Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

અમદાવાદ : ટ્રેન મારફતે અમદાવાદ આવતા મુસાફરોનું ટેસ્‍ટિંગ : ૧૭૮૦ ટેસ્‍ટમાંથી રર પોઝીટીવ : ૧૬ ને કવીડ કેર સેન્‍ટરમાં ૬ ને હોમ કોરોનટાઇન કરાયા

અમદાવાદ : ટ્રેન મારફતે અમદાવાદ આવતા મુસાફરોનું ટેસ્‍ટિંગ કરવામાં આવે છે. આજે ૧૭૮૦ મુસાફરનો ટેસ્‍ટ કરેલ. જેમાંથી રર મુસાફર પોઝીટીવ આવતા ૧૬ને સાબરમતી રેલવે સ્‍ટેશન પાસે કોવિડ કેર સેન્‍ટરમાં અને ૬ને હોમ કવોરન્‍ટાઇન કરાયા હતા.

અમદાવાદ શહેરમાં નોવેલ કોરાના વાયરસનું સંક્રમણ ફેલાતું અટકાવવા માટે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા વિવિધ પગલાંઓ લેવામાં આવ્યા છે. જેના ભાગરૂપે અમદાવાદ શહેરના સાતેય ઝોનમાં એક ખાસ ઝુંબેશ હેઠળ ટેસ્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ટેસ્ટિંગ દરમિયાન પરપ્રાંતિય મજુરો તથા કામદારોમાં કોરોના પોઝિટિવ કેસો મોટા પ્રમાણમાં મળી આવ્યા હતા.

શહેરના જુદા જુદા વિસ્તારોમાં વસવાટ કરતાં મજૂરો/કામદારોને શોધવામાં ઘણો સમય વ્યતીત થતો હતો. બીજીતરફ કોરોના પોઝિટિવ ધરાવતા મજૂરો તથા કામદારો અન્ય સાથીદારોમાં સંક્રમણ ઊભું કરે તેવી શકયતા દેખાઇ રહી હતી. જેથી અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને અમદાવાદમાં પ્રવેશે તે પહેલાં જ પરપ્રાંતિય મજૂરો તથા કામદારોના ટેસ્ટ કરવાનું નક્કી કર્યું હતું. જેના ભાગરૂપે જ અમદાવાદ રેલવે સ્ટેશન પર ટેસ્ટિંગની કામગીરી હાથ ધરી હતી.

શુક્રવારે કાલુપુર રેલ્વે સ્ટેશન પર આવેલી અમદાવાદ દિલ્હી વચ્ચેની રાજધાની એક્સપ્રેસના 808 મુસાફરોનું ટેસ્ટિંગ થયું હતું. તેમાંથી 14 કોરોના પોઝિટિવ કેસો મળી આવ્યા હતા. જયારે ગોરખપુર એક્સપ્રેસ ટ્રેનમાં આવેલા 496 પ્રવાસીઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તેમાંથી 2 કોરોના પોઝિટિવ કેસો મળ્યા હતા.

તે જ રીતે મુઝફરપુર એક્સપ્રેસ ટ્રેન મારફતે આવેલા 476 પ્રવાસીઓની ચકાસણીમાં 6 પોઝિટિવ કેસો મળી આવ્યા હતા. આમ સરવાળે આજે કુલ 1780 મુસાફરોનું દિવસ દરમિયાન ટેસ્ટીંગ કરાયું હતું. જેમાં 22 મુસાફરો કોરોના પોઝીટીવ નીકળ્યા હતા. આગામી સમયમાં પણ મોટાપાયા પર વિવિધ સ્થળોએ ટેસ્ટીંગની કામગીરી ચાલુ રહેશે તેવું કોર્પોરેશને જાહેર કર્યું છે.

(11:46 pm IST)