Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

રૂ. ૮ લાખની લાંચના ફરારી આરોપી જેતપુર ડીવાયએસપી જે.એમ. ભરવાડ સામે બીનજામીન લાયક વોરંટ ધોરાજી કોર્ટે કાઢતા ખળભળાટઃ મોટા માથાઓને કાનૂની જંગમાં પરાસ્ત કરવાનુ એસીબી વડા કેશવકુમારનું અભિયાન આગળ વધ્યું

રાજકોટઃ ગત ઓગષ્ટ માસની ૩૦ તારીખના રોજ એક જાગૃત નાગરિકની ફરીયાદ આધારે એસીબી દ્વારા લાંચનુ છટકુ ગોઠવી તત્કાલીન જેતપુર ડીવાયએસપી જે.એમ. ભરવાડ વતી રૂ.૮ લાખની લાંચ સ્વિકારતા પોલીસમેન વિશાલ સોનારા ઝડપાયા બાદ એસીબીએ જેમને સહઆરોપી જાહેર કરી કાર્યવાહી કરેલ તેવા જેતપુરના તત્કાલીન ફરારી ડીવાયએસપી જે.એમ.ભરવાડ સામે ધોરાજી અદાલત બીનજામીન લાયક વોરંટ કાઢતા ખળભળાટ મચી ગયો છે.

અત્રે યાદ રહે કે આ અગાઉ ફરારી ડીવાયએસપી જે.એમ.ભરવાડની રેઢી કાર અમદાવાદ સોલા વિસ્તાર નજીકથી મળી આવી હતી. એ કારમાંથી પોલીસને યુનીફોર્મ તથા મોબાઇલો મળી આવ્યા હતા.ઉકત ઘટના બાદ આ મામલાની તપાસ ભુજ (બોર્ડર રેન્જ)ના મદદનીશ નિયામક કૃષ્ણકુમારસિંહ ગોહીલને સુપ્રત કરવામાં આવેલ એક તબકકે જેતપુર ડીવાયએસપી દ્વારા ધોરાજી સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરવામા આવેલ કોઇપણ સંજોગોમાં લાંચના છટકામાં ઝડપાતા  અધિકારીઓ અને કર્મચારીને જામીન ન મળે તે માટે કાયદે આઝમોને મેદાને ઉતારવા સાથે ભુજ એસીબીના મદદનીશ નિયામક કૃષ્ણકુમારસિંહ ગોહીલને પણ સરકારી વકીલની મદદમાં ધોરાજી મોકલવામાં આવ્યા હતા. ધોરાજી સેશન્સ કોર્ટમાં જામીન ન મળતા મજકૂર ડીવાયએસપી દ્વારા હાઇકોર્ટમાં જામીન અરજી કરવામાં આવેલ ત્યાં પણ કારી ફાવી ન હતી, પોતાની ધરપકડ નિશ્ચિત હોવાનું જાણી ચુકેલા આરોપી ડીવાયએસપી નાસતા ફરતા હોવાથી તેમના પર દબાણ લાવવા સીઆરપીસી કલમ ૭૦ મુજબ ધોરાજી અદાલતમાંથી નોન બેલેબલ વોરંટની માંગણી કરવામાં આવેલ જે માગણી મંજુર કરી ધોરાજી અદાલતે બીનજામીન લાયક વોરંટ ઇસ્યુ કર્યુ છે.

(8:37 pm IST)