Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

જયારે, જોઇન્ટ પોલીસ કમિશ્નર અજય ચૌધરી દ્વારા જાતે પોલીસ લાઇન સેનેટાઇઝ કરવાની કામગીરી કરાઇ

અમદાવાદમાં કોરોનાના કહેરમાં પોલીસ અધિકારીઓ અને સંક્રમીત થયેલ જવાનોનું મનોબળ વધારવા અનોખો પ્રયોગ : પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ સાથે ચર્ચા બાદ થયેલા નિર્ણયથી પોલીસ જવાનો તથા પરિવારનું મનોબળ પરાકાષ્ઠાએ પહોંચ્યું

રાજકોટ, તા., ૧૮: જેને ઘેર રહી સલામત રહેવાનું નથી પરંતુ બહાર રહી અન્ય લોકોને સલામત રાખવાની મહત્વની જવાબદારી સંભાળતા અમદાવાદના પોલીસ જવાનો તથા અધિકારીઓની સંક્રમીત થવાની  વધતી જતી સંખ્યા ધ્યાને લઇ પોલીસ જવાનોનું મનોબળ તુટે નહિ તે માટે અમદાવાદના જોઇન્ટ પોલીસ કમિશ્નર (એડમન અને હેડકવાર્ટર) અજય ચૌધરીએ પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવના માર્ગદર્શનમાં દાણીલીમડા પોલીસ લાઇનના ૪૦૦ મકાનોની સેનેટાઇઝ કરવાનો પ્રારંભ પોતે જાતે કર્યો હતો.

સિનીયર કક્ષાના આઇપીએસ અજય ચૌધરીએ દાણીલીમડા પોલીસ લાઇનમાં મુકામ કરી વ્યવસ્થિત રીતે સેનેટાઇઝ કરવાની કામગીરી કરતા ત્યાં વસતા પોલીસ પરિવારોએ તેમને હર્ષભેર વધાવી લીધા હતા. જોઇન્ટ પોલીસ કમિશ્નરને જાતે સેનેટાઇઝ કામગીરી કરતા જોઇ અન્ય અધિકારીઓ પણ સેનેટાઇઝ કામગીરીમાં જોડાઇ જતા સ્ટાફનો ઉત્સાહ બેવડાઇ ગયો હતો.

અકિલા સાથેની વાતચીતમાં જોઇન્ટ પોલીસ કમિશ્નર અજય ચૌધરીએ જણાવેલ કે ફકત દાણીલીમડા પોલીસ લાઇન જ નહિ  અમદાવાદમાં વસતા તમામ જવાનોની પોલીસ લાઇનો સેનેટાઇઝ કરવા સાથે તેઓને જરૂરી દવાઓ તથા અન્ય સવલતો મળી રહે તેની પુરતી કાળજી રાખવામાં આવશે. અર્થાત ૩૧ જેટલી પોલીસ લાઇનની સાથોસાથ પોલીસ અધિકારીઓની ઓફીસ તથા પોલીસ કમિશ્નરની ઓફીસ પણ સેનેટાઇઝ કરવામાં આવશે.

અત્રે યાદ રહે કે અમદાવાદમાં કોરોનાનો કહેર પ્રસરતા ૭૩૧ જેટલા કર્મચારીઓ-અધિકારીઓ કોરોના સંક્રમીત થયા છે. ફ્રન્ટ વોરીયર જેવા અડધો ડઝન જવાનો મૃત્યુ થયા છે.

(12:17 pm IST)