Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

ગુજરાતમાં વાતાવરણમાં ફરી પલટો : સાર્વત્રિક વરસાદ થયો

અરવલ્લી, સાબરકાંઠા સહિતના પંથકોમાં વરસાદ : ધરમપુર પંથકમાં ત્રણ ઇંચથી વધારે વરસાદ : વડોદરામાં સપ્તાહ બાદ નોંધાયેલો ભારે વરસાદ : લો પ્રેશરની સ્થિતિ

અમદાવાદ, તા.૧૮ : લો પ્રેશરની સ્થિતિ સર્જાઈ જવાના કારણે ગુજરાતમાં વાતાવરણમાં એકાએક જોરદાર પલટો આવી ગયો છે અને મોટાભાગના વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ થયો છે. રાજ્યના મોટાભાગના પંથકોમાં વરસાદ પડ્યો છે. કેટલીક જગ્યાઓએ ભારે વરસાદ થયો છે. વરસાદી માહોલ હજુ જારી રહે તેવી શક્યતા છે. બીજી બાજુ હવામાન વિભાગ તરફથી ભારે વરસાદની ચેતવણી દક્ષિણ ગુજરાતમાં ડાંગ, નવસારી, વલસાડ માટે જારી કરવામાં આવી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના પણ કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે જેમાં ભાવનગર, અમરેલી અને ગીરસોમનાથનો સમાવેશ થાય છે. રાજકોટ અને જુનાગઢમાં પણ ભારે વરસાદ થઇ શકે છે. સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ વરસાદી માહોલ જારી રહી શકે છે.

          આજે નર્મદા પંથકમાં ભારે વરસાદ થયો હતો જેમાં રાજપીપળા, કેવડિયામાં વરસાદ થયો હતો. વડોદરાના વાઘોડિયામાં પણ વરસાદ થયો છે. અમરેલી, વલ્લભીપુર, પાલીતાણા, જાફરાબાદ, સુરેન્દ્રનગર પંથકમાં પણ નોંધનીય વરસાદ થયો છે. બે-ચાર દિવસના વિરામ બાદ મેઘરાજાએ આજે રાજયના કેટલાક વિસ્તારો અને પંથકોમાં ફરી એન્ટ્રી કરી હતી. ખાસ કરીને વલસાડ, ધરમપુર સહિતના પંથકોમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ ખાબકયો હતો. જેના કારણે આ વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. અહીંના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. તો, ઉત્તર ગુજરાતમાં પણ અરવલ્લી, સાબરકાંઠા, મોડાસા, પ્રાંતિજ, હિંમતનગર, શામળાજી સહિતના પંથકોમાં પણ મેઘરાજાની મહેર થઇ હતી. તો, વડોદરા શહેરમાં પણ લગભગ એકાદ સપ્તાહ બાદ આજે વરસાદ વરસ્યો હતો. જેના લીધે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. આ જ પ્રકારે સૌરાષ્ટ્રના કેટલાક પંથકોમાં પણ આજે વરસાદે દેખા દીધી હતી.  છેલ્લા ૨૪ કલાકમાં દક્ષિણ ગુજરાતના કેટલાક પંથકોમાં મેઘરાજા મહેરબાન થયા હતા. ખાસ કરીને વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં ત્રણ ઇંચથી ભારે વરસાદ ખાબકતા ફરીથી ગ્રામ્ય પંથકના લોકોને મેઘરાજાની તોફાની બેટીંગ જોવા મળી હતી. આ સાથે જિલ્લાના કપરાડા તાલુકામાં પણ બે ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો.

       જ્યારે વલસાડ,પારડી તાલુકામાં પણ સારો એવો વરસાદ નોંધાયો હતો. આ સિવાય નવસારીમાં મોડીરાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે માત્ર બે જ કલાકમાં અઢીથી ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો. નવસારીના કેટલાક વિસ્તારમાં વીજળી ડુલ થઈ ગઈ હતી. નવસારી ઉપરાંત નજીકના વિજલપોર સહિતના જલાલપોર તાલુકામાં પણ મોડી રાત્રે કડાકા સાથે લગભગ અઢીથી ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો. તો, ગણદેવી તાલુકામાં પણ ૩૮ મિમી વરસાદ પડ્યો હતો. બીજીબાજુ, મધ્ય ગુજરાતમાં વડોદરા શહેરમાં એક અઠવાડિયાના વિરામ બાદ આજે ફરીથી મેઘરાજાએ ફરી એન્ટ્રી કરી હતી. બપોરના સમયે અચાનક જ વરસાદ શરૂ થયો હતો. વડોદરાના અલકાપુરી, માંજલપુર, સુભાનપુરા સહિતના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો હતો. જેને લઇ વડોદરાવાસીઓએ ગરમીના ઉકળાટમાં ઠંડકની રાહત અનુભવી હતી.  દરમ્યાન સૌરાષ્ટ્રના ત્યારે ઊનાનાં દેલવાડામાં માત્ર અડધા કલાકમાં જ ધોધમાર બે ઈંચ વરસાદ નોંધાયો હતો. જેને લઈને સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ધોધમાર વરસાદનાં કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતા. દરમ્યાન ઉત્તર ગુજરાતમાં પણ આજે સાબરકાંઠા, અરવલ્લી, મોડાસા, શામળાજી, હિંમતનગર, પ્રાંતિજ સહિતના પંથકોમાં સારો એવો વરસાદ નોંધાયો હતો.

(8:33 pm IST)