ શહેરમાં કુલ 16 વિસ્તારો માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારો ઉમેરાયા છે. તેમાંથી 50 ટકા તો માત્ર ઉત્તર પશ્ચિમ ઝોનના છે.

અમદાવાદ શહેરમાં કોરોના (Ahmedabad Corona)  સંક્રમણને અટકાવવા માટે લેવાઇ રહેલાં શ્રેણીબધ્ધ પગલાંઓની સમીક્ષા માટે આજે અધિક મુખ્ય સચિવ ડો. રાજીવકુમાર ગુપ્તાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી. જેમાં હાલમાં અમદાવાદ શહેરમાં 333 માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તારો અમલમાં છે.

જે પૈકી રોજની માફક વિસ્તુત ચર્ચા વિચારણાંના અંતે 19 વિસ્તારોને માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તારમાંથી દૂર કરવાનો નિર્ણય કર્યો હતો. તેની સામે 16 નવા વિસ્તારોનો માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તારમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.

માઇક્રો કન્ટેઇન્મેન્ટનો આંકડો 314 પર પહોંચ્યો

333 માંથી 19 વિસ્તારોને દૂર કરાતાં માઇક્રો કન્ટેઇન્મેન્ટનો આંકડો 314 પર પહોંચ્યો હતો. તેની સામે નવા 16 વિસ્તારોનો સમાવેશ થતાં આ આંકડો 330 પર પહોંચ્યો છે. નવા જાહેર થયેલા વિસ્તારોમાં ઉત્તર પશ્ચિમ ઝોન પર કોરોના પોઝિટિવ કેસોનો પ્રભાવ હોવાનું જોવા મળ્યું હતું.

ઉત્તર પશ્ચિમ ઝોનમાં 8, ઉત્તર ઝોનમાં 2, મધ્ય ઝોનમાં 1, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 2, તથા પૂર્વ ઝોનમાં 1, દક્ષિણ ઝોનમાં 1, પૂર્વ ઝોનમાં પણ એક વિસ્તારનો માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તારમાં સમાવેશ કરાયો છે.

8 વિસ્તારો પૈકી ઘાટલોડિયાના જ ચાર વિસ્તાર

આ ઉત્તર પશ્ચિમ ઝોનમાં કુલ 8 વિસ્તારો પૈકી ઘાટલોડિયાના જ ચાર વિસ્તારોનો સમાવેશ થાય છે. જયારે ચાંદલોડિયા તથા બોડકદેવના બે-બે વિસ્તારો માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તારમાં મૂકાયા છે.

ઉપરોક્ત જાહેર કરેલા નવા માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તારોમાં અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્રારા આવતીકાલે 19 સપ્ટેમ્બરના રોજ સઘન અને ઘનિષ્ઠ હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ અને સ્ક્રીનિંગની કામગીરી હાથ ધરવામાં આવશે. આ સરવેની કામગીરી દરમ્યાન ધ્યાને આવેલા કોરોનાના લક્ષણ ધરાવતાં શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ લેવાની કામગીરી પણ કરવામાં આવશે.

(11:50 pm IST)