Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

ગુજરાતમાં ૧૨૨ ટકા વરસાદ થયો : ૮૯ જળાશયો છલકાયા

૬૮ જળાશયો ૭૦થી ૧૦૦ ટકા ભરાયા : આગામી બે દિવસમાં બંગાળની ખાડીમાં લો-પ્રેશર સક્રિય : અહેવાલ :સરદાર સરોવરમાં ૯૮.૯૪ ટકા પાણી ભરાયું

અમદાવાદ,તા.૧૮ : રાજ્યમાં ૧૨૧.૮૯ ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે. પરિણામે રાજ્યના ૮૯ જળાશયો છલકાયા છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ ૧૮૯૬ મી.મી. એટલે કે સરેરાશ ૧૩૩.૭૪ ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૯૧૭ મી.મી. એટલે કે સરેરાશ ૧૧૨.૮૭ ટકા, સૌરાષ્ટ્ર રીજીયનમાં ૮૦૧ મી.મી. એટલે કે સરેરાશ ૧૨૦.૮૫ ટકા,  ઉત્તર ગુજરાતમાં ૬૬૬ મી.મી. એટલે કે સરેરાશ ૯૩.૮૬ ટકા અને કચ્છ રીજિયનમાં ૫૭૦ મી.મી. એટલે કે સરેરાશ ૧૪૨.૧૮ ટકા વરસાદ વરસ્યો છે. આમ રાજ્યમાં સરેરાશ કુલ ૯૯૪.૬૦ મી.મી. એટલે કે, સરેરાશ ૧૨૧.૮૯ ટકા વરસાદ થયો છે તેમ, સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના અહેવાલમાં જણાવાયું છે. રાજ્યમાં ૧૨૧.૮૯ ટકા સરેરાશ વરસાદ થવાથી રાજ્યના કુલ ૨૦૪માંથી ૮૯ જળાશયો છલકાયા છે. તા. ૧૮ સપ્ટેમ્બર-૨૦૧૯ સવારે ૮.૦૦ કલાકની સ્થિતિએ સરદાર સરોવર જળાશયમાં ૩,૩૦,૫૫૪.૦૫ એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ થયો છે. જે કુલ સંગ્રહશક્તિના ૯૮.૯૪ ટકા છે.

                ૬૮ જળાશયો ૭૦ થી ૧૦૦ ટકા તેમજ ૧૪ જળાશયો ૫૦ થી ૭૦ ટકા વચ્ચે ભરાયા છે તેમ, રાજ્યના જળ સંપત્તિ વિભાગ, ગાંધીનગર દ્વારા મળેલા અહેવાલોમાં જણાવાયું છે. ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૫૭.૮૯ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૯૮.૧૫ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૯૨.૯૯ ટકા, કચ્છના ૨૦ જળાશયોમાં ૭૫.૬૦ ટકા અને સૌરાષ્ટ્રના ૧૩૯ જળાશયોમાં ૮૪.૭૧ ટકા પાણીના સંગ્રહ સાથે રાજયના કુલ-૨૦૪ જળાશયોમાં ૪,૮૮,૬૮૭.૨૧ એમ.સી.એફ.ટી. મીટર ઘનફૂટ એટલે કે ૮૭.૭૮ ટકા પાણીનો સંગ્રહ છે. બીજી બાજુ છેલ્લાં અઠવાડિયાથી રાજ્યમાં વરસાદી માહોલ રહેવા છતાં મોટાભાગના વિસ્તારોમાંથી વરસાદ ગાયબ થયો છે પરંતુ, આગામી બે દિવસમાં બંગાળની ખાડીમાં લો-પ્રેશર સક્રિય થશે.

                જેની અસરના ભાગરૂપે આગામી તા.૧૯થી ૨૬ સપ્ટેમ્બર દરમ્યાન અમદાવાદ સહિત રાજ્યમાં ફરીથી સાર્વત્રિક વરસાદની શક્યતા છે, ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદનું જોર વધુ રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી બે દિવસમાં બંગાળની ખાડીમાં લો-પ્રેશરની નબળી સીસ્ટમ  સક્રિય થશે, જે આગળ વધીને તા.૧૯થી ૨૦ સપ્ટેમ્બરે મુંબઇ-દક્ષિણ ગુજરાત સુધી પહોંચશે અને ફરીથી રિ-ડેવલપ થઇને મજબુત બનશે. મોન્સૂન ટ્રફ ગુજરાત તરફ નીચો આવશે, જેની અસર તા.૨૬થી ૨૭ સપ્ટેમ્બર સુધી રહેશે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી પાંચ દિવસ સુધી રાજયમાં ભારે વરસાદની શકયતા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર સહિતના પંથકોમાં ભારે વરસાદ પડવાની આગાહી છે. જેમાં પણ નર્મદા, ભરૂચ, સુરત, ગીર-સોમનાથ, અમરેલી સહિતના પંથકોમાં સૌથી વધુ અસર રહેવાની શકયતા વ્યકત કરાઇ છે.

(9:55 pm IST)