Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

ગુજરાતમાં બધુ સારૂ ચાલી રહ્યું છે ને? નરેન્દ્રભાઇએ વિજયભાઇ સાથે ચર્ચા કરી

કેન્દ્રની તમામ યોજનાનો અમલ કેવી રીતે થાય છે તે જોવાની જવાબદારી રાજય સરકારની : પેટાચૂંટણી અંગે પણ થઇ ચર્ચા

ગાંધીનગર- ગુજરાતમાં બધુ સારૃં ચાલી રહ્યું છે ને? તેવો પ્રશ્ન કરીને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી પાસેથી ગુજરાત સરકારનો હિસાબ માગ્યો હતો. તેમણે કહ્યું હતું કે કેન્દ્ર સરકારની તમામ યોજનાઓનો ગુજરાતમાં કેવી રીતે અમલ થાય છે તે જોવાની જવાબદારી રાજય સરકારની છે અને તે કેવી રીતે નિભાવવાની છે તે અંગે શ્રી મોદીએ મુખ્યમંત્રીશ્રીને માર્ગદર્શન આપ્યું હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

ગુજરાતમાં વિધાનસભાની સાત બેઠકોની આવી રહેલી પેટા ચૂંટણીની મોદીએ ચર્ચા કરી હતી. આ સમયે તેમની સાથે મુખ્યમંત્રી કાર્યાલયના અધિકારીઓ તેમજ સિનિયર કેબિનેટ મંત્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા. પોતાની માતા હિરાબા સાથે બપોરનું લંચ લીધા પછી વડાપ્રધાન સીધા રાજભવન ગયા હતા. તેમણે એક થી દોઢ કલાક સુધીનો સમય અનામત રાખ્યો હતો.

સરદાર સરોવર ડેમ સાઇટે નર્મદા ઉત્સવમાં પૂજા અર્ચના તેમજ જંગલ સફારી સહિતના વિવિધ આકર્ષણોની મુલાકાત લઇને શ્રી મોદીએ ગાંધીનગર આવી તેમના અનામત સમયમાં સરકાર અને સંગઠનના અગ્રણીઓ સાથે ચર્ચા કરી હતી. પેટા ચૂંટણીમાં પાર્ટીએ કયા કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવાના છે તે અંગે શ્રી મોદીએ કેટલાક સંકેત આપ્યા હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ તેમજ સરકાર અને સંગઠન વચ્ચે સંકલન ઉપરાંત સંગઠનમાં ચાલી રહેલી ચૂંટણીઓ અંગે પણ નરેન્દ્રભાઇએ માર્ગદર્શન આપ્યું હોવાનું જાણવા મળ્યું છે. ખાસ કરીને નર્મદા જળાશયમાં સંગ્રહ થયેલા જળનો આખું વર્ષ કેવી રીતે સમજણપૂર્વકનો ઉપયોગ કરવાનો છે તે બાબતે સલાહ આપી હતી. ગુજરાતમાં સારો વરસાદ થયો છે તેથી આ વર્ષે દુષ્કાળ પડવાની શકયતા નહીંવત હોવાથી કૃષિ ઉત્પાદન તેની સર્વોચ્ચ સપાટીએ પહોંચશે તેવો આશાવાદ પણ નરેન્દ્રભાઇશ્રીએ રાજભવનની આ બેઠકમાં વ્યકત કર્યો હતો.

નરેન્દ્રભાઇ મોદીની ગુજરાત મુલાકાત દરમ્યાન રાજય સરકારના સિનિયર મોસ્ટ અધિકારી અને મુખ્યમંત્રીના ચીફ પ્રિન્સિપલ સેક્રેટરી કે કૈલાસનાથન તેમની સાથે રહ્યાં હતા જયારે કેવડિયાની મુલાકાત સમયે રાજયના વન અને પર્યાવરણ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ કુમાર ગુપ્તા ઉપસ્થિત હતા. કૈલાસનાથને ગુજરાત સરકારની કામગીરી તેમજ સંગઠનની ભૂમિકાની શ્રી મોદી સાથે ગુફતેગુ કરી હતી. 

(3:11 pm IST)