Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

માઉન્ટ આબુમાં ધર્માજી હોટલમાં જુગારધામ ઝડપાયું 19 ગુજરાતીઓ પકડાયા: 65 હજારનો મુદ્દામાલ જપ્ત

બનાસકાંઠા: રાજસ્થાનનાં માઉન્ટ આબુમાં જુગાર રમતા 19 ગુજરાતી જુગારીઓ ઝડપાયા છે. આબુની ધર્માજી હોટલમાંથી આ જુગારધામ ઝડપાયું છે. પોલીસે જુગારીઓ પાસેથી રૂપિયા 65 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

   આ અંગે મળતી વિગત મુજબ રાજસ્થાનનાં માઉન્ટ આબુ પર્વત પોલીસને બાતમી મળી હતી કે ધર્માજી હોટલમાં જુગાર ચાલી રહ્યો છે. તે પરથી હોટલનાં દરોડા પાડતા 19 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેની સાથે 65 હજારનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. આ બધા જ જુગારીઓ ગુજરાતનું હોવાનું સામે આવી રહ્યું છે. હાલ આ તમામની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આ તમામ સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

   તાજેતરમાં માઉન્ટ આબુમાં જુગાર રમતા 28 લોકો ઝડપાયા હતાં. જેમાં અમદાવાદનાં 7 સહિત 13 ગુજરાતી વેપારીઓનો સમાવેશ હતો. આબુરોડ પોલીસે ગુરુવારે મોડી રાતે 3 વાગ્યે માઉન્ટ વેલી રિસોર્ટમાં દરોડા પાડીને 28 જુગારીને પકડ્યા હતા. પોલીસે 1.96 લાખ રોકડ જપ્ત કરી હતી. આ જુગાર અડ્ડો અમદાવાદનો પંકજ કાંતિભાઈ નામનો શખસ ચલાવતો હતો. માઉન્ટ વેલી રિસોર્ટમાં પાંચ વર્ષ પહેલા પણ જુગારની રેડ પડી હતી. એ વખતે રિસોર્ટનું નામ સ્વર્ગભૂમિ હતું, જોકે રેડ પડ્યા બાદ તેનું નામ બદલીને માઉન્ટ વેલી કરી દેવામાં આવ્યું હતું.

(10:12 pm IST)