Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

રાજ્ય સરકાર નક્કી કરશે તે ફી સ્કૂલોએ સ્વિકારવી પડશે

સ્કૂલ ફી વિવાદનો હાઈકોર્ટે નિકાલ કર્યો : આ પહેલા હાઇકોર્ટ દ્વારા સરકાર અને સંચાલકોને સાથે બેસીને ફી માળખું નક્કી કરવાનો આદેશ કરાયો હતો

અમદાવાદ,તા.૧૮ : ગુજરાતમાં શાળાઓની ફી મામલે ગુજરાત સરકાર તરફથી હાઇકોર્ટમાં કરવામાં આવેલી અરજીનો આજે હાઇકોર્ટે નિકાલ કર્યો છે. આ સાથે જ હાઇકોર્ટે કહ્યું છે કે, કોરોના કાળ દરમિયાન શાળાઓની ફી નક્કી કરવા માટે સરકાર પાસે પૂરી સત્તા છે. આ પહેલા હાઇકોર્ટે સરકાર અને સંચાલકોને સાથે બેસીને ફી માળખું નક્કી કરવાનો આદેશ કર્યો હતો. જોકે, સરકારની ભલામણ પ્રમાણેની ફી સ્વીકારવા માટે સંચાલકો તૈયાર ન હોવાથી ગુજરાત સરકાર ફરીથી હાઇકોર્ટમાં ગઈ હતી. સાથે જ હાઇકોર્ટે એવી ટકોર કરી હતી કે, રાજ્ય સરકાર પાસે સંપૂર્ણ સત્તા હોવા છતાં આ મુદ્દે કોર્ટમાં આવે છે તે દુઃખદ છે. આ મામલે વાલી મંડળના પ્રમુખ નરેશભાઈએ જણાવ્યું છે કે, ગુજરાત હાઇકોર્ટે આજે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. જે પ્રમાણે હાઇકોર્ટે સરકારને ફી નક્કી કરવાની છૂટી આપી દીધી છે. અમે સરકાર તરફથી જે પણ નિર્ણય લેવામાં આવશે તેને વધાવી લઈશું.

              જો સંચાલકો સરકારની વાત પણ નહીં માને તો આખા ગુજરાતના વાલીઓ આંદોલનના માર્ગે જશે અને મુખ્યમંત્રી વિજય રૂપાણીને રજુઆત કરીને શાળાઓની માન્યતા રદ કરવાની માંગણી કરીશું. આ મામલે શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કરભાઈએ જણાવ્યું હતું કે, સરકાર જે પણ નિર્ણય લેશે તે અમને માન્ય રહેશે. રાજ્ય સરકાર પાસે અમાપ સત્તા છે. આ પહેલા એક બીજાને ખો આપવાની રમત ચાલી હતી. અમે વાલી મંડળનો પણ આભાર માનીએ છીએ કે તેઓ આખી ફી માફ કરવાને બદલે ૨૫ ટકા જ ફી માફી માંગી રહ્યા છે. રાજ્ય સરકારે હવે જરા પણ રાહ જોયા વગર જાહેરાત કરી દેવી જોઈએ. કોરોના કાળમાં સ્કૂલ અને કૉલેજો બંધ હોવાથી ગુજરાત વાલી સંચાલક મંડળે સ્કૂલોને ફીમાં રાહત આપવાની માંગણી કરી હતી.

          જોકે, સંચાલકો તૈયાર ન થતાં આ મામલે સંચાલક મંડળે રાજ્ય સરકાર સમક્ષ રજુઆત કરી હતી. જે બાદમાં રાજ્ય સરકારે એક પરિપત્ર બહાર પાડીને સ્કૂલો ન ખૂલે ત્યાં સુધી સંચાલકો ફી નહીં ઉઘરાવી શકે તેવી જાહેરાત કરી હતી. સરકારના આ પરિપત્રના વિરોધમાં સંચાલક મંડળ હાઇકોર્ટમાં ગયું હતું. આ મામલે હાઇકોર્ટે સરકારનો પરિપત્ર રદ કરી નાખ્યો હતો અને સ્કૂલ સંચાલકો અને સરકારને સાથે બેસીને આ મામલે કોઈ નિરાકરણ લાવવાનો આદેશ કર્યો હતો.જે બાદમાં સરકાર તરફથી સ્કૂલ સંચાલકોને ફીમાં ૨૫ ટકાનો ઘટાડો કરવાનું કહેવામાં આવ્યું હતું. જોકે, સ્કૂલ સંચાલકોએ આ વાત સ્વીકારી ન હતી અને તેઓ સ્કૂલ ફીમાં કરેલો ૧૦ ટકાનો વધારો જ જતો કરવા માટે રાજી થયા હતા. આ મામલે ગુજરાત સરકારે ફરીથી હાઇકોર્ટમાં અરજી કરી હતી. ગુજરાત હાઇકોર્ટે પોતાના આદેશમાં સ્પષ્ટ કરી દીધું છે કે, રાજ્ય સરકાર પાસે આ મામલે નિર્ણય લેવાની સંપૂર્ણ સત્તા છે. આથી હવે ગુજરાત સરકાર જે ફી નક્કી કરશે તે ફી સંચાલક મંડળે સ્વીકારવી પડશે.આ માટે રાજ્ય સરકાર તરફથી હવે હાઇકોર્ટના ચુકાદાનો અભ્યાસ કરવામાં આવશે. જે બાદમાં તમામ પક્ષકારોના હીતમાં નિર્ણય લેવામાં આવશે.

(7:23 pm IST)