Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

૨૬મી સુધી દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશેઃ બંગાળની ખાડીમાં લો-પ્રેશર સૌરાષ્‍ટ્રમાં પણ વરસાદ લાવશે

અમદાવાદ :ગુજરાતમાં 121 ટકા વરસાદ થતા આગામી 12 મહિના ગુજરાત માટે સોનેરી વર્ષ સાબિત થશે તેવું કૃષિ નિષ્ણાતોનું કહેવું છે. આગામી વર્ષે ગુજરાત ઉનાળુ પણ પાણીદાર સાબિત થશે. ત્યારે ગુજરાતમાં હજી પણ વરસાદ પર બ્રેક લાગી નથી. એક અઠવાડિયુ વરસાદે વિરામ લીધા બાદ હવે ગુજરાતમાં ફરીથી વરસાદ વરસવાનો છે. હવામાન ખાતાની આગાહી મુજબ, 19થી 26 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદ વરસવાની શક્યતા છે. અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં સારો વરસાદ વરસવાનો છે.

હવામાન વિભાગ દ્વારા મળેલી માહિતી મુજબ, આગામી બે દિવસમાં બંગાળની ખાડીમાં લો-પ્રેશર સક્રિય થવાનું છે. જેને કારણે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી શકે છે. 19થી 20 સપ્ટેમ્બર સુધી આ સિસ્ટમ મુંબઈ અને દક્ષિણ ગુજરાત આસપાસ પહોંચશે. જેના બાદ 26 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં અનેક શહેરોમાં વરસાદનું જોર રહેશે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધુ રહેશે. જેથી દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. આમ, આગામી 10 દિવસ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે.

ગુરુવારે એટલે આવતીકાલે નવસારી, વલસાડ, દમણમાં ભારે વરસાદ ખાબકી શકે છે. જ્યારે બીજા દિવસે શુક્રવારે ડાંગ, વલસાડ, નવસારી, દમણમાં વરસાદની આગાહી છે. આ સાથે શનિવારે વલસાડ, દમણ, સુરત, ડાંગ, તાપી, ભાવનગર, અમરેલીમાં જ્યારે રવિવારે વલસાડ, નવસારી, ભાવનગર, અમરેલીમાં ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતનાં કેટલાક જિલ્લામાં હળવાથી મધ્યમ ઝાપટાં પડવાની પણ શક્યતાઓ રહેલી છે.

ઉલ્લેખનીય છે કે, આજે છોટાઉદેપુરના કવાંટ અને નસવાડીમાં વરસાદ નોંધાયો હતો. કવાંટમાં સવારમાં બે કલાકમાં 2 ઇંચ વરસાદ, તો નસવાડીમાં એક ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો.

(4:55 pm IST)